Mon Jul 13 2026

Logo

સુરતમાં સહકારી બેંકે ઓછા વ્યાજે શરૂ કરી 'પૂર લોન', કેટલા ટકાએ મળશે કેટલી લોન ?

2026-07-13 11:34:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ શહેરમાં તાજેતરમાં પડેલા 18 ઇંચ વરસાદથી સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પૂરમાં અનેક લોકોના ધંધા-રોજગારને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વેપારીઓને આમાંથી બહાર કાઢવા સુરતમાં એક સહકારી બેંકે ઓછા વ્યાજે પૂર લોન શરૂ કરી છે. 5 લાખ સુધીની લોન 9 ટકાના દરે આપવામાં આવશે.

શું છે આ લોનની ખાસિયત

'ફ્લડ લોન' (પૂર લોન) યોજના હેઠળ, પાત્રતા ધરાવતા ગ્રાહકો 9 % ના વ્યાજ દરે રૂ. 5 લાખ સુધીની લોન મેળવી શકશે. જેનો પુનઃચુકવણીનો ગાળો 60 મહિના સુધીનો રહેશે. અરજીઓનું ઝડપી પ્રોસેસિંગ અને મંજૂરી સુનિશ્ચિત કરવા માટે બેંકે તેની મુખ્ય ઓફિસ ખાતે એક હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવી છે.

રૂ. 1000 ના વાર્ષિક પ્રીમિયમ પર રૂ. 10 લાખ સુધીના સ્ટોકનો વીમો

આ ઉપરાંત, વરાછા બેંકે વેપારીઓને ભવિષ્યમાં પૂર સંબંધિત નુકસાનથી બચાવવાના હેતુથી એક વિશેષ જનરલ ઇન્સ્યોરન્સ સ્કીમ રજૂ કરી હતી. આ યોજના હેઠળ, રૂ. 1000 ના વાર્ષિક પ્રીમિયમ પર રૂ. 10 લાખ સુધીના સ્ટોકનો વીમો લઈ શકાશે, જે પૂર અથવા પાણી ભરાવાને કારણે માલસામાન, ગોડાઉન અને વ્યવસાયિક જગ્યાઓને થતા નુકસાન સામે કવરેજ પૂરું પાડશે.

ઉલ્લેખનીય છે કે, શનિવારે બેંકની હેડ ઓફિસ ખાતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ યોજનાઓ લોન્ચ કરવામાં આવી હતી. સંઘવીએ આ પહેલને સુરતના અસંખ્ય રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક વિસ્તારોને ડૂબાડનારા તાજેતરના પૂરથી પ્રભાવિત લોકોને બેઠા કરવામાં મદદ કરતું એક સમયસરનું અને પ્રશંસનીય પગલું ગણાવ્યું હતું.

સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે નુકસાનીનું મૂલ્યાંકન શરૂ કરી દીધું છે. ટૂંક સમયમાં જ સર્વે પૂરો થઈ જશે. ઉદ્યોગો, દુકાનો અને વ્યાપારી સંસ્થાઓને થયેલા નુકસાનના સર્વેના આધારે ગુજરાત સરકાર ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાત કરશે.