ગાંધીનગર: ગુજરાતનું પાટનગર એસટી બસ, રેલવે સહિતની જાહેર પરિવહન સુવિધાઓથી જોડાઈ ગયા બાદ મેટ્રો જેવા આધુનિક જાહેર પરિવહનની સુવિધાઓથી જોડાઈ ગયું છે. તાજેતરમાં જ ગાંધીનગરમાં ઇ-બસ સેવાની શરૂઆત કરવામાં આવી હતી. જેનો લાભ પાટનગરમાં વસતા હજારો લોકોને મળતો થયો છે. ઇ-બસ સેવાની શરૂઆત કરાયાના માત્ર એક જ પખવાડિયામાં કુલ 1,53,509 મુસાફરોએ આ સેવાનો લાભ લીધો હતો. એટલે કે રોજ સરેરાશ 10 હજાર કરતાં પણ વધુ મુસાફરોએ આ બસોમાં મુસાફરી કરી છે.
આ આંકડાઓ પરથી એ વાત સ્પષ્ટ થઈ આવે છે કે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવીન સેવા શહેરમાં અને શહેરની આજુબાજુના વિસ્તારોમાં વસતા લોકો માટે ખૂબ જ ઉપયોગી નીવડી છે. આમ પણ ગાંધીનગર હરિયાળા પાટનગરની છાપ છે જ તો બીજી તરફ તેને સૌથી હરિયાળી લોકસભા બનાવવા તરફ પણ પ્રયાસ કરવામા આવી રહ્યા છે. આ સમયે સ્થાનિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે આ સરળ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇઝ ઓફ લીવીંગમાં સુધારો કરી રહ્યું છે.
જ્યારે આ સેવા શરૂ કરવામાં આવી ત્યારે સાવ નવી જ સેવા હોવાથી થોડો મોળો પ્રતિસાદ મળ્યો હતો. બસ સેવા શરૂ થયાના પહેલા દિવસે માત્ર 6120 મુસાફરો નોંધાયા હતા. પરંતુ હવે ધીમે ધીમે લોકોઆ સેવા સાથે જોડાઈ રહ્યા છે અને આથી જ ટેમાં લોકોનો ધસારો સતત વધતો રહ્યો. ત્યારે 11 જુલાઈના રોજ રેકોર્ડબ્રેક 13,615 મુસાફરોએ એક જ દિવસમાં મુસાફરી કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 28 જૂનથી શરૂ કરવામાં આવેલી નવી બસ સેવા સ્થાનિક મુસાફરો અને અપ-ડાઉન કરતા નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. ગાંધીનગરના જુદા જુદા સેક્ટરમાં આવવા જવા માટે ખાનગી વાહનો કે ઓટોરિક્ષામાં સહિતનો જ વિકલ્પ રહેતો હતો અને તે ખર્ચાળ પણ સાબિત થતો હતો. તેની સામે ખૂબ જ રાહત દરનું ઈ-બસોનું ભાડું લોકોને ફાયદો આપનારું છે.
કયા કયા વિસ્તારોને જોડશે?
લોકોને આ સેવાનો વધુને વધુ લાભ મળી રહે તે માટે સરગાસણ ચોકડી, પથિકાશ્રમ ટર્મિનલ અને સચિવાલય જેવા મહત્વના કેન્દ્રોથી લઈને આસપાસના ગ્રામ્ય, શૈક્ષણિક અને ઔદ્યોગિક વિસ્તારો જેવા કે કલોલ, કડી, દહેગામ, ચિલોડા અને ચાંદખેડા સુધી સીધી કનેક્ટિવિટી આ બસોથી આપવામાં આવી છે. આ ઉપરાંત IIT ગાંધીનગર અને PDEU જેવા એજ્યુકેશન હબ સીધા જોડાતા વિદ્યાર્થીઓને પણ આ સેવાનો લાભ મળી રહ્યો છે.