Tue Jul 14 2026

Logo

શહજાદ ભટ્ટી પ્રકરણમાં પુણેમાં એટીએસના દરોડા: 66 શકમંદને તાબામાં લઈ પૂછપરછ

2026-07-14 18:47:20
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
પાકિસ્તાની ગૅન્ગસ્ટર શહજાદ ભટ્ટી અને તેના સાથીઓના સંપર્કમાં રહેલા પુણેના યુવાનો પર મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) ફરી ત્રાટકી હતી. પુણે શહેર, પુણે ગ્રામીણ અને પિંપરી-ચિંચવડમાંથી 66 શકમંદને પૂછપરછ માટે તાબામાં લેવાયા હતા.

ભારતીય યુવાનોને દેશવિરોધી પ્રવૃત્તિ માટે ઉશ્કેરવા સોશિયલ મીડિયાના માધ્યમથી જાળ ફેલાવનારા શહજાદ ભટ્ટી મામલે એટીએસ તપાસ કરી રહી છે. મોટા ભાગે ગરીબ અને બેરોજગાર યુવાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાની માહિતી પરથી એટીએસે કાર્યવાહી કરી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ મંગળવારની સવારે સાત વાગ્યાની આસપાસ પુણે શહેર, પુણે ગ્રામીણ અને પિંપરી-ચિંચવડ પોલીસની મદદથી માહિતી ભેગી કરી 66 ઘર પર એકસાથે રેઇડ કરવામાં આવી હતી. શહજાદ ભટ્ટી અને તેના સાથીઓ આબિદ જાટ ઉર્ફે આબિદ છલ, અજમલ ગુજર, હમ્માદ મેમણ, રાણા હુસેન અને અશરફ બશીર આલમના સંપર્કમાં રહેતા 66 શકમંદને તાબામાં લેવાયા હતા.

પકડાયેલા શકમંદો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને વૉટ્સઍપના માધ્યમથી પાકિસ્તાની ગૅન્ગસ્ટરના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. શકમંદોની સોશિયલ મીડિયા ઍક્ટિવિટી પર નજર રાખ્યા પછી તેમને તાબામાં લેવાયા હતા.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે એટીએસના 14 યુનિટના અધિકારીઓની 58 ટીમે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી 102 શકમંદને તાબામાં લીધા હતા. આ શકમંદો પણ શહજાદ ભટ્ટીના સંપર્કમાં હતા.