Tue Jul 14 2026

Logo

ઈન્સ્યોરન્સ પૉલિસી હોલ્ડર્સને છેતરનારાં ત્રણ કૉલ સેન્ટરનો પર્દાફાશ: 12ની ધરપકડ

2026-07-14 19:27:54
Author: Yogesh D. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ખાનગી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીના પ્રતિનિધિના સ્વાંગમાં પૉલિસી હોલ્ડર્સને છેતરી નાણાં પડાવનારા મુંબઈનાં ત્રણ બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી પોલીસે 12 આરોપીની ધરપકડ કરી હતી. મુંબઈના ગોવંડી વિસ્તારમાં રહેતા ફરિયાદીએ ગયા મહિને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ફરિયાદીએ ખાનગી કંપની પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી લીધી હતી. આ કંપનીના પ્રતિનિધિના સ્વાંગમાં ઠગે ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો અને દોઢ લાખ રૂપિયાનું નો-ક્લેમ બોનસ આપવામાં આવતું હોવાનું કહ્યું હતું. જોકે આ માટે અમુક પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, એવું જણાવ્યું હતું.

વાતોમાં ભોળવી ઠગે ફરિયાદી પાસેથી તેના ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી લીધી હતી. પછી વિવિધ કારણો રજૂ કરી 3.43 લાખ રૂપિયા એક બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ પ્રકરણે ગોવંડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ગોવંડી પોલીસની સાયબર ટીમે કુર્લા પશ્ર્ચિમમાં કોહિનૂર સિટી મૉલમાં ધમધમતા બોગસ કૉલ સેન્ટરને ટ્રેસ કર્યું હતું. પોલીસે કુર્લાના કૉલ સેન્ટરમાં રેઇડ કરી છ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી અનેક ક્રેડિટ કાર્ડ અને બૅન્ક ખાતાને લગતી વિગતો મળી આવી હતી.

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં અન્ય બે કૉલ સેન્ટરની માહિતી સામે આવી હતી, જેમાંથી એક એ જ મૉલમાં અને બીજું ઘાટકોપરના અસલ્ફા વિલેજમાં હોવાનું જણાયું હતું. આ બન્ને બોગસ કૉલ સેન્ટર પર કાર્યવાહી કરી પોલીસે વધુ છ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ છેતરાયેલા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડની વિગતોની મદદથી સોનાના સિક્કા અને અન્ય કીમતી વસ્તુઓ પણ ઑનલાઈન ખરીદતા હતા.

આ ઑપરેશનમાં પોલીસે કુલ 12 આરોપીની ધરપકડ સાથે 29 કમ્પ્યુટર, પાંચ લૅપટોપ, 15 મોબાઈલ ફોન, ત્રણ રાઉટર્સ, 15 સિમ કાર્ડ અને 28.05 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. પોલીસને શંકા છે કે આરોપીઓએ અન્ય રાજ્યના પૉલિસી ધારકોને પણ આ રીતે ટાર્ગેટ કર્યા હશે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.