Tue Jul 14 2026

Logo

અંબાલાલ હવામાનની આગાહી કરશે કે નહીં? શું કરી મોટી જાહેરાત

2026-07-14 12:35:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગઈકાલે વિજ્ઞાન જાથાથી કંટાળીને આગાહી નહીં કરવાની જાહેરાત કરી હતી. જોકે 24 કલાકમાં તેમણે મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે, ખેડૂતો અને સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને તેઓ અગાઉની જેમ જ આગાહી આપતા રહેશે.

શું કહ્યું અંબાલાલ પટેલે

અંબાલાલ પટેલે જણાવ્યું કે, કાયદાકીય નિષ્ણાતોનો અભિપ્રાય મેળવ્યા બાદ હવે તેઓ ફરીથી હવામાનની આગાહી કરશે. કાયદાકીય મૂંઝવણો દૂર થતાં અને કાયદાના નિષ્ણાતોની સલાહ લીધા બાદ તેમણે આ જાહેરાત કરી હતી. અંબાલાલે કહ્યું, વિવાદોના કારણે તેમને માનસિક રીતે ખૂબ હેરાન થવું પડ્યું હતું. 

આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું, તેઓ વર્ષોથી ખેડૂતો અને સમાજના ભલા માટે જ આગાહીઓ કરતા આવ્યા છે અને આ સેવા આગળ પણ ચાલુ રાખશે. તેઓ આગાહી કરવા માટે કોઈની પણ પાસેથી એકપણ રૂપિયા ફી નથી લેતા. આગાહી પર ભરોસો કરવો કે નહીં તે સંપૂર્ણપણ લોકોની પોતાની મરજી છે. તેમનું કામ માત્ર વાતાવરણ વિશે અગાઉથી માહિતી આપવાનું છે.

અંબાલાલે કેમ આગાહી નહીં કરવાની કરી હતી જાહેરાત

ગઈકાલે અંબાલાલ પટેલે આગાહી નહીં કરવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, વિજ્ઞાન જાથાના આક્ષેપોથી તેઓ ખૂબ દુઃખી થયા છે. તેમના મતે આ આક્ષેપો માત્ર તેમના પર નથી, પણ ભારતની જૂની વૈદિક જ્ઞાન પરંપરા પર પ્રહાર છે. હવે તેમની ઉંમર થઈ ગઈ છે અને તેઓ કોઈ પણ નકારાત્મક વિવાદ કે આક્ષેપબાજીમાં પડવા નથી માંગતા. તેઓ વર્ષોથી કોઈ વૈજ્ઞાનિક સાધનો વિના, પરંપરાગત જ્ઞાનના આધારે વરસાદના સાચા વરતારા આપતા આવ્યા છે અને તેમનો હેતુ હંમેશા લોકકલ્યાણનો રહ્યો છે.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, હાલના વિવાદાસ્પદ માહોલને જોતા તેમણે અત્યારે પૂરતી આગાહીઓ બંધ રાખવાનો મક્કમ નિર્ણય કર્યો છે. જો ભવિષ્યમાં પરિસ્થિતિ સારી થશે અને લોકોનો વિશ્વાસ તથા સાથ-સહકાર મળશે, તો જ તેઓ ફરીથી આગાહીઓ શરૂ કરવા વિશે વિચારશે. ત્યાં સુધી તેઓ કોઈ નવી આગાહી કરશે નહીં.

આ પણ વાંચોઃ ભાજપની ભગિની સંસ્થા અંબાલાલના સમર્થનમાં, વિજ્ઞાન જાથાની દુકાન નથી ચાલતી એટલે.............

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અંબાલાલને શું કરી હતી વિનંતી

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અંબાલાલ પટેલને વિનંતી કરતાં કહ્યું હતું કે, લોકો તેમની આગાહીઓ પર વિશ્વાસ રાખે છે અને ખાસ કરીને ખેડૂતો સહિત અનેક લોકો તેમના અનુમાનની રાહ જોતા હોય છે.  છેલ્લા ત્રણ દાયકાથી અંબાલાલ પટેલને વ્યક્તિગત રીતે ઓળખુંછું અને તેમની વર્ષોથી કરવામાં આવતી હવામાન આગાહીઓથી પરિચિત છે. નીતિન પટેલે કહ્યું કે દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે અને અંબાલાલ પટેલે પણ વર્ષોથી લોકોના હિતમાં હવામાન અંગે આગાહીઓ કરી છે.

વિજ્ઞાન જાથાએ શું કહ્યું

વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આગાહીકારો સામે બાંયો ચઢાવી હતી. તેમણે કહ્યું, વર્તમાન સમયના વરતારા બોગસ છે. આ વરતારાના કારણે ખેડૂતો ખોટા નિર્ણયો લેતા હોવાથી તેમના બિયારણ અને પાકને નુકસાન થઈ રહ્યું છે. આગાહીકારો પાસે કોઈપણ પ્રકારના વૈજ્ઞાનિક ઉપકરણો કે પ્રમાણભૂત પદ્ધતિ નથી.  આગાહીકારો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થશે. તેમણે હવામાનના વરતારા કરનારાને જેલના સળિયા પાછળ ધકેલવા માંગ કરી હતી.