અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદ પડવાનો હોય કે ઠંડી કે ગરમીના એંધાણ હોય, આ દરમિયાન જો કોઈ નામ ચર્ચામાં હોય તો તે છે અંબાલાલ પટેલ. ગામડાથી લઈને છેક મહાનગર સુધી અંબાલાલ પટેલની આગાહીની ચર્ચા થતી હોય છે, પણ હવે અંબાલાલ પટેલે એક એવી જાહેરાત કરી છે કે, જેનાથી લોકો ચોંકી ઉઠયા છે, કારણ કે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવેથી હવામાન અંગે કોઇ પણ પ્રકારની આગાહી નહીં કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન અંગે આગાહી નહીં કરવાનો નિર્ણય લીધો છે. વર્ષોથી પોતાની આગાહીઓ માટે જાણીતા અંબાલાલ અંબાલાલ પટેલે કહ્યું, હવે તેઓ હવામાન અંગે કોઈ આગાહી નહીં કરે. તેના આ નિર્ણય પાછળનું કારણ જણાવતા તેમણે જણાવ્યું હતું કે વિજ્ઞાન જાથા દ્વારા વારંવાર તેમની આગાહીઓને લઈને વિવાદ ઊભા કરવામાં આવે છે.
દરેક આગાહી બાદ બિનજરૂરી ચર્ચાઓ અને ટીકાઓ થતી હોવાથી હવે તેઓ આ પ્રકારના વિવાદોમાં પડવા માંગતા નથી. આ ઉપરાંત, અંબાલાલ પટેલે જણાવ્યું કે તેમની ઉંમર થઈ ગઈ છે અને હવે તેઓ કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવા ઇચ્છતા નથી, તેથી હવામાન અંગે જાહેર આગાહીઓ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે.
જો કે હવે અંબાલાલ પટેલના આ નિર્ણય બાદ ખેડૂતોથી અને લોકો અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલના સમર્થનમાં તેમની વાત કરતાં જણાવ્યું હતું કે ભારતમાં હવામાનની આગાહી બે રીતે કરવામાં આવે છે.
એક મીડિયોલોજી એટલે કે સેટેલાઈટ તેમજ જુદા જુદા મોડલના આધારે આગાહી કરવામાં આવે છે. તે ઉપરાંત આગાહી કરવાની બીજી પરંપરા પર રહી છે, જેમાં ભડલી વાક્ય, ગ્રહોની સ્થિતિ અને નક્ષત્રના આધારે આગાહી કરવામાં આવે છે. તે જ આપણી સૌથી જૂની આગાહી કરવાની પરંપરા રહી છે અને તે સૌથી સચોટ માનવામાં આવે છે. આ સૌથી જૂની અને સૌથી સચોટ આની અંદર આપણે ક્યાંકને ક્યાંક આપણી સમસ્યાના સમાધાન મળતા હોય છે.
તેમણે આગળ જણાવ્યું હતું કે, ત્યારે વરસાદની જે આગાહી થાય છે એમાં પણ આપણું જે સાહિત્ય છે, આપણી જે સંસ્કૃતિ છે, વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની અંદર એ તાકાત છે કે દુનિયાને વિજ્ઞાન શું છે એ ખબર નહોતી ને તે સમયથી આપણા ગ્રંથોની અંદર વરસાદનું પણ વર્ણન કરવામાં આવ્યું છે અને આના આધારે સચોટ આગાહી થતી હોય છે અને એમાં પણ આપણા જો ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર જ્યારે વરસાદની આગાહીની જો વાત કરો તો એમાં સૌથી પહેલું એક નામ સામે આવે છે એ છે અંબાલાલ પટેલ જે ખૂબ મોટી ઉંમરના છે તે નિવૃત અધિકારી છે.
.
પોતાને કોઈ જ પ્રકારનો વ્યક્તિગત સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવે આ રાજ્યની અને આ રાજ્યના ખેડૂતોની સેવા વર્ષો સુધી એમણે કરી છે અને એમની સેવાથી ગુજરાત રાજ્યના ખેડૂતોને અને ગુજરાત રાજ્યને ઘણા બધા ફાયદા થયા છે પણ હવે આજકાલ વિજ્ઞાન જાથા છે એ સસ્તી પ્રસિદ્ધિ માટે થઈને અંબાલાલ કાકાનો અને એની આગાહીનો વિરોધ કરી રહ્યા છે. અંબાલાલ પટેલ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય અને તે બધા માણસ છે જ્યારે પણ આગાહી કરીએ એટલે લગભગ 90થી 92 ટકા સુધી જો પરિણામ મળે તો એને સારું પરિણામ પણ કહેવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે અંબાલાલ પટેલની જાહેરાત સાંભળીને આજે ખૂબ દુઃખ થઈ રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સસ્તી પ્રસિદ્ધિ માટે થઈને માનસિક ટોર્ચર કરે કે એને પ્રતાડિત કરી અને એને બળજબરીપૂર્વક એમને નિવૃત્તિ લેવા તરફ પ્રેરવા તે ખોટું છે અને આ બાબતે વિજ્ઞાન જાથાનો વિરોધ કર્યો હતો.