અંબાજી: અયોધ્યામાં રામ મંદિરમાં થયેલી દાન ચોરીના વિવાદ બાદ બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ ચોરીના અહેવાલ પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે હવે અંબાજી મંદિરમાં દાનચોરીની ઘટનાના એક મહિના બાદ મંદિરના વહીવટી પ્રશાસને દાનની ગણતરી માટે કડક SOP લાગુ કરી છે. નવા નિયમો અનુસાર પારદર્શિતા વધારવા માટે લાઇવ જાહેર પ્રસારણ અને બહુવિધ સુરક્ષા તપાસનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો અનુસાર, મંદિરના વહીવટી પ્રશાસન દ્વારા આ નવા નિર્ણય લેવા પાછળનું કારણ એ બેક મહિના પૂર્વે મંદિરના કેશરૂમમાંથી એક આઉટસોર્સ કર્મચારી દ્વારા 1 લાખ રૂપિયાની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેવો જૂનો સીસીટીવી ફૂટેજ ઓનલાઈન વાયરલ થયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કે જેમના શિરે મંદિરના વહીવટ અને વ્યવસ્થાપનની જવાબદારી છે તેમણે આ નવા નિયમોને પારદર્શિતા તરફનું પગલું ગણાવ્યું છે.
મંદિરમાં દાનચોરીની ઘટના પ્રકાશમાં આવી ત્યાર બાદ ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા. જોકે, હવે દાન ગણતરી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે એક નવી SOP જાહેર કરવામાં આવી છે. આ નવી SOP અંતર્ગત આખી દાન ગણતરી પ્રક્રિયા પર 20થી વધુ CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે અને ફૂટેજને છ મહિના સુધી સાચવવામાં આવશે.
આ ઉપરાંત દાન ગણતરી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓની ગણતરી કરવા માટે પ્રવેશ આપતા પહેલા પોલીસની હાજરીમાં મેટલ ડિટેક્ટરથી તપાસ કરવામાં આવશે. તેમને આ કામગીરી દરમિયાન મોટા ખિસ્સાવાળા કપડાં પહેરવાની પણ મંજૂરી આપવામાં આવશે નહીં. વળી જ્યારે ગણતરીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે ત્યારે પણ બધા કર્મચારીઓ પરિસરમાંથી બહાર નીકળતા પહેલા પોલીસ દ્વારા ફરીથી તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.
આ સાથે જ દાન ગણતરીની પ્રક્રિયાની પારદર્શિતા વધે તે માટે સમગ્ર દાન-ગણતરી પ્રક્રિયાનું ચાચર ચોક ખાતે એક મોટી LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.