ભરત ભારદ્વાજ
તમિળનાડુમાં ગૌવંશ એટલે કે ગાય અને વાછરડાના વધ પર રાજ્યવ્યાપી પ્રતિબંધ મૂકવાનો આદેશ આપતા મદ્રાસ હાઈ કોર્ટના ફરમાનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધું એ સાથે જ દેશમાં ગૌવંશની હત્યાનો મુદ્દો પાછો ચર્ચામાં છે. 27 મે, 2026ના રોજ કોઈમ્બતુરના સજજન કે. સૂર્યપ્રશાંતે જાહેર હિતની અરજી (પીઆઇએલ) કરીને બકરીઈદના દિવસે તમિળનાડુમાં ગૌવંશની હત્યા પર પ્રતિબંધની માગ કરી હતી.
મદ્રાસ હાઈ કોર્ટે માત્ર બકરી ઈદ જ નહીં પણ વરસના ત્રણસો ને પાંસઠ દિવસ ગૌવંશની હત્યા પર પ્રતિબંધનું ફરમાન કરી દીધેલું. હાઈકોર્ટનો દાવો હતો કે. બંધારણની કલમ 48, તમિળનાડુ એનિમલ પ્રિઝર્વેશન એક્ટ, 1958 તથા 1976ના રાજ્ય સરકારના આદેશ હેઠળ તમિળનાડુમાં ગૌવંશની હત્યા પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. તમિળનાડુ સરકારે આ ફરમાનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું હતું. સુપ્રીમ કોર્ટે વિજય સરકારની અરજી માન્ય રાખીને પ્રતિબંધને ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે, હાઈ કોર્ટના આદેશમાં સુધારાની જરૂર છે તેથી તેનો હમણાં અમલ કરી શકાય તેમ નથી.
સુપ્રીમ કોર્ટના ચુકાદાના પગલે રાજકારણ પણ શરૂ થયું છે ને દેશવ્યાપી પ્રતિબંધનું કોરસ પણ શરૂ થયું છે. વાસ્તવમાં ભારતમાં ગૌહત્યાના મામલે રાજકારણ ચાલ્યા જ કરે છે અને ગૌહત્યા પર સમગ્ર દેશમાં પ્રતિબંધની માગ પણ થયા કરે છે પણ કેન્દ્ર સરકારને એવો કાયદો બનાવવામાં રસ નથી.
હિંદુવાદી સંગઠનો ગૌહત્યા પર દેશવ્યાપી પ્રતિબંધની તરફેણમાં છે અને એકાદ દાયકા પહેલાં રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘ (આરએસએસ)ના મુખિયા મોહન ભાગવતે પોતે ગૌહત્યા વિરોધી દેશવ્યાપી કાયદો બનાવવાની હાકલ કરેલી પણ મોદી સરકારે તેમની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી હતી. 2017માં ભાજપ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જીત્યો પછી ગૌરક્ષાના મુદ્દે બહુ ધમધમાટ થયેલો. ગૌરક્ષાના નામે મુસ્લિમોની ધોકાવાળી કરવાના ઘણા કિસ્સા પણ બન્યા હતા.
ગુજરાતમાં એ વખતે પાટીદાર આંદોલને ભાજપના પાયા હચમચાવી નાખેલા તેથી ભાજપે હિંદુ મતદારોને આકર્ષવા ગૌરક્ષા સામે કડક કાયદો બનાવી નાંખેલો. ગૌવંશની હત્યા માટે આજીવન કારાવાસ ને ગૌવંશના માંસની હેરફેર કરતાં વાહનોને કાયમ માટે જપ્ત કરી લેવા સહિતની આકરી જોગવાઈઓ આ કાયદામાં છે. ગુજરાત સરકારે ખરડો પસાર કર્યો તેના પગલે આખા દેશમાં આવો કડક કાયદો બનાવવાનું કોરસ શરૂ થયેલું. ભાગવતે પણ આ કોરસમાં જોડાઈને માગણી તો કરી નાખી પણ મોદી સરકારે ભાવ નહોતો આપ્યો.
ભાજપે ભાગવતની વાત ના ગણકારી તેનું મુખ્ય કારણ બંધારણીય જોગવાઈ છે. બંધારણીય જોગવાઈ પ્રમાણે, પશુઓની કતલ રોકવી એ રાજ્ય સરકારનો વિષય છે. બંધારણમાં ગૌહત્યા પર પ્રતિબંધનો રાજ્ય સરકારો માટે નિર્દેશાત્મક સિદ્ધાંત તરીકે સ્વીકાર કરાયો છે પણ રાજ્યોને ગૌહત્યા પ્રતિબંધનો કાયદો ઘડવાની ફરજ પાડી શકાતી નથી કેમ કે પશુઓને લગતા કાયદાઓનો સમાવેશ બંધારણના સાતમા શિડ્યુલમાં રાજ્ય સરકારોએ બનાવવાના કાયદાના લિસ્ટમાં કરાયો છે.
