અમદાવાદઃ ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણી આડે દોઢ વર્ષથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો હોવાથી રાજકીય પક્ષો અત્યારથી જ સક્રિય થઈ ગયા છે. ગુજરાત યુથ કૉંગ્રેસે 30 જિલ્લાધ્યક્ષો સહિત 56 પદાધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
મળતી વિગત પ્રમાણે, ગુજરાત યુથ કૉંગ્રેસને ફરી બેઠી કરવા અને સંગઠનમાં નવો જીવ પૂરવા માટે પ્રભારી નિખિલ દ્વિવેદીએ મોટું પગલું ભર્યું છે. તેમણે રાજ્યના 30 જિલ્લા પ્રમુખો અને 26 પ્રદેશ હોદ્દેદારોને કારણ બતાવો નોટિસ ફટકારીને તેમની કામગીરીનો તાત્કાલિક ખુલાસો માંગ્યો છે. યુથ કૉંગ્રેસના પ્રભારીએ સ્પષ્ટ ચેતવણી આપી કે હવે સંગઠનમાં આળસ કે નિષ્ક્રિયતા નહીં ચલાવી લેવાય. માત્ર નામનો હોદ્દો લઈને બેસી રહેવાને બદલે નેતાઓએ લોકોના પ્રશ્નો માટે રસ્તા પર ઉતરીને લડવું પડશે.
જો નોટિસનો જવાબ સમયસર અને સંતોષકારક નહીં મળે, તો કામ ચોરી કરતા પદાધિકારીઓ સામે શિસ્તભંગના કડક પગલાં ભરીને તેમને હોદ્દા પરથી હટાવી દેવામાં આવશે. આ આકરા વલણ પાછળનો હેતુ સંગઠનને મજબૂત કરવાનો છે. જે નેતાઓ જમીની સ્તર પર મહેનત કરશે અને લોકોના મુદ્દા ઉઠાવશે, તેમને જ આગળ જતાં મોટી જવાબદારી અને તક આપવામાં આવશે.
ગુજરાત યુથ કૉંગ્રેસે લાંબા સમયથી શાંત બેઠેલા નેતાઓને ઘેર ભેગા કરીને, ઉત્સાહી અને નવા ચહેરાઓને આગળ લાવવાની તૈયારીઓ તેજ કરી છે.