સુભાષ ઠાકર
‘તમે આ શું માંડ્યું છે’ સરોજનો સિમ્પલ પ્રશ્ન.
‘મેં? અરે આ ઉંમરે પથારીમાંથી બાથરૂમ સુધી ડગલા પણ માંડ માંડ માંડું છું તો બીજું તો શું માંડું? જેની સાથે માંડવામાં બેસી ઘર માંડવાનું હતું એમાં પણ હવે ઘણું મોડું થઇ ચુક્યું છે.’
‘સાંભળ, મારી વાઈફ, તને નઈ થાય વાત લાઈક, તું શું જાણે અંદરથી કેવી છે મારી લાઇફ.’
‘અરે કવિ, મને એ કહો તમે બે મહિનાથી વીકમાં બે વાર રસોડામાં અડધી રાત્રે શેની આવનજાવન કરો છો?’
‘ઓહ આશ્ચર્ય. તું જાગે છે? આમ અર્ધરાત્રીએ જાગી તારી ભરનિંદ્રાનુ બલિદાન આપવાનું કારણ શું? હું તને ભરનિંદ્રામાં જોઉં છું ત્યારે કોઈ ડબ્બા પર ઢાંકણું ફિટ્ટમફિટ ચોટી ગયું હોય એમ તારા ચર્મચક્ષુ પરના પોપચા ઢળેલા જોઈને મને દર વખતે એમ કેમ થતું હશે કે આ નયન હવે શું ક્યારેય નઈ ખૂલે?’
‘અરે મારા બાપ, તમે દર સોમવારે અને દર શુક્રવારે અર્ધરાત્રીએ રસોડામાં જઈ શું કરો છો એ બોલોને! અંધારામાં તમને જાતા જોઈને હું તંગ અને દંગ થઈ ગઈ છું.’ સરોજ ભડકી.
‘મને થયું આ તો ઘરવાળી છે કે ઘુવડ?’ એવું હું મનમાં બોલ્યો.
‘સ્વીટુ, આ કાળા ડિમાંગ અંધકારમાં તારી આવી ચકોર દૃષ્ટિથી હું ધન્યતા અનુભવું છું.’
‘સાચું કહું શરૂમાં મને એમ કે ભૂત હશે. સાચું બોલું તો તમને જોયા પછી મારી ભૂતની બીક ઓછી થઇ ગયેલી પણ હજી સંપૂર્ણ નાબૂદ નથી થઇ. મને એમ કે તમને જોઇને ભૂત પણ ભાગી જશે પણ જ્યારે તમે પોતે જ આમ ભૂતની જેમ.’
‘એટલે હું ભૂત છું?’
‘તમે ભૂત નઈ અદ્ભુત છો પણ વીકમાં બે વાર રસોડામાં અડધી રાત્રે જવાનું કારણ?’
‘તને તો કહીશ જ ને... કારણ નહીં આપું કારણ મને ગમે છે’ એવું ગાઈ મારો બચાવ નઈ કરું. હું તો ગમતાનો કરીશ ગુલાલ.’
‘અરે ગુલાલ કરો કે કંકુ. જલદી મોઢામાંથી ફાટોને.’
હવે ખરેખર મારી ફાટી ‘એમ ઉગ્ર ન થા સુરુ. સાલુ હું તારી સામેં શ્રીનાથજી બાવા જેવી અમી દ્રષ્ટિથી વાત કરું ને તું આમ ચંડીકાનું રૌદ્રરૂપ ધારણ કરે એ આપણા સંસારને શોભતું નથી મારી પ્રાણપ્યારી.’
‘અરે સંસારની શોભાની હમણાં કઉં એ. જવાબ આપો કે...’ સરોજ થોડી ભડકી.
‘કહીશ. હવે આ સંસારમાં મારું સાંભળવા વાળું બચ્યું છે કોણ? પણ તારા કોમલ હૃદયને ઠેસ ન વાગે એટલે ચૂપ હતો પણ હવે તે જોઈ લીધું તો કહી દઉં કે મારા શરીરમાં વિકનેસ લાગેલી એટલે વૈદ્ય બાપાલાલ પાસે ગયો ને એમણે તપાસી કીધું વીકમાં બે વાર સુગર ચેક કરજો એટલે રસોડામાં સુગરની બરણી ચેક કરું છું.’
