Tue Jul 14 2026

Logo

અમદાવાદ કોર્ટે ગૌમાંસ રાખવા બદલ વટવાના આરોપીને 8 વર્ષની સજા કરી

2026-07-14 18:20:44
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ શહેરના વટવા વિસ્તારમાં પોતાના ઘરે ગેરકાયદે ગૌમાંસ રાખવા અને સંગ્રહ કરવા બદલ શહેરની એક કોર્ટે એક વ્યક્તિને આઠ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જોકે, આરોપીની પત્ની અને જમાઈ વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળતાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 

આ ચુકાદો સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. કોર્ટે  અંસાર કુરેશીને દોષિત ઠેરવ્યો હતો. વટવાના સરતાજનગરમાં તેના ઘરની બહાર ચાલતી દુકાનમાંથી પોલીસે 2021 માં દરોડા દરમિયાન લગભગ 12 કિલો ગૌમાંસ જપ્ત કર્યું હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, વટવા પોલીસે દરોડા દરમિયાન રેફ્રિજરેટરમાંથી શંકાસ્પદ માંસ જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા નમૂનાઓને બાદમાં ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં એફએસએલ-ડીએનએ પ્રોફાઇલિંગમાં માંસ ગાયનું હોવાના પુરાવા મળ્યા હતા. 

ફરિયાદ પક્ષની દલીલો સ્વીકારીને, કોર્ટે અંસાર કુરેશીને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ (ગાય સંરક્ષણ અધિનિયમ) ની જોગવાઈઓ હેઠળ દોષિત ઠેરવ્યો અને 2 લાખ રૂપિયાના દંડ સાથે આઠ વર્ષની કેદની સજા ફટકારી હતી. કોર્ટે પુરાવાના અભાવે તેની પત્ની બરકાતુન્નિશા અને જમાઈ સદ્દામને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.