Thu Jun 18 2026

Logo

કટરા અને શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ જમ્મુ તાવી સુધી લંબાવાઈ

2026-02-24 20:27:00
Author: Chandrakant Kanoja
Article Image

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં  કટરા અને શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને જમ્મુ તાવી સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણયના લીધે જમ્મુથી શ્રીનગરનો પ્રવાસ પાંચથી પણ ઓછા ક્લાકમાં પૂર્ણ થશે. જેના લીધે  સ્થાનિકો, વેપારીઓ અને પ્રવાસીઓને પણ સુવિધા મળશે. રેલવેએ લાંબા સમયથી ચાલી આવતી માંગણીને પૂર્ણ કરતા આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 માર્ચ, 2026 થ , આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન સીધી જમ્મુ તાવી અને શ્રીનગર વચ્ચે દોડશે.

ટ્રેન નંબર 26401 સવારે 6:15 વાગ્યે જમ્મુ તાવીથી ઉપડશે

આ અંગે રેલવે વિભાગે જણાવ્યું છે કે, ટ્રેન નંબર 26401/26402 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસને જમ્મુ તાવી સુધી લંબાવવામાં આવી છે. હવે, ટ્રેન નંબર 26401 સવારે 6:15 વાગ્યે જમ્મુ તાવીથી ઉપડશે અને 11:10 વાગ્યે શ્રીનગર પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 26402 શ્રીનગરથી બપોરે 2:00 વાગ્યે ઉપડશે અને સાંજે 6:50 વાગ્યે જમ્મુ તાવી પહોંચશે. 

વંદે ભારત એક્સપ્રેસ આરામદાયક બેઠક વ્યવસ્થાથી સજ્જ

વંદે ભારત એક્સપ્રેસ આધુનિક સુવિધાઓ, અત્ય આધુનિક સલામતી સુવિધાઓ અને આરામદાયક બેઠક વ્યવસ્થાથી સજ્જ છે. હાઇ સ્પીડની સાથે મુસાફરોને સરળ સવારીનો અનુભવ થશે. આ સેવા સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ માટે અત્યંત લાભદાયી સાબિત થશે.

6 જૂન, 2025 ના રોજ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL)પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ  જમ્મુ અને શ્રીનગર વચ્ચે સીધી વંદે ભારત એક્સપ્રેસની માંગ ઉઠી  રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ પગલું એ દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.