સ્થાનિકમાં વધુ ભાવઘટાડાના આશાવાદે સોનાના ભાવ પરનાં ડિસ્કાઉન્ટ એક મહિનાની ટોચે
વીતેલા સપ્તાહ દરમિયાન ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ વેપાર માર્ગ બંધ કરતાં અમેરિકાએ ઈરાન પરનાં હુમલાઓ વધુ ઉગ્ર બનાવ્યા હતા અને તેના વળતા જવાબમાં ઈરાને પણ અમેરિકાના અખાતી સહયોગી દેશો પર હવાઈ હુમલાઓ કરતાં વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો અને ક્રૂડતેલના ભાવ વધી આવતા વૈશ્વિક સ્તરે ફુગાવામાં વધારાની શક્યતાની સાથે વધતા ફુગાવાને અંકુશમાં રાખવા કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો આવ્યો હતો.
આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં સપ્તાહ દરમિયાન નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સપ્તાહ દરમિયાન ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં રૂપિયામાં 92 પૈસા જેટલું ધોવાણ થવાથી સ્થાનિકમાં આયાત પડતરોમાં વધારો થવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં સોના અને ચાંદીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભમાં હાજરમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 10મી જુલાઈના 10 ગ્રામદીઠ રૂ. 1,43,368ના બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. 1,42289ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,41,159 અને ઉપરમાં ખૂલતી જ રૂ. 1,42,289ની સપાટીએ રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે 10 ગ્રામદીઠ રૂ. 2209 અથવા તો 1.54 ટકાના ઘટાડા સાથે સપ્તાહની નીચી રૂ. 1,41,159ની સપાટીએ બંધ રહ્યા હતા.
તે જ પ્રમાણે હાજરમાં ચાંદીના વેરારહિત ધોરણે ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 10મી જુલાઈના રૂ. 2,20,390ના બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. 2,17,235ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. 2,20,391ની સપાટી દર્શાવ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે કિલોદીઠ રૂ. 4916 અથવા તો 2.23 ટકા ઘટીને સપ્તાહની નીચી રૂ. 2,15,474ની સપાટીએ બંધ રહ્યા હતા.
ગત સપ્તાહ દરમિયાન બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં તાજેતરની વૈશ્વિક ભૂરાજકીય સ્થિતિને ધ્યાનમાં લેતા ખાસ કરીને સોનામાં રોકાણકારો અને ખરીદદારોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હોવાથી લેવાલી શુષ્ક રહી હતી. તેમ જ જ્વેલરી ઉત્પાદકોની માગ પણ મર્યાદિત રહેતાં સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં લગભગ એક મહિનાના ઊંચા આૈંસદીઠ 45 ડૉલર આસપાસના ડિસ્કાઉન્ટથી ઑફર કરી રહ્યાના અહેવાલ હતા. વધુમાં ભાવઘટાડાના માહોલમાં ચાંદીમાં પણ માત્ર ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગ જળવાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એકંદરે ગત સપ્તાહે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, અમેરિકાના મજબૂત આર્થિક ડેટા, અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો, ક્રૂડતેલના ઊંચા ભાવથી ફુગાવો વધતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા સાપ્તાહિક ધોરણે વૈશ્વિક સોનામાં ત્રણ ટકા જેટલો અને ચાંદીના ભાવમાં 4.5 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. વધુમાં ફેડરલ રિઝર્વના અધિકારીઓએ ભવિષ્યની નાણાનીતિ અમેરિકાના આર્થિક ડેટાઓ પર આધારિત રહેશે, એમ જણાવ્યું હોવાથી ગત જૂન મહિનાના ફુગાવામાં ઘટાડો થવાથી ફેડરલ રિઝર્વના નીતિ ઘડવૈયાઓ વ્યાજદરમાં ઘટાડો કરવાની ઉતાવળ નહીં કરે એવી શક્યતા જણાતી હતી, પરંતુ અમેરિકા-ઈરાન વચ્ચેનો ભૂરાજકીય તણાવ ફરી સપાટી પર આવતા ક્રૂડતેલના ભાવ વધી આવતા પુનઃ ફુગાવામાં વધારો તોળાઈ રહ્યો હોવાથી સોનાના ભાવ ફરી દબાણ હેઠળ આવ્યા હતા.
એસએમસી ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવ્યું હતું કે હવે જો ભવિષ્યમાં અમેરિકાના આર્થિક ડેટાઓ અપેક્ષા કરતાં નબળા આવ્યા તો વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતાએ સોના-ચાંદીમાં સુધારો જોવા મળશે અને જો ડેટા અપેક્ષા કરતાં વધુ મજબૂત આવ્યા તો ઊંચા વ્યાજદર લાંબા સમયગાળા સુધી જાળવી રાખે તેમ હોવાથી સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ આવે તેવી શક્યતા છે.
નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે વૈશ્વિક સોનાના ભાવ આૈંસદીઠ 4000 ડૉલરની મહત્ત્વની મનોવૈજ્ઞાનિક સપાટી ગુમાવીને પાછા ફર્યા હતા. આગામી સપ્તાહમાં જો સોનાના ભાવ આૈંસદીઠ 4000 ડૉલરની સપાટી ગુમાવે તો ભાવ ઘટીને 3750 ડૉલર સુધી પહોંચી શકે છે, જ્યારે આૈંસદીઠ 4250 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થઈ શકે છે અને હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 50થી 62 ડૉલરની રેન્જમાં રહે તેમ જણાય છે. વધુમાં સ્થાનિક સ્તરે સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,36,000થી 1,43,000ની રેન્જમાં અને ચાંદીના વાયદામાં ભાવ કિલોદીઠ રૂ. 2,00,000થી 2,25,000ની રેન્જમાં રહે તેવી ધારણા તેમણે મૂકી હતી.
દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ગત 30મી જૂન પછીની નીચી સપાટી સુધી ઘટ્યા બાદ આગલા બંધ સામે એક ટકાના સુધારા સાથે આૈંસદીઠ 4011.29 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.7 ટકા વધીને આૈંસદીઠ 4018.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ એક ટકો વધીને આૈંસદીઠ 56.06 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વાસ્તવમાં ડૉલર ઈન્ડેક્સની મજબૂતી અને ફુગાવાની ચિંતાને કારણે વૈશ્વિક સ્તરે વ્યાજદરમાં વધારો થવાની ભીતિને કારણે સોનામાં વેચવાલીનું દબાણ વધ્યું હોવાનું એવર બૅન્કના વર્લ્ડ માર્કેટના પ્રમુખ ક્રિસ ગેફનેએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અમેરિકાએ તહેરાન પરનાં હુમલાઓ વધુ ઉગ્ર બનાવીને પુલો તથા એરપોર્ટને લક્ષ્યાંક બનાવ્યા હોવાથી ઈરાને પણ અમેરિકાના મધ્યપૂર્વનાં દેશોના બૅઝને લક્ષ્યાંક બનાવીને હુમલા કર્યા હોવાથી ગત સપ્તાહે ક્રૂડતેલના ભાવમાં પણ સાપ્તાહિક ધોરણે 16 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અમેરિકાના તાજેતરના આર્થિક ડેટાઓ જોતા ફેડરલ ઓપન માર્કેટ કમિટી આગામી બેઠક સુધી વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડી હતી, પરંતુ તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા વધારાને કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદર માટે તંગ નાણાનીતિના નિર્દેશો આપે તેવી શક્યતા પણ નકારી ન શકાય. જોકે, ગત શુક્રવારે સીએમઈ ફેડવૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં વધારો કરે તેવી 58 ટકા શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા હતા.