(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉપનગરમાં વસતા લાખો મુંબઈગરા ટ્રેનની ભીડમાં જાનના જોખમે અને કલાકો સુધી ટ્રાફિકમાં ઊભા રહીને માનસિક અને શારિરીક રીતે થકવી નાખનારો પ્રવાસ કરીને દક્ષિણ મુંબઈમાં પોતાના કામના સ્થળે પહોંચતા હોય છે ત્યારે મુંબઈના ડેપ્યુટી મેયર સંજય ઘાડી દહિસરથી વાહનમાં મુંબઈ મહાનગરપાલિકાના ફોર્ટમાં આવેલા મુખ્યાલયમાં આવતા સમયે લાગતા ટ્રાફિકથી શારિરીક-માનસિક રીતે કંટાળીને પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેને પત્ર લખીને મુંબઈમાં ઘર આપવાની માગણી કરી છે.
ડેપ્યુટી મેયર સંજય ઘડીએ લખેલા પત્રમાં કહ્યું છે કે દહિસરથી મુંબઈ શહેર પહોંચતી વખતે તેમને થતા ટ્રાફિક જામના કારણે તેઓ માનસિક અને શારીરિક તકલીફથી પીડાઈ રહ્યા છે. મળેલ માહિતી મુજબ સંજય ઘાડી ભાયખલામાં આવેલા રાણી બાગ વિસ્તારમાં એડિશનલ કમિશનરનો ખાલી બંગલો રહેવા માટે માગી રહ્યાં છે. તેના પર શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ છે.
સંજય ઘાડીએ પત્રમાં કહ્યું છે કે ટ્રાફિક જૅમમાં સમય બરબાર થાય છે. રોજિંદા કામ માટે પાલિકા મુખ્યાલયમાં બેઠકો, નગરસેવકોની બેઠકો, ડેપ્યુટી મેયરની ઓફિસમાં આવતા નાગરિકો, વહીવટી અધિકારીઓની બેઠકો અને વહીવટી કાર્યક્રમોમાં હાજરી આપવી જરૂરી છે. પરંતુ હું દહિસર પૂર્વમાં રહું છું, તેથી ટ્રાફિક જૅમને કારણે દરરોજ વાહન દ્વારા દહિસરથી મુંબઈ મ્યુનિસિપલ હેડક્વાર્ટર જવા માટે ઘણો સમય બગાડું છું, તેને કારણે સમયસર મ્યુનિસિપલ હેડક્વાર્ટર પહોંચવું શક્ય નથી. તેથી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન એડિશનલ કમિશનર ડો. અશ્ર્વિની જોશીની બદલીને કારણે ખાલી પડેલા રાણી બાગ વિસ્તારમાં આવેલા બંગલાને રહેવા માટે ઉપલબ્ધ કરાવવો જોઈએ.
મુંબઈના મેયરનો બંગલો ભાયખલામાં રાણીબાગમાં આવેલો છે. આ બંગલાની બાજુમાં પાલિકાના એડિશનલ કમિશનરનું સર્વિસ નિવાસસ્થાન ધરાવતો બંગલો છે. ડેપ્યુટી મેયર સંજય ઘડી આ બંગલો માટે પ્રયાસ કરી રહ્યા છે. અશ્ર્વિની જોશીની ટ્રાન્સફર બાદ તેમને સ્થાને પ્રાજક્તા વર્મા-લવાંગરે આવ્યા છે. હાલમાં તેઓ મલબાર હિલમાં કેન્દ્ર સરકારના નિવાસસ્થાનમાં રહે છે. તેમણે આ નિવાસસ્થાન ખાલી કરવું પડશે. રાજ્ય સરકારે બોમ્બે હોસ્પિટલની પાછળ આઈએએસ અધિકારીઓ માટે રહેઠાણો પૂરા પાડ્યા છે, અને એડિશનલ કમિશનર લવંગરે ત્યાં રહેઠાણ મેળવી શકે છે.