Tue Jul 14 2026

Logo

સ્વાસ્થ્ય સુધાઃ ચોમાસામાં કારેલાં ખાવાની મજા માણવી જ જોઈએ

2026-07-14 09:40:00
Author: Srilekha Yagnik
Article Image

 

શ્રીલેખા યાજ્ઞિક

મહારાષ્ટ્રમાં ચોમાસું જામી ગયું છે. આ વરસાદી મોસમમાં ઘરે...ઘરે અઠવાડિયામાં એક વખત તો કારેલાંનું વિવિધ રીતે શાક બનાવીને ખાવામાં આવતું હોય છે. વળી તેની સાથે બાળ ગીત પણ અચૂક ગવાતું હોય છે. જેને સાંભળીને બાળકોને અચૂક મજા પડી જતી હોય છે. આવ રે વરસાદ... ઘેબરિયો પરસાદ... ઊની ઊની રોટલીને કારેલાંનું શાક. કેમ ખરી વાત ને. કારેલાં ભાવે તેમને વરસતાં વરસાદમાં ગરમાગરમ કારેલાંનું શાક તથા ઊની ઊની ઘી લગાવેલી રોટલી ખાવાનો આનંદ અનહદ આવે છે. કારેલાં સ્વાદમાં કડવાં હોય છે, તેમ છતાં સ્વાસ્થ્ય માટે તે ગુણકારી ગણાય છે. 

સામાન્ય રીતે કારેલાં જેમને ના ભાવતાં હોય તેમના ભાણામાં પીરસવામાં આવે તેની સાથે ચહેરાના હાવભાવ બદલાઈ જતા હોય છે. અન્ય લોકો તેમનો ચહેરો જોઈને બે ઘડી આનંદ માણી લેતાં હોય છે. સમજુ હોય તેઓ ‘મને ક મને’ તે ખાઈ લેતા હોય છે. આયુર્વેદમાં ખાસ માહિતી મળે છે કે કારેલાં ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન ગણાય છે.

કારેલાંની છાલનો રસ વિવિધ રોગમાં લાભદાયક ગણાય છે. જેવી કે પાચનતંત્રમાં ખરાબી, લોહીને શુદ્ધ બનાવવા, સાંધાના દુખાવો, ભૂખ ઘટવી, પેટમાં ગરબડ હોય કે શ્વાસની તકલીફ, કફની તકલીફમાં ગુણકારી ગણાય છે. એવી પણ માન્યતા છે કે કારેલાં સ્વાદમાં ભલે કડવાં હોય પરંતું શરીરની નબળાઈ દૂર કરવામાં લાભદાયક ગણાય છે. 

કારેલાંની ખેતી મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન તથા પંજાબમાં મોટા પ્રમાણમાં થાય છે. ખેડૂતો માટે કારેલાંની ખેતી નફાકારક ગણાય છે, કેમ કે ઝડપી પાકની સાથે સારી બજાર કિંમત મળી રહે છે. વળી કારેલાંના બીજની વાવણી ગરમીની મોસમમાં થાય છે. વળી તે વર્ષભર ઉગાડવામાં આવે છે. કારેલાંનો સારો પાક મેળવવા માટે તેના બીજને 24 કલાક માટે પલાળવામાં આવે છે. 

કારેલાંમાં કડવાશ હોવાનું મુખ્ય કારણ તેમાં અલ્કલૉઇડ મોમોર્ડિસિનની ઉપસ્થિતિ ગણાય છે.  કારેલાંમાં વિટામિન બી-1, બી-2, બી-3ની સાથે બિટાકૅરોટીન, ઝિંક, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેંગેનીઝ, ફૉલેટ તેમ જ કૅલ્શિયમની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. 

એવું પણ કહેવાય છે કે કારેલાંમાં પાલકથી બમણું કૅલ્શિયમ સમાયેલું હોય છે. તેમ જ બ્રોકલી કરતાં બમણી માત્રામાં બિટા-કૅરોટીન હોય છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ તેમજ ઍન્ટિ ઇન્ફ્લેમેટરીના ગુણો સમાયેલા છે. 

કારેલાંનું વાનસ્પતિક નામ મોમોર્ડિકા ચરાંશિયા છે. કારેલાં કુકુરબિટેશી કુળના ગણાય છે. ટૂંકમાં કહીએ તો વેલ ઉપર ઊગતું શાક. સંસ્કૃતમાં કારેલાં કારવેલ્લી, પીતપુષ્પા તરીકે ઓળખાય છે. હિન્દીમાં કરૈલા કે કરેલી, અંગ્રેજીમાં બિટર ગૉર્ડ કે વાઇલ્ડ કકુમ્બર, મરાઠીમાં કરેલે, તમિળમાં પાવક્ક્ચેડી કે પાવલ, પંજાબીમાં કરીલા, બંગાળીમાં કરલા કે ઉચ્છે તરીકે ઓળખાય છે.

