Tue Jul 14 2026

Logo

આરોગ્ય વીમામાં કઈ કઈ આધુનિક સારવાર આવરી લેવામાં આવી છે?

2026-07-14 09:18:00
Author: Nisha Sanghvi
Article Image


  

નિશા સંઘવી


કલ્પના કરો કે તમારી માતાને છાતીમાં તકલીફ થતાં તમે તેમને તપાસ માટે લઈ જાઓ છો. ડૉક્ટર કહે છે કે હૃદયમાં થોડા બ્લૉકેજ છે અને તાત્કાલિક સારવાર જરૂરી છે. ઓપન સર્જરી, લાંબું હૉસ્પિટલાઇઝેશન અને ધીમી રિકવરીના વિચારથી ચિંતા થાય એ સ્વાભાવિક છે. ત્યારે ડૉક્ટર રોબોટિક સર્જરીનો વિકલ્પ સૂચવે છે. નાના ચીરા, વધુ ચોકસાઈ અને ઝડપી રિકવરી. એકમાત્ર મુશ્કેલી એ કે તેનો ખર્ચ પરંપરાગત સર્જરી કરતાં ઘણો વધારે હોય છે. અહીં જ વ્યાપક આરોગ્ય વીમો કામ આવે છે, કારણ કે વીમાની રકમ સુધીનો સંપૂર્ણ ખર્ચ પૉલિસી હેઠળ આવરી લેવાય છે.


આધુનિક સારવાર એટલે શું?

આરોગ્ય વીમામાં આધુનિક સારવાર એટલે એવી પ્રક્રિયાઓ જેમાં અત્યાધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ થાય છે અને જે એક સમયે અસાધ્ય ગણાતા રોગોની સારવાર શક્ય બનાવે છે. આ પ્રક્રિયાઓ મોટાભાગે મિનિમલી ઇન્વેસિવ હોય છે, એટલે કે શરીર પર ઓછો ઘસારો પડે છે અને દર્દી પરંપરાગત ઓપન સર્જરી કરતાં ઝડપથી સાજો થાય છે. પરિણામ વધુ સારાં મળે છે, પરંતુ અદ્યતન ટેક્નૉલૉજીના કારણે ખર્ચ ઊંચો રહે છે.


શું આરોગ્ય વીમામાં આવી સારવાર આવરી લેવામાં આવી છે?

હા. વર્ષ 2019માં વીમા નિયમનકાર IRDAIએ તમામ વીમા કંપનીઓને ‘મોડર્ન ટ્રીટમેન્ટ બેનિફિટ’ હેઠળ 12 આધુનિક સારવારો ફરજિયાત આવરી લેવાનો નિર્દેશ આપ્યો. આ પહેલાં ઘણી કંપનીઓ આવી પ્રક્રિયાઓને ‘પ્રાયોગિક’ ગણાવીને ક્લેમ નકારતી હતી. હવે હોસ્પિટલાઇઝેશન, પ્રી અને પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન, ડે-કેર પ્રક્રિયાઓ અને ડોમિસિલિયરી (ઘરે થતી) સારવારના ખર્ચ પોલિસી હેઠળ આવરી લેવાય છે.


IRDAI મુજબ આવરી લેવાતી 12 આધુનિક સારવાર

1. રોબોટિક સર્જરી 
2. સ્ટેમ સેલ થેરાપી 
3. ઇમ્યુનોથેરાપી
4. ઓરલ કીમોથેરાપી (ગોળી સ્વરૂપે કેન્સરની દવા) 
5. ઇન્ટ્રા વિટ્રિયલ ઇન્જેક્શન (આંખની રેટિના સંબંધિત સારવાર) 
6. ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન
7. સ્ટીરિયોટેક્ટિક રેડિયો સર્જરી 
8. બ્રોન્કિયલ થર્મોપ્લાસ્ટી (ગંભીર અસ્થમાની સારવાર)
9. ઇન્ટ્રા ઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ (IONM)
10...યુટેરાઇન આર્ટરી એમ્બોલાઇઝેશન અને HIFU 
11. બલૂન સાઇનુપ્લાસ્ટી 
12. વેપોરાઇઝેશન ઓફ ધ પ્રોસ્ટેટ


ક્લેમ કરતાં પહેલાં આટલી વાત  ધ્યાનમાં રાખો...

