શું તમે પણ નવો સ્માર્ટફોન ખરીદવા માટે ઓનલાઇન સેલની રાહ જુઓ છો? ઈ-કોમર્સ સાઇટ્સ પર મળતા મોટા ડિસ્કાઉન્ટ જોઈને આપણે ઘણીવાર ફોન ખરીદી લઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે સેલ દરમિયાન મળતી આ 'ઓફર' ખરેખર ફાયદાકારક છે કે નહીં? તાજેતરના એક અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા થયા છે જે તમારે જાણવા જોઈએ.
મોટાભાગના ગ્રાહકો સેલ દરમિયાન એમઆરપી અને 'ઓફર પ્રાઇસ'ની સરખામણી કરે છે, જે ખોટી રીત છે. સાચી સરખામણી ફોનની લોન્ચ પ્રાઇસ એટલે કે શરૂઆતની કિંમત સાથે થવી જોઈએ. હાલમાં જ સામે આવેલા એક રિપોર્ટ મુજબ, જૂન 2026 સુધીમાં 68 ટકા સ્માર્ટફોન એવા હતા જે સેલ શરૂ થાય તે પહેલાં જ પોતાની લોન્ચ કિંમત કરતા વધુ ભાવે વેચાઈ રહ્યા હતા. સેલ પૂરો થયા પછી પણ મોટાભાગના ફોનની કિંમત લોન્ચ પ્રાઇસ કરતા વધારે રહી હતી.
2026માં ગ્લોબલ મેમરી ચિપ અને સ્ટોરેજ કમ્પોનન્ટ્સની અછતને કારણે તેની કિંમતોમાં વધારો થયો છે. ખાસ કરીને એઆઈ ડેટા સેન્ટર્સની માંગ વધવાથી સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ મોંઘું બન્યું છે. કંપનીઓ સેલ પહેલાં ફોનની કિંમતો વધારી દે છે અને સેલ દરમિયાન થોડું ડિસ્કાઉન્ટ આપીને તેને 'મોટી બચત' તરીકે દર્શાવે છે, જે ગ્રાહકોને છેતરી શકે છે.
ખરીદી કરતી વખતે રાખો આટલી સાવધાની:
૧. લોન્ચ પ્રાઇસ ચેક કરો: માત્ર એમઆરપી કે ડિસ્કાઉન્ટ પર્સન્ટેજ જોઈને લલચાવું નહીં. ફોનની ઓરિજિનલ લોન્ચ કિંમત સાથે અત્યારની કિંમત સરખાવો.
૨. પ્રાઇસ હિસ્ટ્રી તપાસો: ઓનલાઇન સાઇટ્સ પર ફોનની જૂની કિંમતોની હિસ્ટ્રી ચેક કરતા ટૂલ્સનો ઉપયોગ કરો.
૩. શરતો વાંચો: બેંક ઓફર્સ અને ઈએમઆઈની શરતો ખાસ ધ્યાનથી વાંચો, કારણ કે ઘણીવાર વધારાના ચાર્જીસને કારણે ફોન મોંઘો પડે છે.
ટૂંકમાં કહેવાનું થાય તો ઓનલાઇન સેલમાં દેખાતી ચમકતી ઓફરો પાછળનું ગણિત સમજવું જરૂરી છે. બ્રાન્ડ્સ ઘણીવાર ભાવ વધારીને ડિસ્કાઉન્ટ આપે છે, તેથી જાગૃત ગ્રાહક બનીને જ ખરીદી કરવી હિતાવહ છે.