નવી દિલ્હી: ધાર ભોજશાલા મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન એક ખૂબ જ મહત્વનો વળાંક આવ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, એએસઆઈ (ASI) દ્વારા ભોજશાલા પરિસરમાં કોઈ પણ માળખાકીય ફેરફાર (Structural Changes) કરવામાં આવશે નહીં. ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલા બાગચી અને જસ્ટિસ મોહનાની બેન્ચે આ સંવેદનશીલ મામલાની સુનાવણી બાદ આ આદેશ આપ્યો હતો. આ સિવાય, સુનાવણી દરમિયાન કોર્ટે જ્યાં નમાજ માટે એક વચગાળાની વ્યવસ્થા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યાં જ હાઈકોર્ટ દ્વારા લંડન મ્યુઝિયમમાંથી વાગ્દેવી (સરસ્વતી)ની મૂર્તિ પાછી લાવવાના આદેશ પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
સુનાવણી બાદ મુસ્લિમ પક્ષની અપીલ પર સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષ, રાજ્ય સરકાર, ડીએમ (DM) અને એએસઆઈ (ASI) ને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. હવે આ મામલે જુલાઈના ત્રીજા સપ્તાહમાં આગામી સુનાવણી હાથ ધરાશે. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે પરિસરમાં શુક્રવારે નમાજ પઢવા પરનો પ્રતિબંધ યથાવત રહેશે. આ સિવાય, સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો હાલ પૂરતો ઈનકાર કરતા જણાવ્યું હતું કે, ભોજશાલા પરિસરની નજીક નમાજ માટે દર શુક્રવારે બપોરે 1 થી 3 વાગ્યા વચ્ચે અલગ જગ્યા પૂરી પાડવામાં આવે.
નમાજ માટે વૈકલ્પિક જગ્યાનો પ્રસ્તાવ
સુનાવણી દરમિયાન કોર્ટે શુક્રવારની નમાજ ચાલુ રાખવાની મુસ્લિમ પક્ષની માંગ પર વચગાળાની વ્યવસ્થાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાને પૂછ્યું કે શું ભોજશાલા પરિસરની આસપાસ નમાજીઓ માટે કોઈ ખુલ્લી જગ્યા ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે. CJI સૂર્યકાંતે મુસ્લિમ પક્ષને પણ સવાલ કર્યો કે, "શું આપણે આસપાસના વિસ્તારમાં નમાજની વ્યવસ્થા કરવાનો આદેશ આપી શકીએ? જ્યાં સુધી આ મામલે અંતિમ ચુકાદો ન આવી જાય, ત્યાં સુધી આવી વચગાળાની વ્યવસ્થા કરી શકાય છે." ચીફ જસ્ટિસે આગળ જણાવ્યું કે, "અમે અગાઉ વસંત પંચમીના દિવસે પણ એક વચગાળાની વ્યવસ્થા કરી હતી અને બંને પક્ષોને પૂજા-અર્ચના કરવાની મંજૂરી આપી હતી. અમે એ આદેશ ત્યારે આપ્યો હતો જ્યારે મામલો અદાલતમાં વિચારાધીન હતો, પરંતુ હવે હાઈકોર્ટનો અંતિમ ચુકાદો આવી ચૂક્યો છે."
મુસ્લિમ પક્ષના વકીલ હુઝેફા અહમદીએ બેન્ચ સમક્ષ પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, શુક્રવારે થનારી નમાજ પર હવે સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમને હવે પરિસરથી સંપૂર્ણપણે બહાર કરી દેવાયા છે અને છેલ્લા 40 વર્ષથી જે નમાજ કોઈ પણ અવરોધ વિના ચાલી રહી હતી, તેના પર પણ અચાનક રોક લગાવી દેવામાં આવી છે. સુનાવણીની શરૂઆતમાં જ મુસ્લિમ પક્ષે સર્વોચ્ચ અદાલત સમક્ષ માંગ કરી છે કે પરિસરમાં છેલ્લા 40 વર્ષ જૂની સ્થિતિને ફરી યથાવત (Status Quo) રાખવામાં આવે. આ દલીલો સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ આ મામલે નોટિસ જાહેર કરશે અને આગળની સુનાવણી માટે એક તારીખ નક્કી કરવામાં આવશે.
હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલ
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એ આદેશ પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, જેમાં લંડન મ્યુઝિયમમાંથી દેવી સરસ્વતીની મૂર્તિ પાછી લાવવાની વાત કહેવામાં આવી હતી. બેન્ચમાં સામેલ જસ્ટિસ જોયમાલા બાગચીએ આ અંગે કડક વલણ અપનાવતા પૂછ્યું કે, "કોઈ બંધારણીય કોર્ટ (Constitutional Court) આ પ્રકારનો આદેશ કેવી રીતે આપી શકે?"