અમદાવાદ : અમદાવાદમાં 16 જુલાઇના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તૈયારીઓ આખરી તબક્કામાં છે. આ રથયાત્રા પૂર્વે છેલ્લા 36 વર્ષથી પહિંદ વિધી કરવામાં આવે છે. જેનું પણ ખાસ ધાર્મિક મહત્વ છે.
આ અંગે મળતી માહિતી મુજબ રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે અને જળ છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી જ કેમ કરાવે પહિંદ વિધિ
રથયાત્રા પહેલાં મંગળા આરતી થાય છે અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે પહિંદ વિધિ કરાવવામાં આવે છે. આ વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજ્યના રાજા એ જગન્નાથજીના પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં નગર યાત્રાને નીકળે છે. આ વિધિને અમદાવાદમાં પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે.
પહિંદ વિધિ કેવી રીતે કરાય છે
સવારની મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે. ત્યાર પછી સવારે રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરી અને જળ છાંટે છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.

કોણે કેટલી વખત કરાવી છે પહિંદ વિધિ
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીઓ કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી અને આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણી ને રથયાત્રાની પહિંદ વિધિ કરવાનો મોકો પ્રાપ્ત થયો છે. તેમજ હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ચાર વખત પહિંદ વિધી કરી છે. તેમજ આ વખતે પાંચમી વાર પહિંદ વિધી કરશે.

નરેદ્ર મોદીએ સૌથી વધુ 12 વખત પહિંદ વિધિ કરી
આ ઉપરાંત હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેદ્ર મોદીએ રથયાત્રામાં સૌથી વધુ 12 વખત પહિંદ વિધિ કરી હતી. કેશુભાઈ પટેલે પણ 5 વખત પહિંદ વિધિ કરી હતી.