Tue Jul 14 2026

Logo

બીમ માથા પર પડતાં કર્મચારીનું મૃત્યુ: કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો

2026-07-14 16:58:39
Author: Yogesh C. Patel
Article Image

થાણે: નિર્માણાધીન ઈમારત પરથી લોખંડનું બીમ માથા પર પડતાં કર્મચારીનું મૃત્યુ થયું હોવાની થાણે જિલ્લામાં બનેલી ઘટનામાં પોલીસે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. શિળ-ડાયઘર પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ ફિલિપ એન્ડ્રીસ ભેગરા (19) તરીકે થઈ હતી. ઝારખંડનો વતની ફિલિપ ખિડકાળી વિસ્તારમાં આવેલી ક્ધસ્ટ્રક્શન સાઈટ ખાતે જ રહેતો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર 11 જુલાઈની સાંજે કામ પતાવીને ફિલિપ સાઈટ નજીક પસાર થતો હતો ત્યારે ઊપલા માળ પરથી લોખંડનું બીમ તેના માથા પર પડ્યું હતું. ગંભીર ઇજાને કારણે ફિલિપનું મોત નીપજ્યું હતું. ફિલિપના કઝિને નોંધાવેલી ફરિયાદને આધારે શિળ-ડાયઘર પોલીસે બિલ્ડિંગના ક્ધસ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર  પ્રતીક પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 290 અને 106(1) હેઠળ ગુનો નોંધ્યો હતો.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે સાઈટ પર કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાનાં જરૂરી પગલાં લેવાયાં નહોતાં. કર્મચારીઓને સુરક્ષાનાં સાધનો પૂરાં પાડ્યા વિના જ તેમને કામ સોંપવામાં આવ્યું હતું. આ પ્રકરણે મંગળવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી. મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)