Sun Sep 13 2026

Logo

મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં મુંબઈ મોખરે, અમદાવાદ છઠ્ઠા ક્રમે, જાણો વિગત

2026-07-14 11:42:00
Author: Mayur Patel
મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં મુંબઈ મોખરે, અમદાવાદ છઠ્ઠા ક્રમે, જાણો વિગત

Ai Image


અમદાવાદઃ દેશના છ સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં મુંબઈ ટોચ  પર છે. જ્યારે અમદાવાદ છઠ્ઠા ક્રમે છે.  અમદાવાદે દેશના છઠ્ઠા સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું.  માર્ચ 2026માં અમદાવાદનું એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) વાર્ષિક ધોરણે અંદાજે 19 ટકા વધીને ₹ 202 લાખ કરોડ થઈ હતું, જે ગયા વર્ષે સમાન ગાળામાં ₹ 1.8 લાખ કરોડ હતું.

દેશના કુલ મ્યુચ્યુઅલ ફંડ AUMમાં અમદાવાદનો હિસ્સો 2.82 ટકા હતો, જે માર્ચ 2025ના 2.83 ટકાની સરખામણીએ લગભગ યથાવત હતો. બજારમાં સતત અસ્થિરતા હોવા છતાં અમદાવાદના રોકાણકારોની ભાગીદારી સ્થિર રહી હોવાનું દર્શાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024ની શરૂઆતમાં અમદાવાદ સરકીને સાતમાં સ્થાને પહોંચી ગયું હતું, પરંતુ ગયા વર્ષે તેણે ફરીથી છઠ્ઠું સ્થાન મેળવી લીધું હતું.

મુંબઈ ₹ 22.9 લાખ કરોડના AUM સાથે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડનું સૌથી મોટું માર્કેટ રહ્યું હતું. દેશના કુલ AUMમાં મુંબઈનો હિસ્સો 28.9 ટકા હતો. દિલ્હી ₹ 12.2 લાખ કરોડ સાથે બીજા ક્રમે હતું, ત્યારબાદ બેંગલુરુ, પુણે અને કોલકાતા હતા. ચેન્નાઈ ₹ 2.2 લાખ કરોડના AUM સાથે સાતમા સ્થાને સરકી ગયું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે,  અમદાવાદનું રેન્કિંગ કોઈ એક ચોક્કસ સેગમેન્ટમાં આવેલા ઉછાળાને કારણે નહીં, પરંતુ તેના રોકાણકારોના વ્યાપક આધારને પ્રતિબિંબિત કરે છે. આ એક ઓવરઓલ AUMનો આંકડો છે, જેમાં કોર્પોરેટ નાણાં, રિટેલ  અને હાઈ નેટ-વર્થ ઈન્વેસ્ટર્સનો સમાવેશ થાય છે. કોર્પોરેટ અને સ્ટાર્ટઅપની મોટી હાજરીને કારણે બેંગલુરુ અને પુણે પરંપરાગત રીતે આગળ રહ્યા છે. જ્યારે બીજી તરફ અમદાવાદે તમામ કેટેગરીના રોકાણકારોની સ્થિર ભાગીદારી દ્વારા પોતાનું સ્થાન મજબૂત રાખ્યું છે.

મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સે જણાવ્યું હતું કે આ વર્ષ દરમિયાન સુરતે પણ પોતાની સ્થિતિમાં સુધારો કર્યો છે, જ્યારે વડોદરાએ પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. અમદાવાદે એક વર્ષમાં રોકાણકારોની સંપત્તિમાં ₹ 35,000 કરોડથી વધુનો ઉમેરો કર્યો છે. સુરતનું AUM ₹ 51,156 કરોડથી વધીને ₹ 69,704 કરોડ થયું છે, જ્યારે વડોદરાનું AUM ₹ 58,464 કરોડથી વધીને ₹ 70,496 કરોડ થયું છે.