‘હે મારા માલવપતિ મુંજ, તમને ડાયાબિટીસ છે? એ જોવા સુગર ચેક કરવાનું કીધું હશે?..હે પ્રભુ તે આ એન્ટીક પીસને મારા નસીબમાં શું કામ ફટકાર્યો? મે તારું શું બગાડ્યું છે કે તું મારો ભવ બગાડવા બેઠો છે. જુઓ, હવે જરાપણ મારા મગજની નસ ખેંચી તો તમારી બધી જ નસો ખેંચી લઈશ પછી ભલે મારે વિધવા બનવું પડે’
‘છીછીછીછી, તું વિધવા બને એના કરતા હું વિધૂર બનવાનું પસંદ કરીશ. આવી અશુભ વાણીથી તારા માતા-પિતાએ આપેલા અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદનું શું તારે ઘોર અપમાન કરવું છે? આપણે કાલે ક્લિનિક જઈશું.’
બીજા દિવસે દવાખાને પહોંચ્યા ત્યારે આગળના દર્દી ચંપાબાને તપાસી ડોક્ટર બોલ્યા ‘બા તમને ડાયાબિટીસ છે.’
‘એટલે શું? બાએ પૂછ્યું.
‘તમને યુરિનમાં સાકર આવે છે.’
આટલું સાંભળતાં જ હું બે ફૂટ ઉછળ્યો ‘બા..બા..બા યુ આર લકી, યુરિનમાં સાકર આવે છે સાલું અમને તો રેશનીંગ કાર્ડમાં પણ નથી આવતી ને મોંઘવારીમાં આ રીતે સાકર વેડફી મારો છો?. બા હવે ઘરમાં મીઠાઈ કરશું તો તમને બોલાવશું...’
એટલામાં ડોકટરે અમને બોલાવ્યા મારી નાડી પકડીને પૂછ્યું ‘શું થાય છે?’
‘આ મારા વાઈફ થાય છે સર.’
‘અરે તમારી વાઈફ હોય કે બા. તમને શું તકલીફ છે?’
‘તકલીફ? અરે તકદીરમાં તકલીફ જ તકલીફ છે. નોકરી છૂટી ગઈ, પૈસાની તંગી, બિલ્ડર ભાડું નથી આપતો, ઉધારી માથે...ઘર તો શું બાથરૂમ પણ નથી ચાલતું.’
‘અરે મારા બાપ, શરીરમાં શું તકલીફ છે?’
‘એ હું કહું સાહેબ બોલવામાં કે સ્વાદમાં એમની જીભ પર કાબૂ નથી’ સરોજ બોલી : ‘પેટનું કહ્યું મન માનતું નથી એટલે ડાયનીંગ ટેબલ પર માનનીય બટાટાવડા, ફરસાણપ્રસાદ, મીઠાઈનંદન બર્ગરશંકરને જોતા જ જીભડી નૃત્ય કરવા લાગે છે.’
‘જુઓ ઠાકર, આ બધું પેટમાં જશે તો એક દિવસ બે હોઠ વચ્ચે અદૃશ્ય બોર્ડ લાગશે વેલકમ બ્લડપ્રેશર, ડાયાબિટીસ એન્ડ હાર્ટએટેક, આપનું સ્વાગત. તમારું લાવાજમ મીઠાઈ અને ફરસાણે અગાઉ ચૂકવી દીધું છે. જો તમે આ બધુ બંધ નઈ કરો તો તમે પોતે જ બંધ થઈ જશો, સુગર કાબૂમાં રાખવા યોગ કસરત-પ્રાણાયામ કરો. તેલ ખાંડ મીઠું ઓછું.’
‘અરે આવી સલાહ આપશો તો તમારું ઘર કેમ ચાલશે? ને આ બધુ બંધ કરીશ તોયે હાર્ટ તો બંધ થવાનું જ. ફાફડા ખાતા પણ ફફડવાનું? એવું જીવન ન જોઈએ. પ્રાણાયામ કરીશું તો પણ એકવાર યમ પ્રાણ લેવા આવશે જ. અરે, ડાયાબિટીસ હશે તો મીઠાઈની દુકાનમાં નોકરી મળશે. બેકારી જશે, જલસા કરો ને કરવા દો. દર્દીનું ટેન્શન તમે લેશો તો તમે જ ફસાશો. ચાલો, સુરુ ઘરે’ ને અમે નીકળી ગયાં. શું કહો છો?