માવજી મહેશ્વરી
સનતનું શરીર અજબ રીતે કંપી રહ્યું હતું.
ઉનાળાની સાંજ ઢળી ગઈ હતી. ગાડીમાં એસીની ઠંડક વચ્ચે પણ પરસેવો વળતો હતો. ગાડી જૂની દિલ્હીમાંથી પસાર થઈ રહી હતી. ગીચ ટ્રાફિક વચ્ચેથી સલામતીપૂર્વક ગાડી ચલાવતા ડ્રાઈવર સામે જોઈ રહેવું સનતને અજુગતું લાગ્યું. ડ્રાઈવરનું શરીર વહાણના ખલાસી જેવું કસાયેલું હતું. તેણે કાળા રંગનો ટી શર્ટ પહેર્યો હતો. ટાઈટ ટી શર્ટમાં તેના કસાયેલા બાવડાં ઉપસી આવતા હતા. એ કોઈ પ્રોફેશનલ ડ્રાઈવર નહીં જ હોય. એ પેલા લોકોનો સાગરિત જ હશે એમા કોઈ શંકા ન હતી. ખાસ્સી મૂંઝવણ પછી તેણે ડ્રાઈવરને પૂછ્યું, ‘આપણે ક્યાં જઈ રહ્યા છીએ?’
ડ્રાઈવરે સનતની સામે જોયું. તેની નજરમાં આરપાર નીકળી જાય તેવી વેધકતા હતી. સનતને લાગ્યું કે ડ્રાઈવર જવાબ આપવાને બદલે મુક્કો મારશે, પણ ડ્રાઈવરે સામેથી રોંગ સાઈડમાંથી નીકળેલી રીક્ષા તરફ જોતાં કહ્યું, ‘તારાથી ચૂપ નથી રહેવાતું?’
સનત ડ્રાઈવરના જવાબથી ઓજપાઈ ગયો. તેને ગમ્યું નહીં તે છતાં તેને ખબર હતી કે અત્યારે બોલવું મૂર્ખતાભર્યું છે. આ ડ્રાઈવર એકાદ થપ્પડ મારી લેશે તોય પોતાનાથી કંઈ થઈ શકશે નહીં. પ્રતિપળે તેના મન પર ભય છવાતો જતો હતો. આ વિસ્તાર તેનો અજાણ્યો હતો. આ રાક્ષસ જેવો ડ્રાઈવર ક્યાં લઈ જતો હશે? આખરે તેણે પૂછી નાખ્યું, પણ તને કહેવામાં કોઈ વાંધો છે?
કોઈ છોકરાને ધમકી આપતો હોય તેમ ડ્રાઈવર બોલ્યો. ‘ઓયે નાલાયક ચૂપ મર. આપણે ત્યાં જ જઈએ છીએ જ્યાં જવાનું છે. હવે એક શબ્દ પણ બોલ્યો તો માર ખાઈશ સમજ્યો?’
સનત ખરેખર ચૂપ થઈ ગયો. અચાનક તેને વિચાર આવ્યો કે તે શા માટે જઈ રહ્યો છે? પોતાને આવું કરવાની શી જરૂર હતી? આખરે તો પેલી છોકરી માટે જ ને? શું પોતાની બહાદુરી જોઈને સોનલ પોતાના ઉપર ઓવારી જશે? તેણે તો સામેથી કહેલું કે બેગ આપી દે તારે જીવ જોખમમાં મૂકવાની જરૂર નથી. તેમ છતાં પોતે જાણે કોઈ મહાન કાર્ય કરવું હોય તેમ કૂદી પડ્યો છે. ગાડી ટ્રાફિક સિગ્નલ પાસે અટકી.
જૂની દિલ્હીની સડક ઉપર વાહનો ખડકાઈ ગયાં હતાં. ડ્રાઈવર બેચેનીથી સિગ્નલના થાંભલાને જોઈ રહ્યો હતો. સનતનાં અંગો ઢીલા થઈ રહ્યાં હતાં. તેની હિંમત જવાબ દઈ જવાની તૈયારી કરતી હતી. તેને સોનલનો વિચાર આવ્યો. સોનલ અત્યારે ક્યાં હશે? દિલ્હીમાં હશે કે દિલ્હીની બહાર? એને જ્યાં રાખી છે ત્યાં કેટલા લોકો હશે? શું તેમણે સોનલને એ લોકોએ કંઈ કર્યું નહીં હોય ને? સનત આગળ વિચારી ન શક્યો. ટ્રાફિકની બત્તી લીલી થતાં જ વાહનોનો જમેલો જુદી જુદી દિશામાં ભાગ્યો.