વિવિધ પ્રકારનાં કારેલાંનો પાક લેવામાં આવે છે. જેમ કે ભારતીય કારેલાં દેખાવમાં પાતળાં અણીદાર ધારવાળા ગાઢ લીલા રંગના હોય છે. જે સ્વાદમાં વધુ કડવાં હોય છે. બીજો પ્રકાર છે ચીની કારેલાંનો જે દેખાવમાં લાંબા આછા લીલા રગંનાં તેમ જ છાલની અંદરનો માવો થોડો ચીકાશ પડતો હોય છે. ચીની કારેલાં ભારતીય કારેલાંની સરખામણીમાં ઓછી કડવાશ ધરાવે છે. 

સફેદ કારેલાં જેનો સમાવેશ દુર્લભ પ્રજાતિમાં થાય છે. જે સ્વાદમાં ઓછાં કડવાં તેમ જ નાજુક હોય છે. તેની છાલનો ભાગ સફેદ જોવા મળે છે. જંગલી કારેલાં જે દેખાવમાં નાનાં હોય છે જે સ્વાદમાં અત્યંત કડવાં હોય છે. તેનો મુખ્યત્વે ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે. જેમ કે કારેલાંનો પાઉડર, કારેલાંની કૅપ્સ્યુલ, કારેલાંની ગોળી, કારેલાંની ચિપ્સ વગેરે જોવા મળે છે. 

કારેલાંના સ્વાસ્થ્યવર્ધક લાભ  

ડાયાબિટીસમાં અક્સીર: આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે કારેલાંનું સેવન ડાયાબિટીસની વ્યાધિમાં વરદાન સમાન છે કેમ કે કારેલાંમાં પૉલિપ્પેટાઇડ નામક પ્લાન્ટ બૅઝડ્ ઇસ્યુલિન સમાયેલું છે. જે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ ગણાય છે. 

પાચનશક્તિ વધારવામાં ઉપયોગી: કારેલાંમાં ફાઇબરની માત્રા ભરપૂર હોય છે. જેને કારણે આંતરડાં સતત ગતિશીલ રહે છે. પેટ ફૂલી જવું, આફરો ચડવો કે પછી કબજિયાતની તકલીફમાં કારેલાંનું સેવન કારગર ગણાય છે. 

વજનને નિયંત્રણમાં રાખવામાં લાભકારી: કારેલાંમાં કૅલરીનું પ્રમાણ ઓછું હોય છે તેમ જ ફાઈબરની માત્રા વધુ હોય છે. જેને કારણે કારેલાંનો ભોજનમાં ઉપયોગ ર્ક્યા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ધીમે ધીમે શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. પેટની આસપાસ વધતી ચરબી ઘટાડવામાં કારેલાંનો આહારમાં ઉપયોગ અક્સીર ગણાય છે. 

આંખોની તંદુરસ્તી જાળવી રાખવામાં લાભકારી: કારેલાંમાં ભરપૂર માત્રામાં વિટામિન એ તેમ જ બિટાકૅરોટિન હોય છે જે તંદુરસ્ત આંખો માટે ગુણકારી ગણાય છે. એવું પણ વિવિધ સંશોધન તેમ જ પ્રયોગો દ્વારા જાણવા મળ્યું છે કે કારેલાંનું સેવન નિયમિત પ્રમાણભાન રાખીને કરવાથી વય વધવાની સાથે આંખે ઝાંખું દેખાવાની તકલીફ હોય તેને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ ગણાય છે. 

અસ્થમાના દર્દીઓ માટે ગુણકારી: કારેલાંનો આહારમાં ઉપયોગ અસ્થમાના દર્દીઓ માટે ગુણકારી ગણાય છે. તેના સેવનથી જેને ઉધરસ, ઝીણી શરદીની તકલીફ તેમજ શ્ર્વાસ લેવાની તકલીફ થતી હોય તેમને રાહત અપાવે છે. પિત્ત કે કફની પ્રકૃત્તિ રહેતી હોય તેમને માટે કારેલાંનું વિવિધ રીતે નિયમિત સેવન કરવું લાભકારી ગણાય છે. 

