વડોદરાઃ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. યુવકે કટરથી પત્નિ પર હુમલો કરી પોતે ફાંસો ખાઈ લીધો હતો. પત્નિ બચી ગઈ હતી. ઘરકંકાસના કારણે આ ઘટના બની હતી. દંપતીના 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા.
શું છે સમગ્ર ઘટના
વડોદરાના વાઘોડિયામાં આવેલી એક સોસાયટીમાં રહેતા દંપતીમાં નજીવી વાતમાં માથાકૂટ થતી હતી. રાત્રિના સમયે પતિએ બંને બાળકોને એક રૂમમાં બંધ કરીને પત્નિ પર કટરથી હુમલો કર્યો હતો. જે બાદ પતિએ ફાંસો ખાઈ લીધો હતો. જોકે હુમલામાં પત્નિ બચી ગઈ હતી અને તેને સારવાર અર્થે ખસેડાઈ હતી.
મોડી રાત્રે બનેલી ઘટના અંગે મૃતકના પુત્રએ તેના દાદાને ફોન કરી પિતાએ હુમલો કર્યાની જાણ કરી હતી. બાળકોએ બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા અને બાળકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. તેમજ ઘરમાં બારીનો કાચ તોડી જોતાં યુવક હોલમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, મૃતક મૂળ અમદાવાદનો રહેવાસી છે અને ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલો છે. 15 વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. બંને ખાનગી નોકરી કરતા હતા. પતિએ કટર કરેલા હુમલામાં પત્નિને આંખ, કાન તથા ગળામાં ઈજા પહોંચી હતી.
તાજેતરમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધેંધુ ગામે 20 વર્ષીય કોલેજીયન યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આરોપી દંપતી, વિષ્ણુજી ઉર્ફે વાસુભાઈ ઠાકોર અને તેમના પત્ની હંસાબેને, યુવકને પોતાના ઘરે બોલાવી દુપટ્ટા અને તાર વડે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક યુવકની ઓળખ હાર્દિક રમેશજી ઠાકોર તરીકે (20 વર્ષ) થઈ હતી. યુવકની હત્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહને સફેદ કોથળામાં પેક કરી દંપતી પોતાના ઘરને તાળું મારી ફરાર થઈ ગયું હતું. જોકે, કલોલ તાલુકા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ત્વરિત કાર્યવાહી કરતા આ ફરાર આરોપી દંપતીની ધરપકડ કરી લીધી હતી.