(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ઈરાને આજે દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ કર્યો હોવાની જાહેરાત કરતાં વૈશ્વિક બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવ્યો હોવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આજે ડૉલર સામે રૂપિયો 30 પૈસા તૂટીને 95.68ની સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર અમેરિકા અને ઈરાનને એકબીજા પર ફરીથી શરૂ કરેલા હુમલાઓને કારણે ક્રૂડતેલના ભાવમાં તેજી જોવા મળી હતી તેમ જ મૂડીગત્ બાહ્યપ્રવાહને કારણે ડૉલર મજબૂત થયો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 95.38ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.72ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.86 અને ઉપરમાં 95.58ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે 30 પૈસા નબળો પડીને 95.68ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો નોંધાયો હતો.
અમેરિકા-ઈરાન વચ્ચેનાં યુદ્ધને કારણે આજે ડૉલર સામે રૂપિયો નરમાઈના અન્ડરટોને ખૂલ્યો હતો. ત્યાર બાદ ક્રૂડતેલના ભાવવધારા અને ડૉલર ઈન્ડેક્સના મજબૂત વલણને કારણે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, મધ્ય સત્ર પશ્ચાત્ ક્રૂડતેલના ભાવમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં રૂપિયામાં પણ નીચા મથાળેથી ધીમો સુધારો આવ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે હાલની વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહેતાં 95.40થી 95.96 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.
વધુમાં આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.03 ટકા ઘટીને 100.91 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 1.93 ટકા વધીને બેરલદીઠ 77.48 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 47.01 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 4.10 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2603.72 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયો વધુ ગબડતો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.