નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ લેગ-સ્પિનર એલ શિવરામકૃષ્ણનનું માનવું છે કે 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને આરામ આપવાને બદલે સતત રમવાની તક આપવી જોઈએ જેનાથી તે વિવિધ પરિસ્થિતિઓમાં અનુભવ મેળવી શકે અને તેની ભૂલોમાંથી શીખી શકે.
માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનાર સૂર્યવંશીએ પોતાની પહેલી મેચમાં 10 બોલમાં બે છગ્ગા ફટકારીને 14 રન ફટકાર્યા હતા. 1983માં વેસ્ટ ઈન્ડિઝ સામે 17 વર્ષની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કરનાર શિવરામકૃષ્ણનનું માનવું છે કે ટીમ મેનેજમેન્ટે સૂર્યવંશીમાં વિશ્વાસ દર્શાવ્યો હોવાથી તેને પૂરતી તકો આપવી જોઈએ.
શિવરામકૃષ્ણને કહ્યું હતું કે, "તેને મર્યાદિત ઓવરના ક્રિકેટમાં સતત તકો મળવી જોઈએ. ટીમમાં એક યુવા ખેલાડીનો સમાવેશ કરવાનો અને પછી તેને આરામ આપવાનો કોઈ અર્થ નથી. તેને હવે આરામની જરૂર નથી. તેણે આખું વર્ષ રમવું જોઈએ. એક બેટ્સમેન તરીકે તેને બોલરો જેવા જ ફિટનેસ મેનેજમેન્ટની જરૂર નહીં પડે. લાંબા સમય સુધી બેટિંગ કરવાથી તેની એકાગ્રતા અને માનસિક શક્તિમાં પણ સુધારો થશે,"
તેમણે કહ્યું હતું કે "એકવાર તમે તેને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લો પછી તમારે તેને દરેક તક આપવી જોઈએ. તે આગામી 20 વર્ષ માટે ભારતીય ક્રિકેટમાં રોકાણ છે. સૂર્યવંશીને અત્યારે સૌથી વધુ જેની જરૂર છે તે છે મુખ્ય કોચ ગૌતમ ગંભીર, કેપ્ટન શ્રેયસ ઐયર અને બાકીના ટીમના સમર્થનની. ભલે શરૂઆતની કેટલીક મેચોમાં તેનું પ્રદર્શન અપેક્ષાઓ પર ખરું ન ઉતરે, છતાં પણ તેને સંપૂર્ણ સમર્થન અને સતત તકો આપવી જોઈએ.
વધુમાં ભૂતપૂર્વ લેગ-સ્પિનરે કહ્યું હતું કે "હું ઇચ્છું છું કે તેને યોગ્ય રીતે માર્ગદર્શન આપવામાં આવે અને સંપૂર્ણ સમર્થન આપવામાં આવે. તે એક સ્ટ્રોક-પ્લેયર છે જે ક્યારેક જોખમ લેશે પરંતુ આધુનિક ક્રિકેટ જોખમ લેવાની રમત છે.