નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન દિનેશ કાર્તિકનું એવું માનવું છે કે આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ સામે ભારતીય ટીમનો અનુક્રમે 0-2 અને 0-4થી જે રકાસ થયો એ મુદ્દે હેડ-કોચ ગૌતમ ગંભીર (Gambhir) અને ચીફ સિલેક્ટર અજિત આગરકર વચ્ચે તકરાર અને મત મતાંતરનો માહોલ જાણવા મળ્યો છે.
ભારતના ટીમ સિલેક્શન સંબંધમાં કાર્તિક (Karthik)એ એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલ પરના વિશ્લેષણમાં કહ્યું કે ટીમમાં યુવાન અને સિનિયર ખેલાડીઓને જે રીતે મૅનેજ કરવામાં આવ્યા એ બાબતમાં ગૌતમ ગંભીર અને સિલેક્શન કમિટી વચ્ચે મતભેદો સ્પષ્ટ જોવા મળ્યા છે.
શ્રેયસ ઐયરના નવા નેતૃત્વમાં તેમ જ ગંભીરના કોચિંગમાં યુરોપના બન્ને દેશમાં ટીમમાં ખેલાડીઓને અજમાવવાની બાબતમાં જે અભિગમ રાખવામાં આવ્યો એને પગલે કાર્તિકે ચૅનલને કહ્યું, `બન્ને વચ્ચે (ગંભીર-આગરકર વચ્ચે) તકરાર અને મતભેદ જોવા મળ્યા...ખાસ કરીને વૈભવ સૂર્યવંશી અને સંજુ સૅમસનના મુદ્દે.'
ટીમ મૅનેજમેન્ટમાં હેડ-કોચ, કૅપ્ટન તથા સિનિયર ખેલાડીઓને સમાવેશ હોય છે. કાર્તિકના મતે સૂર્યવંશી અને સૅમસનને લગતો મુદ્દે સરખી રીતે ન સંભાળવામાં આવ્યો. કાર્તિકે એવું પણ કહ્યું કે `પ્લેઇંગ ઇલેવનમાં વારંવાર ફેરફાર કરતાં પહેલાં ટીમ મૅનેજમેન્ટ સ્પષ્ટ યોજના જણાવવામાં નિષ્ફળ રહ્યું હતું. જો ટીમ મૅનેજમેન્ટ વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરાવવા માગતું જ હતું તો એણે આયરલૅન્ડમાં જ એવું કરવું જોઈતું હતું, ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ મૅચ બાદ એવું કરવામાં આવ્યું એ ખોટું થયું. વૈભવના ડેબ્યૂ માટે આયરલૅન્ડ જ સર્વશ્રેષ્ઠ સ્થળ હતું.'
કાર્તિકે એવું પણ કહ્યું કે `સિલેક્શનને લગતા નિર્ણયો લેવામાં જે મૂંઝવણ હતી એ પાછળ અગ્રતા આપવાની બાબતમાં ગંભીર-આગરકર વચ્ચે જે મતભેદો હતા એ એક કારણ હોઈ શકે. એવું લાગે છે કે ચીફ સિલેક્ટર અજિત આગરકરની નજર ભાવિ તરફ હોવાથી તે અમુક ખેલાડીઓને ટીમમાં જોવા માગે છે. જોકે ગંભીર હૉટ સીટ પર હોવાથી દરેક દ્વિપક્ષી શ્રેણી જીતવા માગે છે, કારણકે તેનો હોદ્દો જોખમમાં છે. એ જોતાં, આગળ કેવી રીતે વધવું એ બાબતમાં બન્ને વચ્ચે મત મતાંતર જોવા મળ્યા છે.'