Tue Jul 14 2026

Logo

હું, સોનલ ઝવેરી-  પ્રકરણ- 7

2026-07-14 15:11:00
Author: Mavji Maheshwari
Article Image

માવજી મહેશ્વરી

સનત ખોવાયેલી દશામાં બેઠેલી સોનલના હોઠ સામે તાકી રહ્યો હતો. એક સુંદર છોકરી પોતાની જિંદગીનાં અંગત પૃષ્ઠ ખોલવાં બેઠી હતી. એક યુવાન છોકરાના કાન ઉત્સુક થઈ ગયા હતા.  

‘સનત તમારો આભાર માનું એટલો ઓછો. આજે મને આશરો આપ્યો એમ કહું તો પણ ખોટું નથી. મેં તમને થોડીવાર પહેલા સપનાં ન જોવાનું કહ્યું એ તમને નહીં ગમ્યું હોય. કોઈ જુદા સંજોગ હોત તો કદાચ મને પણ તમારી સાથે રોમેન્ટીક વાતો કરવાનું ગમ્યું હોત. પણ મારી સ્થિતિ એ વૃક્ષ જેવી છે, જે ધસમસતી નદીના વહેણને અડીને ઊભું છે. કોઈ પણ ઘડીએ એ તણાઈ જશે. હું તમને કોઈ દુ:ખ આપવા માગતી નથી.’

સોનલના હોઠ ધ્રુજી રહ્યા. સનતે અચાનક એનો હાથ પકડી લીધો. સોનલની આંખોમાં જોતાં બોલ્યો, ‘સોનલ હું ખોટું નહીં બોલું. તું કોઈને પણ ગમી જાય એવી છો. અને હું તો આમેય કુંવારો છું. બોલ હું તારા માટે શું કરી શકું?’ 

સોનલ આસ્તેથી પોતાનો હાથ છોડાવતાં જરા હસીને બોલી, ‘તમને પુરુષોને દુ:ખી સ્ત્રી જોઈ તરત શુરાતન કેમ ચડી જતું હોય છે? સનત આપણે આજે સાથે છીએ તે કેવળ એક અકસ્માત છે. ઈમોશનલ થઈ જવાની જરૂર નથી. તમારે એક થર્ડ પર્સન તરીકે માત્ર સાંભળવાનું છે. હું તમને મારી વાત એટલે જ કહું છું કે તમે જોખમ લઈને મને સાચવી છે.’

સનતને સોનલની બરછટતા ગમી નહીં, છતાં તે હસીને બોલ્યો, ‘ઓકે મેમ, ટેલ મી વોટ્સ પ્રોબ્લેમ ઈન યોર લાઈફ?’ 
‘સનત બહુ લાંબી કહાની છે. એમ સમજો કે, મારા જન્મથીય પહેલા શરૂ થઈ ગઈ છે. કારણ કે, હું એક કુંવારી માનું સંતાન છું.’
‘વોટ્?’ 

‘ચોંકો નહીં. આ તો હજી શરૂઆત છે. મારી માએ એક પુરુષને પ્રેમ કર્યો, એને પોતાનું અબોટ શરીર ધરી દીધું તેનું હું પરિણામ છું. જોકે એ પુરુષે મારી માને પત્નીનો દરજ્જો આપ્યો. તેમ છતાં એ પુરુષ હતો, વળી અપાર દોલતનો માલિક. એને એક સ્ત્રીથી સંતોષ થાય તેમ નહોતું. એ પુરુષ એટલે મારો બાપ. મને એક દીકરી તરીકે તેણે ચાહી છે, છતાં મારા બાપની કમજોરીએ મને ક્યાંયની રાખી નથી.’

‘એમ ગોળ ગોળ નહીં. સીધું અને સમજાય એવું બોલો. તમે અત્યારે ક્યાં રહો છો? તમારા મધર ક્યાંનાં હતાં? શું થયું એ બધું વિગતવાર કહો. હું ભાષાનો માણસ નથી.’ 

‘વાતો શાયર જેવી કરો છો ને પાછા કહો છો કે હું ભાષાનો માણસ નથી. ઓકે. આમ તો અમે મુંબઈમાં રહીએ છીએ. મારા પપ્પા અને એ લોકો મૂળ પાલનપુરના છે. મુંબઈમાં મારા પપ્પા મોહનલાલ ઝવેરી હીરાના મોટા વેપારી છે. મારા પપ્પાના દાદા મણિરામ ઝવેરીની રાજસ્થાનમાં મારબલની ખાણો પણ હતી. બે ખાણ હજુય છે. એ કારોબાર મારો એક ભાઈ સંભાળે છે. 

ભાઈ એટલે મારા પપ્પાની આગલી પત્નીથી થયેલો છોકરો. મને એવા બે ભાઈ છે. અમે બધા, મારા પપ્પા, મારા બેય ભાઈઓ, એમની પત્નીઓ, બેય ભાઈઓના ચાર છોકરાં અને જેને મારે મા કહેવું પડે છે એવી મારા પપ્પાની ત્રીજી પત્ની. એમ અગિયાર જણ સાથે રહીએ છીએ. મારા દાદા એક વર્ષ પહેલા ગુજરી ગયા. સામાન્ય રીતે હીરાના વેપારીઓના ઘરમાં ન હોય તેવી નાલાયકીઓ અમારા ઘરમાં છે.’ 