ડ્રાઈવરે દાંત ભીડીને ગાડીને પહેલા ગીયરમાં નાખી. સૂરજ હવે નમવા જઈ રહ્યો હતો. ગાડી રવાના થયે એકાદ કલાક થવા જતો હતો. આગળ ચારેક કિલોમીટર આગળ જતાં મુખ્ય રોડમાંથી એક નાનો રોડ ફૂટ્યો. ડ્રાઈવરે ઝાટકાથી ગાડીને સાંકડા રોડ ઉપર દોડાવી મૂકી. સનત દિલ્હીની રસ્તાઓથી પરિચિત ન હતો. ગાડી કઈ તરફ જઈ રહી છે તેની તેને ખબર ન હતી. ટ્રાફિકમાં વેડફાયેલો સમય સરભર કરવો હોય તેમ ડ્રાઈવર ખાડાની પરવા કર્યા વગર દોડાવ્યે જતો હતો.
હવે ખુલ્લો વિસ્તાર આવતો જતો હતો. ગીચ દિલ્હી પાછળ રહી ગયુ હતું. આગળ એક ગરનાળું આવ્યું. ત્યાંથી જ એક જુદો રોડ નીકળતો હતો. ડ્રાઈવરે યુ ટર્ન માર્યો. સનતને ખ્યાલ આવ્યો કે અત્યાર સુધી દક્ષિણ તરફ જઈ રહેલી ગાડી હવે ઉત્તર તરફ જઈ રહી છે. ડૂબતા સૂરજનો પીળો પ્રકાશ પડતો હતો. સૂરજને જોતાં જ તેને ફાળ પડી. થોડીવાર પછી અંધકાર પથરાઈ જવાનો હતો. તેની હિંમતને ટકાવી રાખતું અજવાળું વિદાય લેવાની તૈયારી કરતું હતું.
સનતે લાચાર આંખે બહાર જોયું. ઉદાસ સાંજ પથરાતી જતી હતી. પોતે માત્ર એક આવેશ અને ભાવુકતાને કારણે મોતના મોમા ધકેલાઈ ગયો છે તેમાં કોઈ શંકા ન હતી. પોતે જેને મળવા જઈ રહ્યો છે તે કોઈ વેપારીઓ નથી, મોતના સોદાગરો છે. તેમના માટે મરવું, મારી નાખવું સામાન્ય બાબત છે. પોતે કારણ વગર જ આ જમેલામાં પડ્યો છે. નરી મૂર્ખાઈ સિવાય કશું જ નથી. આખરે પોતાને મેળવવું છે શું ? જ્યાં જઈ રહ્યો છે ત્યાંથી પાછો આવી શકશે ખરો?
સોનલની બેગમાં કશું નહીં નીકળે તે પછી પેલા લોકો જીવતો જવા દેશે? પોતાની લાશ પણ કોઈના હાથમાં નહીં આવે. જો એવું થયું તો? સનતને એકાએક પોતાના મા-બાપ યાદ આવ્યા. મા-બાપ રોઈ રોઈને જીવ આપી દેશે. તેણે ડ્રાઈવર સામે જોઈ કંપતા અવાજે કહ્યું, ‘ભાઈ જરાવાર ગાડી ઊભી રાખો ને.’ સનત સામે જોયા વગર જ ડ્રાઈવર બરાડ્યો, ‘કેમ શું કરવું છે?’
સનતે ટચલી આંગળી બતાવી. ડ્રાઈવરના ચહેરા ઉપર ભદ્દું હાસ્ય આવ્યું. તેણે કહ્યું, ‘થોડીવાર પછી અત્યારે નહીં સમજ્યો?’
સનત મન મારીને બેસી રહ્યો. હવે આછું અંધારું છવાઈ ગયું હતું. દૂર રહી ગયેલી દિલ્હીની બત્તીઓ ઝગમગતી હતી. ગાડી કોઈ ગ્રામ્ય વિસ્તારની સડક ઉપર દોડી રહી હતી. ડ્રાઈવરે ગાડી ઊભી રાખી સનત સામે નેણ ઉંચે ચડાવતાં બહાર જવાનો ઈશારો કર્યો. સનતે દરવાજો ખોલવા હાથ લંબાવ્યો ત્યાં જ ડ્રાઈવરે બરછટ અવાજે કહ્યું, ‘દૂર જવાની કોઈ જરૂર નથી, અહીં જ કરી લે.’
