Tue Aug 18 2026

Logo

મોજની ખોજઃ ઊર્મિલા વનમાં કેમ ન ગઈ?

2026-08-18 09:45:00
Author: Subhash Thaker
Article Image

સુભાષ ઠાકર

‘રામ-લક્ષ્મણ-સીતા સાથે ઊર્મિલા વનમાં કેમ ન ગઈ?’ ચંપાએ શાસ્ત્રીજીને પૂછયું.

‘અરે. ન ગઈ તો ન ગઈ. એની મરજી. હું એ વખતે અયોધ્યામાં ન્હોતો ને મેં રામાયણ લખી નથી. પ્લીઝ તમે કોર્સ બહારના સવાલ ન કરો. મને તો આ જયંતીકાકાની ઊર્મિલા સાસરે કેમ નથી જતી એ ખબર નથી તો ઠેઠ પુરાતન પથ્થર યુગની રામાયણમાં ઊર્મિલા કેમ ન ગઈ એ કેમ ખબર પડે?’

‘અરે શાસ્ત્રી, એ જયંતીકાકાની ઊર્મિલાના લગ્ન જ નથી થયા તો સાસરે તંબુરામાંથી જાય. સમજ્યા-જાણ્યા વગર ઠોકાઠોક કરો છો. તમે આ રામાયણની ઊર્મિલા કેમ વનમાં ન ગઈ એ બોલોને.’
‘હું શું બોલું? આ તો દશરથ રાજાના પરિવારમાં આખી જિંદગી કાઢીએ તોયે કોકડું ગૂંચવાયેલું રહે.’
‘એકઝેટલી એ ગૂંચ તો ઉકેલવાની છે. ધ્યાનથી સાંભળો. તમે કાલે ઠાકરપીઠ પરથી કથા ચાલુ કરો કે...’

‘અરે ભાભી, એને વ્યાસપીઠ કહેવાય ઠાકરપીઠ નઈ.’
‘પણ અમે વ્યાસ નથી. અમે ઠાકર છીએ એટલે ઠાકરપીઠ પરથી જ જાહેર કરવાનું છે કે ‘વોટ ઈઝ ધ પ્રોબ્લેમ વિથ ઊર્મિલા’ એનો જવાબ આપો, નઈતર રામાયણની પૂર્ણાહુતિ પહેલાં તમારી પૂર્ણાહુતિ..’
‘મારી પૂર્ણાહુતિ? આ તો દાદાગીરી કહેવાય.’ શાસ્ત્રી ગભરાયા ‘તો તમે મને એ સમજાવો કે ઊર્મિલાને મૂકી સીતાજી કેમ ગયા?’

‘અરે સીતાજીને એવો વિચાર આવ્યો હશે કે ચૌદ ચૌદ વર્ષ સુધી ત્રણ ત્રણ સાસુ સાથે માથાકૂટ કરવી એના કરતાં પતિની છત્રછાયામાં રહેવું સારું. હવે ઊર્મિલાનું કેમ ન... ગઈ. એ કઉ પણ મને એક દિવસ આપો.’

ઘરે જઈ શાસ્ત્રીજીએ ગૂગલમાં સર્ચ કર્યું તો એને સામે પૂછ્યું ‘કઈ ઊર્મિલા? અહીં હજારો ઊર્મિલાઓ છે. કયા કથાકારની ઊર્મિલા?’ શાસ્ત્રીજીએ માથા પર ચાર ટપલી મારી મગજને ખૂબ ઢંઢોળ્યું. આ તો સાલુ ગૂગલ છે કે ઘરવાળી? 
પ્રોપર જવાબ જ નઈ.’ 

બીજા કથાકારો સાથે ચર્ચા કરી, કારણ કે મોત આવે એ પહેલા શાસ્ત્રીને મરવું નથી. ‘રામાયણની પૂર્ણાહુતિ પહેલાં મારી’ બા..પ..રે આ વિચારથી જ શાસ્ત્રીજીને ધ્રુજારી ઊપડતી. પણ જિસકા કોઈ નહિ ઉસકી તો વાઈફ હૈ યારો. શાસ્ત્રીણીએ શાસ્ત્રીને પૂછ્યું ‘હે મારા ભરથાર, આપનો ચહેરો કેમ ફણગાવેલા મગ જેવો થઇ ગયો છે. 

મૂંઝવણ હોય તો મારી સાથે શેર કરો. જુઓ દરેક મૂંઝવણનો એક ઉકેલ હોય છે કે ‘બસ થઇ જશે’ બોલો જલ્દી મૂંઝવણ બોલો’
‘અરે, હું બસસ્ટેન્ડની પૂછપરછ બારીએ બેઠો હોઉં એમ પેલા ચંપાભાભી પૂછ્યાં કરે છે કે રામાયણમાં ઊર્મિલા વનમાં કેમ નથી ગઈ. જવાબ નઈ આપું તો મને ખૂનની ધમકી આપે છે.’