‘તો તમારા મમ્મી? તમે કહ્યું કે, તમારા પપ્પાની ત્રીજી પત્ની તો...’

સોનલની આંખોમાં એક છાની ઉદાસી છવાઈ ગઈ હતી. તેણે નિસાસો નાખીને કહ્યું. ‘મને મારી જ નવાઈ લાગે છે. મને શા માટે પુરુષજાત પરથી ભરોસો ઊઠી જતો નથી? શા માટે મને નફરત જાગતી નથી. આજે એક પુરુષને કારણે હું છતા મા-બાપે અનાથ જેવી દશામાં છું. મા વગરની છું. મારો બાપ આખો સોનાનો છે, પણ એનું હૃદય પીતળનું છે. રૂપાળી સ્ત્રીની ઘેલછા એમની નબળાઈ છે. 

મારા બાપને કિસ્મતે અપાર દોલત આપી છે. એ દોલત એમણે સ્ત્રીઓને ભોગવવા માટે પણ વાપરી છે. મારા બેય ભાઈઓ પણ ઐયાશી છે. એમની પત્નીઓને ધણીઓ કરતા એમની મિલકતમાં વધારે રસ છે. જો કે મારા બાપે જે કર્યું એવું દીકરા નહીં કરે એવી એ બેય મીંઢી સ્ત્રીઓને ખબર છે એટલે ચલાવી લે છે. મારી માને યાદ કરું છું તો એમ થાય છે કે, એના જેવી સ્ત્રી કઈ રીતે એક કામાંધ પુરુષની પ્રેમજાળમાં ફસાઈ ગઈ હશે? જેણે આખરે જીવ ગુમાવ્યો.’

‘એટલે તમારા મમ્મીએ સુસાઈડ કરેલું? શું નામ હતું એમનું?’ 
‘ગંગા. મારી માનું નામ ગંગા હતું. જેવું એનું નામ હતું એવી જ તે પવિત્ર અને ઉદાર હતી. મને ખબર નથી કે, મારી માએ આપઘાત કર્યો હતો કે એને મારી નખવામાં આવી હતી. પૈસાદાર પરિવારોની આવી બાબતો બહાર આવતી હોતી નથી. હું ત્યારે છઠ્ઠું ભણતી હતી અને એ સમયે સ્કૂલમાં હતી. એક કાર સ્કૂલમાં આવી. મને નવાઈ લાગી. કારણ કે ખાસ કારણ વગર મને કોઈ તેડવા ન આવે. ડ્રાઈવર લાગણીશીલ માણસ હતો. 

તેણે મારી ઉમર જોઈ મને આઘાત ન લાગે એ રીતે સમજાવેલું. મને મારી મરેલી માનું મોં પણ કોઈએ બતાવ્યું નહીં. મને આશ્ર્ચર્ય એ વાતનું છે કે, મારી માના મરણ પછીની વિધિઓમાં મારા મોસાળના લોકોને સામેલ કરવામાં આવ્યા નહીં. એટલું જ નહીં એમને જાણ પણ કરવામાં ન આવી. મારા પપ્પા એ દિવસોમાં ખૂબ ટેન્શનમાં રહેતા હોય તેવું મને લાગ્યું હતું. માના મૃત્યુ પછી ચારેક વાર પોલીસ અમારા ઘેર આવી હતી. આજે સમજાય છે કે, પૈસાથી કંઈ પણ ખરીદી શકાય છે, ખરીદનારમાં હિંમત હોવી જોઈએ. મારા માટે મારી માનું મૃત્યુ આજે પણ એક રહસ્ય છે.’

સોનલે ઘડીભર આંખો મીંચી અને ઊંડા શ્વાસ લઈને બોલી, ‘તે વખતે એક નવી બાબત બની. આ પહેલા કદી બની નહોતી. કોઈ કારણસર મારા દાદા મને વળગીને ખૂબ રડ્યા હતા. મને વડીલ એટલે શું એ તે દિવસે સમજાયેલું. એમની હૂંફને કારણે જ હું જિંદગીનો કારમો ઘા સહન કરી ગઈ. માના મૃત્યુ પછી દાદાનું મારી તરફ વર્તન બદલાઈ ગયું હતું. 

એ મારી સાથે વાતો કરતા. મારી નાની નાની બાબતોનો ખ્યાલ રાખતા. છેક સુધી મારા દાદા મારા દોસ્ત બનીને રહ્યા. હું આજે એમને મીસ કરું છું. એમણે ભલે મારી માને સ્વીકારી નહોતી. મારી મા સાથે કદી સારી રીતે વર્ત્યા નહોતા. છતાં એ માણસ મરતા મરતા મારા જીવવાના રસ્તા ખુલ્લા કરતા ગયા છે. આજે હું દાદાને સેલ્યુટ કરું છું.’ 

