Tue Jul 14 2026

Logo

મુન્દ્રામાં ફર્યું બુલડોઝર, રૂ. ૧.૦૫ કરોડની કિંમતી જમીન પરથી દબાણો સાફ

2026-07-14 13:59:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ પશ્ચિમ કચ્છમાં સરકારી જમીનો પરથી ગેરકાયદેસર કબ્જા હટાવવાની ચાલી રહેલી કડક ઝુંબેશના ભાગરૂપે મુન્દ્રા-બારોઈ નગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને વધુ રૂપિયા એક કરોડથી પણ વધુની કિંમતી જમીનો ખુલ્લી કરાવવામાં આવી છે. શહેરમાં કોઈ પણ જાતની મંજૂરી વિના ગેરકાયદેસર બાંધકામો ખડકીને સ્થાનિક સ્તરે અસામાજિક કે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરનારા તત્ત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે.

આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર વૈભવ વ્યાસના જણાવ્યા મુજબ, કચ્છ કલેક્ટર અને મુંદરા પ્રાંત અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આ બંદરીય પંથકના જુદા-જુદા વિસ્તારોમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ સુખપરવાસમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મોટો વંડો વાળીને કબ્જો જમાવનાર હુસેન રમજાન સમેજાના દબાણ પર બુલડોઝર ફેરવાયું હતું. અહીં અંદાજે રૂ ૫૧ લાખની જંત્રી કિંમત ધરાવતી ૮૫૦ ચોરસ મીટર સરકારી જમીન મુક્ત કરાવાઈ હતી.

અન્ય એક કાર્યવાહીમાં સરકારી જમીન પર બિનઅધિકૃત રીતે મકાન બનાવી લેનાર ઇસ્માઈલ યુસુફ શેખનું ૧૦૦ ચોરસ મીટર જમીન પરનું અંદાજે રૂ.૬ લાખની કિંમતનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત અંબિકાનગર વિસ્તારમાં આવેલા સરકારી સાર્વજનિક પ્લોટની અંદાજે રૂ ૪૮.૧૮ લાખની જંત્રી મૂલ્ય ધરાવતી ૨,૦૯૫ ચોરસ મીટર જમીન પર રામ વિરમ ગઢવી નામના શખ્સે કરેલું મોટું દબાણ સંપૂર્ણપણે હટાવીને જમીન જપ્ત કરાઈ હતી.

આ મેગા ઓપરેશનને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે મુંદરા સિટી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો, જ્યારે પીજીવીસીએલની ટીમ દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણો કાપવામાં સહયોગ અપાયો હતો. મામલતદાર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવી હતી. નગરપાલિકાની આ આકરી કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 

(ઉત્સવ વૈદ્ય)