સબ-લિમિટ

કવરેજ ફરજિયાત હોવા છતાં ઘણી કંપનીઓ ચોક્કસ સારવાર માટે મર્યાદા રાખે છે. કેટલીક પૉલિસી સંપૂર્ણ વીમા રકમ સુધી કવર આપે છે, જ્યારે અન્ય વીમા રકમના 25 ટકા કે 50 ટકા સુધી જ ચૂકવે છે. બાકીની રકમ પૉલિસીધારકે ખિસ્સામાંથી ભરવી પડે છે. ઉદાહરણ તરીકે, કેટલીક કંપની રોબોટિક સર્જરીના બિલમાં માત્ર ‘રોબોટિક’ હિસ્સા માટે નિશ્ર્ચિત મર્યાદા સુધી જ ચુકવણી કરે છે અને બાકીનું બિલ પરંપરાગત સર્જરીના દરે ગણે છે. તેથી પૉલિસી ખરીદતાં પહેલાં સબ-લિમિટ ઓછી હોય કે બિલકુલ ન હોય તેવો વિકલ્પ પસંદ કરવો હિતાવહ છે.


વેઇટિંગ પિરિયડ

દરેક પૉલિસીમાં શરૂઆતના 30 દિવસનો પ્રારંભિક વેઇટિંગ પિરિયડ હોય છે, જે દરમિયાન ક્લેમ થઈ શકતો નથી. પહેલેથી હાજર બીમારી (પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ) માટે વીમા કંપની પ્રમાણે 1થી 3 વર્ષનો વેઇટિંગ પિરિયડ લાગુ પડે છે. આધુનિક સારવાર માટે અલગ વેઇટિંગ પિરિયડ સામાન્ય રીતે નથી, છતાં પૉલિસી દસ્તાવેજ ચકાસવો જરૂરી છે.

તબીબી જરૂરિયાત

આ સારવારો ત્યારે જ કવર થાય જ્યારે માન્ય ડૉક્ટરે લેખિતમાં તે તબીબી રીતે જરૂરી હોવાનું પ્રિસ્ક્રિપ્શન આપ્યું હોય. પ્રિસ્ક્રિપ્શન વિના વીમા કંપની ક્લેમ નકારી શકે છે.


નિયમ - શરત

કો-પેમેન્ટ, રૂમ રેન્ટની મર્યાદા અને અન્ય બાકાત બાબતો (એક્સક્લુઝન) પૉલિસી દસ્તાવેજમાં કાળજીપૂર્વક વાંચો.


નિષ્કર્ષ   

વિજ્ઞાન અને ટેક્નૉલૉજીની પ્રગતિથી આજે એવા રોગોની સારવાર શક્ય બની છે જે વર્ષો પહેલાં અશક્ય હતી. આ સારવારો મોંઘી જરૂર છે, પરંતુ IRDAIના નિયમોના કારણે આરોગ્ય વીમામાં આવરી લેવાય છે. તેથી પૂરતી વીમા રકમ સાથેનો વ્યાપક આરોગ્ય વીમો દરેક પરિવાર માટે અનિવાર્ય છે. વધારાની સુરક્ષા માટે ક્રિટિકલ ઇલનેસ કવર, હૉસ્પિટલ ડેઇલી કૅશ અને OPD કવર જેવા એડ-ઑન વિકલ્પો પણ વિચારી શકાય. પૉલિસી ખરીદતી વખતે માત્ર પ્રીમિયમ નહીં, પણ સબ-લિમિટ, વેઇટિંગ પિરિયડ અને શરતોની સરખામણી કરીને નિર્ણય લેવો  જેથી જરૂરિયાતના સમયે આધુનિક સારવારનો લાભ કોઈ આર્થિક બોજ વિના મળી શકે.