અમદાવાદઃ વિજ્ઞાન જાથાથી કંટાળીને ગઈકાલે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી નહીં કરવાની જાહેરાત કરી હતી. અંબાલાલની જાહેરાત બાદ અનેક લોકો તેમના સમર્થનમાં આવ્યા હતા. ભાજપની ભગિની સંસ્થા પણ અંબાલાલના સમર્થનમાં આવી હતી અને કહ્યું કે, વિજ્ઞાન જાથાની દુકાન નથી ચાલતી એટલે આવી વાતો કરે છે.
ભાજપની કઈ છે આ ભગિની સંસ્થા
ભાજપની ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘ અંબાલાલના સમર્થનમાં આવી હતી અને તેમને આગાહી ચાલુ રાખવા વિનંતી કરી હતી. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલે કહ્યું, વિજ્ઞાન જાથા વાળા પોતાની દુકાન લઈને બેઠા છે, એની દુકાન ન ચાલતી ન હોય એટલે આવી વાતો કરે છે. અંબાલાલ કાકાને વિનંતી છે કે પ્રકૃતિના આધારે જે આગાહી કરતા હતા તે ચાલુ રાખે. કિસાન સંઘ તેમને સંપૂર્ણ સહયોગ આપશે.
આ ઉપરાંત કહ્યું કે, અંબાલાલ પટેલ જૂની પરંપરા અને પ્રકૃતિના ચિહ્નોના આધારે વર્ષોથી આગાહી કરતા આવ્યા છે. તેઓ કુદરતી જ્ઞાનના આધારે આગાહી કરે છે. તેમની આગાહીથી ખેડૂતો સાવચેત રહે છે અને ખેડૂતોને કોઈ પ્રકારનું આર્થિક કે અન્ય નુકસાન થતું નથી. તેમજ કિસાન સંઘે ચેતવણી આપતાં જણાવ્યું કે, જરૂર પડશે ત્યાં સંગઠન અંબાલાલ પટેલની સાથે ઉભું રહેશે.
અંબાલાલ પટેલે શું કહ્યું હતું
ગઈકાલે અંબાલાલ પટેલે આગાહી નહીં કરવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, વિજ્ઞાન જાથાના આક્ષેપોથી તેઓ ખૂબ દુઃખી થયા છે. તેમના મતે આ આક્ષેપો માત્ર તેમના પર નથી, પણ ભારતની જૂની વૈદિક જ્ઞાન પરંપરા પર પ્રહાર છે. હવે તેમની ઉંમર થઈ ગઈ છે અને તેઓ કોઈ પણ નકારાત્મક વિવાદ કે આક્ષેપબાજીમાં પડવા નથી માંગતા. તેઓ વર્ષોથી કોઈ વૈજ્ઞાનિક સાધનો વિના, પરંપરાગત જ્ઞાનના આધારે વરસાદના સાચા વરતારા આપતા આવ્યા છે અને તેમનો હેતુ હંમેશા લોકકલ્યાણનો રહ્યો છે.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, હાલના વિવાદાસ્પદ માહોલને જોતા તેમણે અત્યારે પૂરતી આગાહીઓ બંધ રાખવાનો મક્કમ નિર્ણય કર્યો છે. જો ભવિષ્યમાં પરિસ્થિતિ સારી થશે અને લોકોનો વિશ્વાસ તથા સાથ-સહકાર મળશે, તો જ તેઓ ફરીથી આગાહીઓ શરૂ કરવા વિશે વિચારશે. ત્યાં સુધી તેઓ કોઈ નવી આગાહી કરશે નહીં.
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અંબાલાલને શું કરી વિનંતી
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અંબાલાલ પટેલને વિનંતી કરતાં કહ્યું, લોકો તેમની આગાહીઓ પર વિશ્વાસ રાખે છે અને ખાસ કરીને ખેડૂતો સહિત અનેક લોકો તેમના અનુમાનની રાહ જોતા હોય છે. છેલ્લા ત્રણ દાયકાથી અંબાલાલ પટેલને વ્યક્તિગત રીતે ઓળખુંછું અને તેમની વર્ષોથી કરવામાં આવતી હવામાન આગાહીઓથી પરિચિત છે. નીતિન પટેલે કહ્યું કે દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે અને અંબાલાલ પટેલે પણ વર્ષોથી લોકોના હિતમાં હવામાન અંગે આગાહીઓ કરી છે.
વિજ્ઞાન જાથાએ શું કહ્યું
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આગાહીકારો સામે બાંયો ચઢાવી હતી. તેમણે કહ્યું, વર્તમાન સમયના વરતારા બોગસ છે. આ વરતારાના કારણે ખેડૂતો ખોટા નિર્ણયો લેતા હોવાથી તેમના બિયારણ અને પાકને નુકસાન થઈ રહ્યું છે. આગાહીકારો પાસે કોઈપણ પ્રકારના વૈજ્ઞાનિક ઉપકરણો કે પ્રમાણભૂત પદ્ધતિ નથી. આગાહીકારો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થશે. તેમણે હવામાનના વરતારા કરનારાને જેલના સળિયા પાછળ ધકેલવા માંગ કરી હતી.