Fri Sep 04 2026

Logo

લશ્કરના આતંકી હાફિઝ સઇદ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ, પહેલગામ હુમલા કેસમાં ચાલશે ટ્રાયલ

2026-07-14 13:03:28
Author: Mumbai Samachar Team
લશ્કરના આતંકી હાફિઝ સઇદ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ, પહેલગામ હુમલા કેસમાં ચાલશે ટ્રાયલ

જમ્મુ: NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) ની એક સ્પેશિયલ કોર્ટે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના પાકિસ્તાન સ્થિત વડા હાફિઝ સઇદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું છે. આ વોરંટ પહેલગામ આતંકી હુમલાની એજન્સી દ્વારા ચાલી રહેલી તપાસના સંદર્ભમાં જારી કરવામાં આવ્યું છે. NIA કોર્ટના સ્પેશિયલ જજે આ આદેશ આપ્યો છે. આના બે દિવસ પહેલા જ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પહેલગામ આતંકી હુમલાના કેસમાં હાફિઝ સઇદ વિરુદ્ધ સપ્લિમેન્ટરી ચાર્જશીટ (પૂરક આરોપનામું) દાખલ કરી હતી.

ભારત અને અમેરિકા દ્વારા વૈશ્વિક સ્તરે આતંકવાદી જાહેર કરાયેલા સઇદ પર 2008ના મુંબઈ આતંકી હુમલાનું કાવતરું ઘડવાનો પણ આરોપ છે. જમ્મુમાં સ્પેશિયલ NIA કોર્ટ સમક્ષ દાખલ કરાયેલી સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં 76 વર્ષીય સઇદ પર વ્યક્તિગત રીતે અને પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (LeT) તેમજ તેના પ્રોક્સી સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) ના વડા તરીકે આરોપ મૂકવામાં આવ્યા છે.

હાફિઝ સઇદ પર આ કલમો હેઠળ કેસ

હાફિઝ સઇદ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 અને Unlawful Activities (Prevention) Act (UAPA), 1967ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટના આદેશ અનુસાર, NIAએ કોર્ટને જણાવ્યું કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધાનો રહેવાસી હાફિઝ સઇદ પહેલગામ આતંકી હુમલાના કેસમાં આરોપી છે અને જાણીજોઈને ધરપકડથી બચી રહ્યો છે.


DIG જમ્મુને મોકલાયું વોરંટ

એજન્સીએ આગળની કાનૂની કાર્યવાહી અને તપાસને વેગ આપવા માટે ફરાર આતંકવાદી વિરુદ્ધ ઓપન-ડેટેડ (તારીખ વગરનું) બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવાની માંગ કરી હતી. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે નિષ્પક્ષ, સંપૂર્ણ અને અસરકારક તપાસ માટે આરોપી (સઇદ)ની ધરપકડ અને કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે. તેથી, તેના વિરુદ્ધ ધરપકડનું બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવે અને તેને કાયદા અનુસાર બજવણી કરવા માટે ડીઆઈજી (DIG), એનઆઈએ (NIA) જમ્મુને મોકલવામાં આવે. ગયા વર્ષે 22 એપ્રિલે દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 લોકોની હત્યા કરી  હતી, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.