જૂનાગઢ: શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી મંદિર નજીક એક આધેડની કરપીણ હત્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. 13 જુલાઈની મોડી રાત્રે અજાણ્યા ત્રણ શખ્સોએ 45 વર્ષીય ભરતભાઈ જીવાભાઈ મકવાણા પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ભરતભાઈને લાકડીઓ વડે માર મારી અને ધારદાર છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ તુરંત સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ શરૂ કરી હતી.
મળતી વિગતો અનુસાર, મૃતક ભરતભાઈ મૂળ ઈશ્વરિયા ગામના વતની હતા અને છેલ્લા સાતેક વર્ષથી ભવનાથમાં એકલા રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ હત્યાના બનાવની જાણ પરિવારને મોડી રાત્રે પોલીસ દ્વારા કરાયા બાદ સવારે પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. ભરતભાઈના શરીર પર ઈજાઓના સ્પષ્ટ નિશાન અને અનેક છરીના ઘા જોઈને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. આ સમગ્ર મામલે પંથકમાં ભય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.
પરિવારજનોએ હત્યારાઓને ઝડપી પાડીને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી છે. પોલીસની તપાસમાં અત્યાર સુધી 3 શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે, જેની હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરી રહી છે, જેથી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય.