Tue Jul 14 2026

Logo

બફારાથી ત્રાહિમામ! રાજ્યમાં વરસાદના હળવા ઝાપટાં વચ્ચે વધશે અસહ્ય ઉકળાટ!

2026-07-14 08:38:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટનો અનુભવ થશે. છૂટાછવાયા ઝાપટાંની વચ્ચે રાજયના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના એક પણ તાલુકામાં વરસાદ પડ્યો નથી.

હવામાન ખાતા પ્રમાણે, 19 જુલાઈ સુધી રાજ્યના કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી. વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાન ખાતા મુજબ, આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે.

આવતીકાલે ઉપરોક્ત સ્થળો ઉપરાંત, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, પોરબંદર અને રાજકોટમાં પણ વરસાદ વિસ્તરી શકે છે.  16 થી 18 જુલાઈ દરમિયાન વધુ વિસ્તારોમાં વરસાદ વધવાની શક્યતા છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી અને જામનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.64 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.70 ટકા, સૌરાષ્ટ્રમાં 27.61 ટકા, પૂર્વ મધ્યમાં 17.31 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.09 ટકા અને કચ્છમાં 1.92 ટકા વરસાદ પડ્યો છે.