સનતનું ગળું સૂકાઈ ગયું. તેનાથી નિસાસો નખાઈ ગયો. કોઈ અજાણ્યા વિસ્તારના સુમસામ રસ્તા ઉપર તે ઊભો હતો. તેને એ પણ ખબર ન હતી કે તે દિલ્હીમાં છે, હરિયાણામાં કે પછી ઉતરપ્રદેશ માં. તેને જોયું કે ડ્રાઈવર સેલફોન પર વાત કરી રહ્યો છે. તેણે શ્વાસ થંભાવી ડ્રાઈવરના શબ્દો પકડવાનો પ્રયત્ન કર્યો પણ તેને સમજાતું ન હતું. છેલ્લે ઓકે એવું બોલીને ડ્રાઈવરે ફોન કટ કર્યો તે સાથે જ તેની બૂમ સંભળાઈ, ‘અરે જલદી કર.’
સનત ઉતાવળે ગાડીમાં ગોઠવાયો. તેને એક ડરામણો વિચાર આવી ગયો. પેલા લોકોને માટે સોનલની બેગ અગત્યની છે. પણ બેગમાં તો એવું કંઈ જ નથી. જો બેગમાંથી કંઈ નહીં નીકળે તો પોતાનું આવી બનશે. એ લોકો એવું જ સમજશે કે મેં બેગમાંથી કાઢી લીધું છે. મારી વાત કોઈ માનશે નહીં. પછી મારા શું હાલ થશે? આ ખડૂસ ડ્રાઈવર પણ કંઈ બકતો નથી. સનતે પોતાને જ કહ્યું, તારે આ ઉપાધીમાં પડવાની કોઈ જરૂર હતી ખરી? તું હાથે કરીને ફસાયો છે. અને ફસાઈ જ ગયો છો તો હવે હિમતપૂર્વક સામનો કર.
પેલા લોકોને તારી સાથે કોઈ વેર નથી. એમને જે કંઈ જોઈએ છે તે સોનલ પાસેથી જોઈએ છે. વળી સોનલ એમના કબજામાં છે. જો સોનલ તને ગમી જ ગઈ હોય, જોઈતી જ હોય તો ખુલ્લીને મેદાનમાં આવ. તું યુવાન છો. પડકાર ઝીલી લે. સનત હવે ભાગી છૂટવાનો સમય નથી. તારું મગજ દોડાવ. રસ્તો મળી જશે. ત્યાં સોનલને પણ તારી ચિંતા હશે. ડ્રાઈવર એકધારું ચલાવતો હતો. પાંચેક કિલોમીટર ચાલ્યા પછી ત્રણ રસ્તા આવ્યા. ગાડીની હેડલાઈટના શેરડામાં વડનું મોટું વૃક્ષ દેખાયું એ વૃક્ષને કારણે અંધારું વધારે ડરામણું લાગતું હતું. સનત ટટ્ટાર થયો. તેણે ડ્રાઈવર સામે જોઈ રહેતા કહ્યું, ‘આપણે શું પાકિસ્તાન જઈ રહ્યા છીએ? આખરે આપણે જવાનું ક્યાં છે?’
ભૂલથી ડ્રાઈવરે બ્રેક મારી દીધી. ગાડીએ ઝાટકો ખાધો. રફ્તાર ધીમી થવાથી ડ્રાઈવર ઉશ્કેરાયો, તેણે સનતને ગાળ દેતા કહ્યું, ‘મેં કહ્યું હતું ને ચૂપ મરવાનું છે. સાલ્લા એક થપ્પડ પડશે તો નાની યાદ આવી જશે.’
‘મારી નાની તો મેં જોઈ જ નથી તો ક્યાંથી યાદ આવે? તને કહેવામાં કંઈ વાંધો છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ?’
‘તારી તો...’ કહીને ગુસ્સે થયેલા ડ્રાઈવરે ગાડી ઊભી રાખી દીધી. બત્તી ચાલુ કરીને સનત ઉપર હાથ ઉગામતા કહ્યું, ‘જો તને કહી દઉં છું હવે એક શબ્દ બોલ્યો છો ને તો તને મારી નાખીશ.’
‘તો મારી નાખ. પછી તારા સાથીદારોને શું કહીશ? મને મારવાથી તને ઈનામ મળવાનું છે? એમને જે જોઈએ એ આ બેગમાં નહીં, મારા ભેજામાં છે સમજ્યો. સીધી રીતે કહી દે આપણે ક્યાં જઈ રહ્યા છીએ?’