‘તમારા દાદાએ શા માટે તમારા મમ્મીને સ્વીકાર્યા નહોતા?’ 
‘ક્યારેક મને આપણા દેશની સોચ પર, પ્રણાલીઓ પર ચીડ ચડે છે. જસ્ટ વિચારો કે તમે તમને ગમતી છોકરી સાથે લગ્ન કરો તો તમારા મા-બાપ ગમે તેટલાં સારાં હોય તે છતાં એ છોકરીની જાતિ પૂછવાના જ. મારી મમ્મી પછાત ગણાતી જાતિમાં જન્મી હતી. મારા પપ્પાએ મારી માને ઘરમાં બેસાડી, મુંબઈ લઈ આવ્યા એ દાદાને પસંદ પડ્યું નહોતું. જોકે મારી મા ઝાઝું ભણેલી નહોતી અને એક સામાન્ય ગરીબ ઘરની છોકરી હતી.’ 

‘ઓકે. સમજ્યો. પણ તમારા પપ્પા અને તમારા મમ્મી પરિચયમાં કેવી રીતે આવ્યા?’ 
‘તમને કહ્યું ને રાજસ્થાનમાં અમારી ખાણો છે. મારા પપ્પા એ માટે અવાર-નવાર રાજસ્થાન જતા. મારી માના બાપ એટલે કે મારા નાના ત્યાં ખાણો પર ક્લાર્ક જેવી નોકરી કરતા હતા. કોઈ કારણસર મારા પપ્પાનું ધ્યાન મારી મા પર પડ્યું. મારી મા ખૂબ જ રૂપાળી હતી અને વળી ત્યારે કુંવારી હતી. 

મારા પપ્પાની દાનત બગડી. એમણે મારા નાના સાથે સંપર્ક વધાર્યો. પોતાનો શેઠ, એક મોટો માણસ પોતાની સાથે ઘરોબો રાખે છે તે જોઈને મારા નાના હરખાતા. તમને કેમ સમજાવું કે મારો બાપ સ્ત્રીની બાબતમાં ઉડતા પંખી પાડનારો આદમી છે. તે એકાદ બે વાર નાનાને ઘેર ગયા. તેણે પોતાની વાકછટાથી મારી માને વશ કરી લીધી. એ ભોળી છોકરીનું દિલ પીગળ્યું. તે એના કરતા મોટી ઉમરના પુરુષ તરફ ખેંચાઈ ગઈ અને કોઈ ક્ષણે પોતાની કુંવારી કાયા પોતાના પ્રેમીને ધરી દીધી.’ 

‘પછી શું થયું?’ સનતને રસ પડવા માંડ્યો. 
‘ખરી ઉપાધી એ પછી થઈ. મારી નાની ચતુર સ્ત્રી હતી. તેને ખ્યાલ આવી ગયો કે, પોતાની દીકરીનો પગ કુંડાળામાં પડી ગયો છે. તેણે મારી માને ફોસલાવીને બધું પૂછી લીધું અને તેને જ્યારે ખબર પડી કે પોતાની દીકરીના પેટમાં પોતાના શેઠનું જ બીજ પાંગરી રહ્યું છે ત્યારે તેણે માથું કૂટી લીધું. કારણ કે આવી બાબતમાં અમીર માણસનું નામ લેવામાં પોતાને જ બદનામી મળે તેમ હતું. ગભરાયેલી નાનીએ મારા નાનાને વાત કરી. નાના પહેલા તો ક્રોધે ભરાયા. તેમણે મારી માને મારીય ખરી. 

બે ચાર દિવસ ઘરમાં મોતનું માતમ છવાયેલું રહ્યું. કોઈ રસ્તો સૂઝતો નહોતો. જોકે મારા નાનાએ દીકરીના પાપને પાડી દેવાનું મારી નાની પર દબાણ કર્યું. મારી નાની મને કમને તૈયાર થઈ. પણ મારી મા એકની બે ન થઈ. તેણે મારી નાનીને કહી દીધું કે વધુ દબાણ કરશો તો તે આપઘાત કરી લેશે. મારા નાનાએ એ દરમિયાન ઘણું વિચારી લીધું તેને લાગ્યું કે ગંગા જો ભૂલથીય આપઘાત કરશે તો ઉપાધી થશે. તો શા માટે આ મોકાનો લાભ ન લેવો? તેમણે એક દિવસ મારા પપ્પા સાથે ઝગડો કર્યો અને કહી દીધું મારી દીકરી સાથે લગ્ન કરો નહીંતર હું પોલીસમાં ફરિયાદ કરીશ.  

મારા ખેલાડી બાપને શંકા તો હતી જ કે આવું કંઈક થશે. તેમણે જરાય અચકાયા વગર ઠાવકાઈથી કહી દીધું, ‘ભલે હું તમારી દીકરી સાથે લગ્ન કરવા તૈયાર છું’  (ક્રમશ:)