આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ કામ કરવાની પદ્ધતિને સંપૂર્ણપણે બદલી નાખી છે. ચેટજીપીટી (ChatGPT), કો-પાયલટ (Copilot) અને અન્ય એઆઈ ટૂલ્સ કંપનીઓની ઉત્પાદકતા (પ્રોડક્ટિવિટી) વધારી રહ્યા છે, પરંતુ માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાનું માનવું છે કે તેની સાથે એક એવું જોખમ પણ જોડાયેલું છે, જેના પર હજી સુધી પૂરતી ચર્ચા થઈ નથી. તેમનું કહેવું છે કે એઆઈનો ઉપયોગ કરનારા લોકો અને કંપનીઓ એઆઈ કંપનીઓને માત્ર પૈસા જ નથી આપી રહ્યા, પરંતુ પોતાનું સૌથી કીમતી જ્ઞાન પણ આપી રહ્યા છે. આ જ સમસ્યાને તેમણે "રિવર્સ ઇન્ફોર્મેશન પેરાડોક્સ" (Reverse Information Paradox) નામ આપ્યું છે.
શું છે રિવર્સ ઇન્ફોર્મેશન પેરાડોક્સ?
નડેલાના જણાવ્યા અનુસાર, આજના સમયમાં કંપનીઓ એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને અજાણતામાં જ પોતાની સૌથી મોટી તાકાત એટલે કે પોતાનું 'સંસ્થાકીય જ્ઞાન' (ઇન્સ્ટિટ્યુશનલ નોલેજ) એઆઈ લેબ્સને સોંપી રહી છે.
સત્ય નડેલાએ જણાવ્યું કે સમયની સાથે આ અસંતુલન વધતું જાય છે. AI કંપની પોતાના ગ્રાહકો વિશે સતત વધુ માહિતી એકત્ર કરતી રહે છે, જ્યારે ગ્રાહકને એ ખબર જ નથી પડતી કે AI કંપની તેની માહિતીમાંથી શું શીખી રહી છે. આ જ પરિસ્થિતિને તેમણે 'રિવર્સ ઇન્ફોર્મેશન પેરાડોક્સ' કહી છે.
AI ના ઉપયોગ માટે લોકો બે વાર કિંમત ચૂકવે છે
નડેલાના જણાવ્યા અનુસાર, એઆઈ યુઝર્સ વાસ્તવમાં બે રીતે કિંમત ચૂકવે છે. પહેલી વાર પૈસા આપીને અને બીજી વાર પોતાની સંસ્થાકીય અથવા ગોપનીય માહિતી શેર કરીને. તેમણે કહ્યું કે એઆઈ કંપનીઓ યુઝર્સના પ્રોમ્પ્ટ્સ, ડેટા અને ફીડબેકમાંથી સતત શીખતી રહે છે. બીજી તરફ, તેઓ પોતાના એઆઈ મોડલની નકલને મર્યાદિત રાખે છે. નડેલાએ આ બાબતને એક વિડંબના ગણાવી છે.
આ સમસ્યાનું સમાધાન શું છે?
નડેલાના મતે, કંપનીઓએ પોતાના ડેટા અને એઆઈ સંબંધિત શિક્ષણ (લર્નિંગ્સ) માટે એક મજબૂત 'ટ્રસ્ટ બાઉન્ડ્રી' બનાવવી પડશે. આ સરહદની અંદર સંસ્થાનો ડેટા, એઆઈ મોડલનું મૂલ્યાંકન, મેમરી, એડોપ્ટેડ વેઇટ્સ (Adapted Weights) અને એઆઈ સાથે થયેલી વાતચીતમાંથી ઉદ્ભવતી માહિતી સુરક્ષિત રહેવી જોઈએ. તેમના મતે, કોઈપણ પ્રકારનું એઆઈ દ્વારા સંચાલિત શિક્ષણ, સંસ્થાની પરવાનગી વગર બહાર જવું જોઈએ નહીં.