બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અને સાંસદ શત્રુઘ્ન સિંહા હાલમાં સોશિયલ મીડિયા પર તેમના એક વીડિયોને લઈને ભારે વિવાદમાં ઘેરાઈ ગયા છે. અભિનેત્રી આકાંક્ષા રંજન કપૂર અને ફિલ્મમેકર શરણ શર્માના વેડિંગ રિસેપ્શન દરમિયાનનો તેમનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક ફેન સાથે કરેલા વર્તનને કારણે લોકોના રોષનો ભોગ બન્યા છે. ચાલો જોઈએ શું છે આ વાઈરલ વીડિયોમાં...
વાત જાણે એમ છે કે હાલમાં જ યોજાયેલા આકાંક્ષા અને શરણના રિસેપ્શનમાં શત્રુઘ્ન સિંહા પોતાની પત્ની પૂનમ અને પુત્રી સોનાક્ષી સિંહા સાથે પહોંચ્યા હતા. એ સમયે એક ફેન તેમની સાથે ફોટો પડાવવા માટે આવ્યો હતો. ફોટો પડાવતી વખતે તે ફેન્સ ઉત્સાહમાં આવીને પોતાની આંગળીઓથી 'વિક્ટરી' (V) સાઈન બનાવી હતી. આ જોઈને શત્રુઘ્ન સિંહા કંઈક અંશે ચીડાઈ ગયા હોય તેવું લાગ્યું. તેમણે તરત જ ગુસ્સામાં તે ફેનના હાથ પર જોરથી માર્યું અને કહ્યું કે હાથ નીચે રાખ. અભિનેતાના આ અચાનક પ્રતિક્રિયાથી ફેન ચોંકી ગયો હતો અને તરત જ ત્યાંથી દૂર થઈ ગયો હતો.
આ વીડિયો વાયરલ થતાં જ નેટીઝન્સે શત્રુઘ્ન સિંહાના વર્તનની આકરી ટીકા કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું, "તેઓ તેને શાંતિથી પણ હાથ નીચે રાખવા માટે કહી શક્યા હોત, આ રીતે મારવાની શું જરૂર હતી?" અન્ય એક યુઝરે લખ્યું, "આટલો ઘમંડ શોભતો નથી. તેઓ ભગવાન નથી, સામાન્ય માણસ છે." એક યુઝરે તો ત્યાં સુધી કહી દીધું કે આ વર્તન અત્યંત નિરાશાજનક અને અપમાનજનક છે.
અત્રે ઉલ્લેખનીય છે છે કે આ વીડિયો આકાંક્ષા રંજન કપૂર અને શરણ શર્માના રિસેપ્શનનો છે. આ જોડીએ લગભગ ચાર વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 11મી જુલાઈના રોજ એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ મુંબઈની જેડબ્લ્યુ મેરિયટ હોટલમાં ભવ્ય રિસેપ્શન રાખ્યું હતું, જેમાં આલિયા ભટ્ટ, જેકી શ્રોફ, રણદીપ હુડ્ડા, બોબી દેઓલ સહિતના અનેક સેલેબ્રિટીઓ હાજર રહ્યા હતા.
જોકે, આ પાર્ટીમાં આનંદના માહોલ વચ્ચે શત્રુઘ્ન સિંહાનો આ વીડિયો હવે ચર્ચાનો વિષય બની ગયો છે અને ફેન્સ અભિનેતાના આ રુક્ષ વર્તનથી નારાજ જોવા મળી રહ્યા છે.