Tue Jul 14 2026

Logo

India-UK FTA 15 જુલાઇથી લાગુ, MSMEsને થશે ફાયદો; વિદેશમાં કામ કરનારાનું PF વ્યાજ સહિત ભારતમાં થશે જમા

2026-07-14 15:51:04
Author: Mumbai Samachar Team
Article Image

gemini AI generated image


નવી દિલ્હીઃ ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (FTA) 15 જુલાઈથી અમલમાં આવવા જઈ રહ્યો છે. ત્યારબાદ ભારતથી બ્રિટન મોકલવામાં આવતી તમામ નિકાસ પર કોઈ ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) લાદવામાં આવશે નહીં. સરકારે જણાવ્યું કે આ ઐતિહાસિક કરારથી ભારતના 99% ઉત્પાદનોને બ્રિટનના બજારમાં ડ્યુટી ફ્રી (જકાત મુક્ત) પ્રવેશ મળી શકશે.

ભારત અને બ્રિટન વચ્ચે થયેલા આ કરારથી ખેડૂતો, MSMEs, સ્ટાર્ટઅપ્સ અને આયાતકારો માટે નવી તકો ઊભી થશે. એટલું જ નહીં, બ્રિટનમાં કામ કરી રહેલા ભારતીયોને 'ડબલ કોન્ટ્રિબ્યુશન કન્વેન્શન' (DCC) હેઠળ નેશનલ ઈન્સ્યોરન્સમાં પણ મુક્તિ મળશે.

ભારતના કયા સેક્ટર્સને ફાયદો થશે?

ભારત અને બ્રિટન વચ્ચે થયેલા આ ઐતિહાસિક કરાર બાદ દેશના 99 ટકા ઉત્પાદનોને ડ્યુટી ફ્રી (જકાત મુક્ત) બજાર મળી શકશે. જેમાં સૌથી વધુ ટેક્સટાઇલ અને ગારમેન્ટ, લેધર ઇન્ડસ્ટ્રી (ચર્મ ઉદ્યોગ), દરિયાઈ ઉત્પાદનો (સી-ફૂડ) અને પ્રોસેસ્ડ ફૂડ, એન્જિનિયરિંગ સામાન અને આઇટી સર્વિસિસ જેવા અનેક ક્ષેત્રોને મોટો ફાયદો થશે. આનાથી ભારતીય સામાનની આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચ સરળ બનશે, સાથે જ તેમની માંગ અને કિંમતમાં પણ વધારો થવાનો અંદાજ છે.

MSMEs ને મળશે મોટો લાભ

આ કરારથી ભારતના ટેક્સટાઇલ, લેધર, ફૂડ પ્રોસેસિંગ અને રત્ન-આભૂષણ (જ્વેલરી) જેવા મુખ્ય નાના અને મધ્યમ કદના ઉદ્યોગસાહસિકો સાથે જોડાયેલા ક્ષેત્રોને સીધો લાભ મળશે. ડ્યુટી ફ્રી થવાને કારણે ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને નિકાસ વધારવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે સારુ બજાર મળી શકશે. આનાથી સ્થાનિક ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા મજબૂત થશે અને તેની સાથે દેશના નિકાસકારોને પણ ફાયદો મળશે.

બ્રિટનમાં કામ કરતા ભારતીયોને PFનો લાભ

આ FTAમાં સૌથી ખાસ વાત એ છે કે આમાં 'ડબલ કોન્ટ્રિબ્યુશન કન્વેન્શન' (DCC) હેઠળ બ્રિટનમાં કામ કરી રહેલા ભારતીયોને નેશનલ ઈન્સ્યોરન્સમાં પણ મુક્તિ મળશે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મીડિયાને જણાવ્યું કે, પહેલા ભારતીય વ્યાવસાયિકો (પ્રોફેશનલ્સ)ના પગારનો આશરે 25 ટકા હિસ્સો બ્રિટન સરકારની સામાજિક સુરક્ષા યોજના (National Insurance) માં જતો રહેતો હતો. હવે આ રકમ ભારતમાં તેમના PF ખાતામાં જમા કરવામાં આવશે, સાથે જ તે રકમ પર વાર્ષિક 8.25 ટકા વ્યાજ પણ આપવામાં આવશે.