મુંબઈઃ બોલિવૂડના સેલેબ્સ હવે પ્રોપર્ટીની ખરીદીમાં વધુ પડતો રસ દાખવી રહ્યા છે. અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, કૃતિ સેનન અને હવે રણબીર કપૂર આ યાદીમાં જોડાઈ ગયા છે. આ એવા સેલેબ્સ છે જેની કરોડોની સંપત્તિ રીયલ એસ્ટેટમાં છે. એવામાં હવે રણબીર કપૂરે પૂણામાં એક પ્રાઈમ ગણાતા રીયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે. ફિલ્મોની સાથે રણબીર કપૂર હવે રીયલ એસ્ટેટમાં પણ રોકાણ કરી મસમોટી રકમ આપી રહ્યો છે.
પુણેના ક્યા પ્રોજેક્ટમાં પ્રોપર્ટી?
અયોધ્યામાં રોકાણ કર્યા બાદ હવે રણબીરે પૂણે શહેરના એક પ્રાઈમ ગણાતા પ્રોજેક્ટમાં પૈસા રોકવા નિર્ણય કર્યો છે. આ પ્રાઈમ પ્રોજેક્ટની કિંમત કરોડો રૂપિયામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના એક દસ્તાવેજ અનુસાર હવે પૂણેના મુલશી તાલુકામાં આકાર લેનારા એક પ્રોજેક્ટમાં તેણે રોકાણ કર્યું છે. 25 એકરની જમીન ખરીદી હોવાના અહેવાલ છે.
આ જમીનની કિંમત 16.42 કરોડ હોવાનું માનવામાં આવે છે. રણબીર કપૂરે પીંપરી ગામે આ જમીન ખરીદી છે. 43,800 વર્ગ મીટરનો આ પ્લોટ છે. જેની કિંમત 7.07 કરોડ છે. આ સિવાય 29,900 વર્ગ મીટરનો પ્લોટ 4.62 કરોડ, 21,400 વર્ગ મીટરનો પ્લોટ 3.31 કરોડ અને 8900 વર્ગ મીટરનો સૌથી નાનો પ્લોટ 1.39 કરોડમાં ખરીદ્યો છે.

કુલ કેટલી રકમ રોકી?
કાર્તિક આર્યન, વિરાટ કોહલી, અનુષ્કા શર્મા અને સુનીલ શેટ્ટી જેવી કલાકારો દેશના જુદા-જુદા ભાગમાં પ્રાઈમ લોકેશન ગણાતા વિસ્તારમાં રોકાણ કરી રહ્યા છે. જ્યારે શિલ્પા શેટ્ટી અને હુમા કુરૈશી જેવી સ્ટાર એક્ટ્રેસે હોટેલ-રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રીમાં રોકાણ કર્યું છે. રણબીરે ખરીદેલી જમીન પુણેમાં છે, જે એવું દર્શાવે છે કે હવે કલાકારો મુંબઈ સિવાયના શહેરમાં પ્રાઈમ લોકેશનમાં જમીન ખરીદી કરવામાં રસ દાખવી રહ્યા છે.
આ હવે ટ્રેન્ડ બની રહ્યો છે. મુંબઈના અલીબાગ, લોનાવલા, પુણે તથા ગોવા જેવા લોકેશન પર પ્રાઈમ લોકેશનમાં કલાકારોનું મોટું રોકાણ હોવાનું પણ જાણવા મળે છે. રણબીર કપૂરે ખરીદેલી ચારેય જમીનનો 1,04,000 વર્ગ મીટર એટલે કે, 27.7 એકર જમીન થાય છે. જેની કુલ કિંમત 16.42 કરોડ થાય છે. કલાકારે આ જમીનની ખરીદી પર 82.13ની સ્ટેમ્પ ડ્યૂટી પણ ભરી દીધી છે.

અયોધ્યામાં રોકાણ
આ સિવાય રણબીર કપૂરે સરયું નદીના કિનારે આકાર લેનારા એક પ્રોજેક્ટમાં પૈસા રોકી દીધા છે. આ પ્રોજેક્ટ આવનારા બેથી ત્રણ વર્ષમાં પૂરો થશે. આ પછી તે ત્યાં પરિવાર સાથે આવે એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો રણબીર કપૂરની નવી ફિલ્મ રામાયણ આવી રહી છે, જે દિવાળીના દિવસોમાં રિલીઝ થવાની છે.
પત્ની આલિયા ભટ્ટની સ્પાય યુનિવર્સમાં એન્ટ્રી થઈ ચૂકી છે. તેની ફિલ્મ આલ્ફા બોક્સઓફિસ પર ઠીકઠાક ચાલી પણ ફેન્સને ફિલ્મનો કન્સેપ્ટ ખૂબ પસંદ પડ્યો છે. આ ફિલ્મ માટે આલિયાએ પણ દમદાર મહેનત કરી છે. જેને સ્ક્રિન પર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.