ડ્રાઈવરની આંખમાંથી તણખા ઝર્યા. તેણે દાંત ભીંસતા કહ્યું, ‘લાગે છે તને માર ખાવાની ચળ જાગી છે.’
‘તો માર ને. વાતો શું કરશ? ચાલ બહાર આવી જા. માર મને.’ ડ્રાઈવર કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલા સનત ઝડપથી બારણું ખોલી બહાર નીકળી ગયો. ડ્રાઈવર મૂંજાયો. અત્યાર સુધી શિયાંવિયાં થતો સનત અચાનક આવું કરશે તેવો વિચાર તેને આવ્યો જ ન હતો. તે નક્કી ન કરી શક્યો કે શું કરવું. તે પણ બહાર આવીને સનત સામે અકડાઈને ઊભો રહ્યો. સનતે વિચારી લીધું હતું કે ડ્રાઈવર કદાચ હુમલો કરશે. તે ડ્રાઈવરના પ્રતિકારની તૈયારી સાથે જ ઊભો રહ્યો હતો.
ડ્રાઈવર ખરેખરનો મૂંઝાયો હતો. સનતને મારવો કે પછી તેની સાથે વાત કરવી તે તેને સમજાતું ન્હોતું. તે સારો ડ્રાઈવર હતો, પણ સમજાવટથી વાત કેમ કરવી તેનો અનુભવ ન હતો. તેણે પોતાના સ્વભાવ મુજબ જ કર્યુ. લાગલો સનતનું કાંડું પકડતા કહ્યું, ‘અંદર બેસે છે કે એક ઠોકી દઉ?’
સનતને ખબર હતી કે ડ્રાઈવર અટકચાળું કરશે. તેણે તરત કાંડું છોડાવતા કહ્યું, ‘તું તને સમજે છે શું? ચાલ મને હાથ અડાડી જો. તું શું એમ સમજે છે કે તું મને મારીશ તો હું જોયા કરીશ? મને પણ મારતા આવડે છે. સીધી રીતે બતાવી દે કે આપણે ક્યાં જઈએ છીએ અને એ પણ કહી દેજે કે સોનલ અત્યારે ક્યાં છે? જ્યાં સુધી મને ખબર નહીં પડે કે સોનલ ક્યાં છે અને તું મને ક્યાં લઈ જાય છે ત્યાં સુધી હું ઊઠવાનો નથી અને સાંભળ તું ફક્ત ડ્રાઈવર લાગે છે, જો તને ખબર ન હોય તો પૂછી લે તારા બાપને.’
ડ્રાઈવર સમસમી ગયો. ઘડીભર તે નક્કી ન કરી શક્યો કે તે શું કરે? તેને પહેલો એવો માણસ જેણે પડકાર ફેંક્યો હતો. તેમ છતાં તેણે નમીને ન આપ્યું. તેણે કહ્યું, ‘તું સીધી રીતે ગાડીમાં બેસે છે કે તને ગોલી મારી દઉં?’
‘તો વાટ કોની જુએ છે, માર ગોલી અને મને મારી નાખ. મને ખબર છે મને મારી નાખીશ તો એ લોકો તને મારી નાખશે. તું એક વાત ધ્યાનથી સાંભળી લે હું અહીંથી ઊઠવાનો નથી જ્યાં સુધી મારા પ્રશ્નોના જવાબ નહીં મળે.’
આટલું કહી સનત રસ્તાની ધારે પલાંઠી વાળી બેસી ગયો. ડ્રાઈવરને પોતાની પરિસ્થિતિનું ભાન થયું. તે સમજ્યો કે આ માણસ જીદ્દી લાગે છે. મરવાથી પણ ડરતો નથી. પોતે જો તેના પર બળજબરી કરશે તો સામો થશે. શક્ય છે કે તે જીતી પણ જાય અને ક્યાંક પોતાને જ અહીં મૂકીને ગાડી લઈને ભાગી જાય. જો એવું બને તો પોતાનું આવી બને.
તે થોડીવાર સનત સામે જોતો ઊભો રહ્યો. અચાનક તેણે પોતાનો સૂર બદલ્યો. તેના બરછટ અવાજમાં થોડી નરમાશ આવી ગઈ. તેણે જરા નમીને સનત સામે જોઈ રહેતા કહ્યું, ‘જો હું ફક્ત ડ્રાઈવર છું. મને વધુ કાંઈ ખબર નથી અને આપણે રાજસ્થાન જઈ રહ્યા છીએ.’ (ક્રમશ:)