Tue Jul 14 2026

Logo

શું ભૂખ હડતાળ દરમિયાન મૃત્યુ થવા પર સરકાર વળતર આપવા બંધાયેલી છે? જાણો શું કહે છે કાયદો...

2026-07-14 17:26:57
Author: Darshana Visaria
Article Image

Gemini AI generated image


ભારતમાં સરકારી નીતિઓ અને જાહેર મુદ્દાઓ પર ધ્યાન દોરવા માટે શાંતિપૂર્ણ વિરોધના સાધન તરીકે 'ભૂખ હડતાળ'નો ઉપયોગ લાંબા સમયથી થતો આવ્યો છે. હાલમાં સોનમ વાંગચૂક દ્વારા કરાયેલા અનશન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આવી પરિસ્થિતિમાં લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે, શું ભૂખ હડતાળ દરમિયાન કોઈનું મૃત્યુ થાય તો સરકાર વળતર આપવા માટે કાયદાકીય રીતે બંધાયેલી છે?

શું વળતર આપવું કાયદાકીય રીતે ફરજિયાત છે?

ભારતીય કાયદામાં એવી કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી કે જે મુજબ ભૂખ હડતાળ દરમિયાન મૃત્યુ થવા પર સરકાર વળતર ચૂકવવા માટે કાયદાકીય રીતે જવાબદાર હોય. ભૂખ હડતાળ એ વ્યક્તિની સ્વેચ્છાએ કરવામાં આવતી પ્રવૃત્તિ હોવાથી, માત્ર વિરોધ દરમિયાન મૃત્યુ થવાને કારણે વળતર આપવાની કોઈ કાનૂની ફરજ ઊભી થતી નથી.

ખાસ સંજોગોમાં વળતરની શક્યતા:

જોકે કોઈ કાનૂની બંધન નથી, છતાં સરકાર ખાસ કિસ્સાઓમાં માનવીય અભિગમ અપનાવી શકે છે. જો મુદ્દો અત્યંત ગંભીર હોય અને લોકોમાં ભારે જન આક્રોશ કે સમર્થન હોય, તો રાજકીય કે માનવીય આધારો પર સરકાર 'એક્સ-ગ્રેશિયા' તરીકે આર્થિક સહાય જાહેર કરી શકે છે. આવી સહાય સામાન્ય રીતે મુખ્યમંત્રી અથવા પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી આપવામાં આવે છે.

સમાધાનનો ભાગ:

કેટલીકવાર પ્રદર્શનકારીઓ અને વહીવટીતંત્ર વચ્ચે થતી વાટાઘાટો દરમિયાન કોઈ સમજૂતી થાય છે. આવા કિસ્સામાં, સરકાર આર્થિક સહાય અથવા પરિવારના કોઈ સભ્યને નોકરી જેવી સુવિધાઓ આપવાનું વચન આપી શકે છે. આ સંપૂર્ણપણે પરસ્પર સમજૂતીનો વિષય છે, ન કે કોઈ કાયદાકીય અધિકાર.

ભૂખ હડતાળ અંગે કાયદો શું કહે છે?

બંધારણ શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર આપે છે, પરંતુ નાગરિકોના જીવનું રક્ષણ કરવું એ વહીવટીતંત્રની જવાબદારી છે. જો ભૂખ હડતાળ કરનાર વ્યક્તિની તબિયત ગંભીર રીતે બગડે, તો તંત્ર દખલગીરી કરી શકે છે અને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની કાર્યવાહી કરી શકે છે.