‘અરે, આવી તો જીવનમાં હજારો સમસ્યાઓ આવે પણ યાદ રાખો ‘હર સમસ્યા સુલઝેગી તુમ ઉલઝના છોડ દો, હર મંઝીલ મિલેગી તુમ ભટકના છોડ દો...’ મને ખબર છે કે ઊર્મિલા વનમાં કેમ ન ગઇ.’

‘અરે તો બોલતી શું નથી, મારી રાણી?’ કોલંબસે અમેરિકા શોધ્યો હોય એટલો આનંદ શાસ્ત્રીજીનાં ચહેરા પર છવાઈ ગયો. ‘પણ તું સ્વભાવ પ્રમાણે એમ ન બોલતી કે ત્યાં પાણીપૂરીની લારી ન હોય એટલે ન ગઈ’.

‘ઓકે. ચાલો હું આવું તમારી સાથે.’

ઓવર ટુ ચંપાભાભી....

‘જુઓ ભાભી’ મિસિસ શાસ્ત્રી બોલ્યા ‘છેલ્લા કેટલા વખતથી ઊર્મિલા વનમાં કેમ ન ગઈ એ વિચારી વિચારી મારા વરની મગજની જ નઈ પણ આખા શરીરની નસો ખેંચાઈ છે એને જો બ્રેન હેમરેજ થઇ જશે ને હું અખંડ સૌભાગ્યવતીમાંથી ગંગા સ્વરૂપ બની જઈશ તો ઘર ચલાવવા તમે આવશો? તમે કેમ નથી વિચારતા કે ઊર્મિલાએ જ પોતાના જીવનનો ભોગ આપી, પતિનો વિયોગ વેઠી, સાથે સાસુ-સસરાની સેવા કરી, હૈયાની ઝોળીના બધાજ સપના દાટીને ચુપ રહી એ ખાવાના ખેલ નથી, અરે સાચો વનવાસ જ ઊર્મિલાનો છે.

ને છતાં માનો કે ઊર્મિલા વનમાં ગઈ ને રાવણ બાવો બની લોટ માગવા આવે તો લોટ આપવા ઊભું કોણ થાય? દેરાણી કે જેઠાણી? સીતા કે ઊર્મિલા?’

‘ઓફકોર્સ, દેરાણી ઊર્મિલા જ થાય ને.’

‘તો અપહરણ પણ ઊર્મિલાનું જ થાય. બરાબર? તો ઇતિહાસ કહે છે કે લક્ષ્મણ તો શેષનાગનો અવતાર. રાવણ ને ત્યાં ને ત્યાં જ પતાવી દે. લંકા સુધી ધક્કો ન ખાય. રાવણ પૂરો થયો કે રામાયણ બે જ દિવસમાં પૂરી. બાકીના સાત દિવસ શું મંજીરા વગાડવાના?. એટલે નવ દિવસ રામાયણ ચલાવવી હોય તો ઊર્મિલાનું નઈ પણ સીતાજીનું અપહરણ જરૂરી છે. સમજાયું?’

‘અરે વોટ અ લોજીક મિસિસ શાસ્ત્રી.! યુ આર રાઈટ, આ વાત હું સ્ત્રી હોવા છતાં કેમ ન સમજી શકી. શાસ્ત્રીજી હવે તમે નવના બદલે પંદર દિવસ કથા ચલાવો, ને દક્ષિણા પાંચ હજાર વધુ લઇ લેજો. નો પ્રોબ્લેમ.’ ચંપા બોલી.

‘એ પછી જોઈશું. અત્યારે રજા આપો’ ને બંને નીકળી ગયાં.
ઘરે આવી શાસ્ત્રી બોલ્યા : ‘માય સ્વીટુ, યુ આર જીનિયસ. તે મને મોટી ઘાતમાંથી ઉગારી લીધો. પણ તને આવી બુદ્ધિ..’
‘અરે રાજા, ક્યારેક બીજાને ખોટું ન લાગે એ માટે ખોટું બોલવું પડે છે. ને મેં એ જ કર્યું. અંડરસ્ટેન્ડ?’

ત્યાં શાસ્રીજીએ મોટો બોમ્બ ફોડ્યો ‘વ્હાલી એક પ્રશ્ન તો હજી સતાવે છે કે આ ઊર્મિલા કોણ?’
‘અરે ઊર્મિલા એટલે રામાયણનું સૌથી ઉત્તમ પાત્ર, જેને સ્વનું વિચારવાને બદલે સર્વનું વિચારી બધું જ ત્યાગીને પણ ચુપચાપ સહન કર્યું... હાલ પણ આવી કેટલીયે ઊર્મિલાઓ સમાજમાં જીવતી હશે. કોને ખબર.’ 
શું કહો છો?