દરેક રાજ્યની પરંપરાઓ અને સામાજિક માળખાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને અલગ અલગ પશુઓની કતલ રોકવા માટે કાયદો બનાવવાનો અધિકાર બંધારણે આપ્યો છે. આ બંધારણીય જોગવાઈને અનુસરીને એ વખતે દેશનાં 29 રાજ્યોમાંથી 24 રાજ્યોમાં ગૌહત્યા પર પ્રતિબંધ હતો. આ પૈકી 21 રાજ્યોમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ હતો જ્યારે ત્રણ રાજ્યોમાં ગૌવંશ નકામું થઈ ગયું છે તેવું સર્ટિફિકેટ આપો તો કતલની મંજૂરી મળે એવો કાયદો હતો. અત્યારે પણ એ જ સ્થિતિ છે કેમ કે એ પછીનાં વરસોમાં કોઈ રાજ્ય સરકારે નવો કાયદો બનાવ્યો નથી.
આ કારણે પશ્ચિમ બંગાળ, કેરલમ, અરૂણાચલ પ્રદેશ, આસામ, ગોવા, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા આ આઠ રાજ્યોમાં ગૌવંશની કતલ કાનૂની રીતે માન્ય છે જ્યારે બાકીનાં રાજ્યોમાં પ્રતિબંધ છે. રસપ્રદ વાત એ છે કે, ગૌહત્યા પર પ્રતિબંધ નથી એવાં રાજ્યોમાંથી મોટા ભાગના ભાજપ શાસિત છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ હમણાં સત્તા પર આવ્યો પણ આસામા, ગોવા, ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં ભાજપ વરસોથી સત્તા પર હોવા છતાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નથી એ સૂચક છે.
કેન્દ્ર સરકાર ગૌહત્યાનો રાષ્ટ્રવ્યાપી કાયદો બનાવવો હોય તો બંધારણીય સુધારો કરીને ગાયને અન્ય પશુઓથી અલગ કરવી પડે અને ગાયો માટે અલગથી કાયદો બનાવવો પડે. પહેલાં ભાજપ પાસે રાજ્યસભામાં બહુમતી નહોતી તેથી એ કાયદો પસાર થઈ શકે તેમ નહોતો પણ ભાજપની રાજ્ય સરકારો એવો કાયદો ચોક્કસ બનાવી શકે છતાં ભાજપ શાસિત સંખ્યાબંધ રાજ્યોમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નથી કેમ કે ભાજપ મતબેંકના એંગલથી બધું જુએ છે.
હિંદુવાદની અસર પ્રબળ છે અને ગાયને માતા માનીને પૂજવામાં આવે છે એ રાજ્યોમાં ભાજપે કાયદા બનાવી દીધા પણ જ્યાં આ લાગણી પ્રબળ નથી ત્યાં ભાજપને ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધમાં કોઈ રસ નથી. ભાજપના નેતાઓમાં જ એક વર્ગ ગૌમાંસ પર સંપૂર્ણ પ્રતિબંધની માગ કરે છે ત્યારે કિરેન રિજિજુ જેવા ઉત્તર-પૂર્વમાંથી આવતા નેતા પોતે બીફ એટલે કે ગૌમાંસ ખાતા હોવાનું ગર્વથી કહે છે. કોઈને આ બેવડાં ધોરણો લાગે પણ આ બેવડાં ધોરણ નથી. હિંદુઓમાં જ ગૌમાંસ ખાવા મુદ્દે અલગ અલગ મત પ્રવર્તે છે.
ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના હિંદુઓમાં ગૌમાંસને વર્જિત ગણવામાં આવે છે પણ કેરળમમાં હિંદુઓનો એક વર્ગ ગૌમાંસ ખાવામાં કશું ખોટું નહીં હોવાનું માનીને ખાય છે. હિંદુઓ સર્વાનમુતે ગૌમાંસ ના ખાવું જોઈએ એવું માનતા હોય ને ભાજપ આ વાત ના સ્વીકારે તો બેવડાં ધોરણ કહેવાય. ઉત્તર-પૂર્વનાં ઘણાં રાજ્યોમાં હિંદુઓ બહુમતીમાં નથી ને બહુમતી પ્રજાને ગૌમાંસ ખાવામાં વાંધો નથી તેથી ભાજપ સરકારો આવા કાયદા ના બનાવે એ સમજી શકાય એવી વાત છે.
હિંદુઓ માટે ગાય પવિત્ર છે તેથી ગૌહત્યા ટાળીને બહુમતી પ્રજાની ધાર્મિક લાગણીને સાચવી શકાય તો સારું પણ હિંદુઓનો ગૌ-પ્રેમ પણ મોટો દંભ છે તેથી આ મુદ્દાને ગંભીરતાથી નથી લેવાતો. બહુમતી હિંદુઓ માટે ગાય આર્થિક પ્રવૃત્તિનું માધ્યમ છે. ગાય દૂઝણી હોય ત્યાં લગી તેને સાચવે પણ જેવી વસૂકી જાય કે તરત જ માલિકો પોતે તેને કતલખાને વેચી દેતા હોય છે કે રસ્તે રઝળતી છોડી દે છે. રસ્તે રઝળતી મોટા ભાગની ગાયો જે મળે એ કચરો ખાઈને જીવતી હોય છે. ઘણી ગાયો તો પ્લાસ્ટિક ખાઈને જીવ ગુમાવી દેતી હોય છે પણ હિંદુઓને તેની પડી નથી હોતી ને બકરી ઈદના દિવસે ગાય કપાય તેનાથી તેમની લાગણી દૂભાઈ જતી હોય તો એવી લાગણીની કોણ ચિંતા કરે?