કૅન્સરનો ખતરો ઘટાડી શકે છે: વિવિધ સંશોધનો બાદ એવી માહિતી મળે છે કે કારેલાંના અર્કનો ઉપયોગ કરવાથી કૅન્સર કોશિકાને ઝડપથી વધતી રોકી શકાય છે. તેમાં મુખ્યત્ત્વે યકૃત તેમજ સ્તન માટે ખાસ ઉપયોગી સાબિત થાય છે. 

કારેલાંને વિવિધ રીતે ઉપયોગમાં લઈ શકાય: જેમ કે કારેલાંની છાલ કાઢ્યા બાદ તેને ઉકાળી લેવી. પાણી હૂંફાળું થાય એટલે તેમાં સંચળ તેમજ લીંબુનો રસ ઉમેરીને ધીમે ધીમે પીવું. કાજુ કારેલાંનું શાક બનાવી શકાય છે. તે માટે કારેલાંની કડવાશ ઘટાડવા તેને કાપી લેવાં. કાપ્યા બાદ સ્વાદાનુસાર મીઠું ચોળીને લગભગ અડધો કલાક રાખી મૂકવાં. હળવા હાથે દબાવીને કારેલાંનું પાણી કાઢી લેવું. તેને તેલમાં ધીમા તાપે પકાવીને ખાઈ શકાય છે. 

100 ગ્રામ કારેલાંમાં આશરે 94 ટકા પાણી, 3.7 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 2.8 ગ્રામ ફાઇબર, 1 ગ્રામ પ્રોટિન, 0.2 ગ્રામ ચરબી, 84 મિલિગ્રામ વિટામિન સી, 72 માઇક્રોગ્રામ ફૉલેટ, 24 માઇક્રોગ્રામ વિટામિન એ, 296 માઇક્રોગ્રામ પોટેશિયમ સમાયેલું છે. 

ભરેલાં કારેલાં  

સામગ્રી : 250 ગ્રામ નાના કદનાં કારેલાં, 4 મોટી ચમચી સિંગતેલ, સ્વાદાનુસાર મીઠું-હળદર કડવાશ કાઢવા. મસાલો બનાવવા: 2 ચમચી શેકેલો ચણાનો લોટ, 1 ચમચી શેકેલાં સિંગદાણાનો ભૂકો, 2 ચમચી કોપરાનું સૂકું છીણ, 1 ચમચી તલ, 2 ચમચી ધાણાજીરું, 1 ચમચી લાલ મરચાંનો ભૂકો, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી વરિયાળી, 1 નાની ચમચી આખા ધાણા, 1 નાની ચમચી દળેલી ખાંડ, 1 નાની ચમચી આમચૂર પાઉડર, મસાલાના ભાગનું મીઠું, ચપટી હિંગ, સજાવટ માટે કોથમીર.

બનાવવાની રીત : સૌ પ્રથમ કારેલાંની છાલ ઉતારીને વચ્ચે કાપ મૂકવો. બીજ હોય તો કાઢી લેવાં. પોલું કરી લેવું. હવે તેને મીઠું-હળદર લગાવીને લગભગ અડધો કલાક રાખી મૂકવું. જેને લીધે કારેલાંની કડવાશ નીકળી જશે. ઉપરોક્ત જણાવેલી કોથમીર સિવાયની બધી જ સામગ્રી એક થાળીમાં એકપછી બીજી તેમ ભેળવવી. તેમાં 1 ચમચી તેલ ભેળવવું. મસાલો બરાબર ભેળવી લેવો. 

કારેલાંને હળવે હાથે દબાવીને પાણી કાઢી લેવું. કારેલાંમાં મસાલો ભરી લેવો. કડાઈમાં 3 મોટી ચમચી તેલ લેવું. તેમાં હિંગ ઉમેરી દેવી. ત્યાર બાદ તેમાં કારેલાં ઉમેરવાં. ધીમા તાપે કારેલાંને ચઢવા દેવાં. બરાબર પાકી જશે ત્યારે કડક બની જશે. ગરમાગરમ રોટલી સાથે ભરેલાં કારેલાંના શાકનો આનંદ લેવો. 
ઝટપટ: કારેલાંની છાલને 2 ગ્લાસ પાણીમાં ઉકાળી લેવી. પાણી હૂફાંળું થાય ત્યાર બાદ તેમાં સંચળ તથા 1 લીંબુનો રસ ભેળવીને ધીમે ધીમે પાણી પીવું. તંદુરસ્ત સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ચોમાસામાં આ પાણી ઔષધી સમાન ગણાય છે.