Tue Jul 14 2026

Logo

"હું છ મહિનાથી રીલ બનાવું છું, ભક્તિ પણ...." સ્કોર્પિયોમાં સ્ટંટ કરનાર રાજકોટના દાદીએ રીલ વિષે શું કહ્યું?

2026-07-14 14:03:00
Author: Devayat Khatana
Article Image

રાજકોટ: સોશિયલ મીડિયામાં અવનવા સ્ટંટ કરતા વીડિયો, કન્ટેન્ટ અને ફોટો શેર કરીને પ્રસિદ્ધિ મેળવવાની વાતનું યુવાનોમાં ઘેલું લાગ્યું છે.   પણ હમણાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દાદી કોઈ ભક્તિ કે અનુભવની વાત નહી પણ કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા જગાવી હતી ત્યારે હવે આ સમગ્ર મામલે દાદીએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે, તે પણ ચર્ચાના કેન્દ્રમાં છે.

રાજકોટના મંજુલાબેન નામના દાદી હાલ ખૂબ જ ચર્ચામાં છે અને તેનું કારણ છે કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં સ્ટંટ કરતા હોય તેવો વિડીયો. આ મુદ્દે ખૂબ જ જાગેલી ચર્ચા બાદ મીડિયાના પ્રતિનિધિઓ દાદીને મળવા પહોંચ્યા હતા અને  આ દરમિયાન તેમણે મીડિયા સમક્ષ જે વાત કરી હાલ તેની પણ ચર્ચા ચાલી રહી છે. 

મીડિયાકર્મીએ જ્યારે તેમને પ્રશ્ન કર્યો હતો કે અત્યારે આ ઉંમરે તમે એક ધંધો પણ કરી રહ્યા છો અને હવે રીલ્સમાં પણ તમે વાયરલ થયા છો. તો ઘણા જુવાનીયા પણ મહેનત કરતા હોય પણ વાયરલ નથી થતા. તેના જવાબમાં દાદીએ જણાવ્યું હતું કે, હું ભક્તિ પણ કરું છું અને રીલ પણ બનાવું છું અને મહેનત પણ કરું છું. બધું કામ કરું છું. મારા માટે ભક્તિ પહેલા, અને રીલ પછી. 
 

 

 

હવે જે મુદ્દે આખી ચર્ચા જાગી છે તે સ્કૉર્પિયો કારના ખુલ્લા દરવાજા સાથે વાયરલ થયેલો વિડીયો. તે અંગે વાત કરતાં મંજુલાબેને જણાવ્યું હતું કે સ્કોર્પિયોનો દરવાજો ખુલ્લો રાખીને ઊભા રહેવાનું કારણ તેના પગ છે. હું પગેથી વિકલાંગ હોવાથી બેસી શકતી નથી આથી મે થોડા દરવાજો ખુલ્લો રહીને વિડિયો બનાવ્યો હતો. જો કે તેમણે આ વાતને તેની ભૂલ ગણાવી હતી.


આગળ તેમણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 6 મહિનાથી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવી રહ્યા છે અને હાલ તેના આશરે ચાર હજાર કરતાં પણ વધુ ફોલોવર્સ છે. તેમણે કહ્યું હતું કે આજે લોકો મને જોઈને જ ઓળખી જાય છે આ રીલવાળા બા છે. હાલ તેમનો આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.