વલો કચ્છ - ગિરિરાજ
કેટલાક જીવનપ્રસંગો માત્ર ઘટના નથી હોતા, તે સંઘર્ષ, સંવેદના અને માનવીય શક્તિની એવી સાક્ષી બની રહે છે કે અનુભવ કરનારને અંદરથી સ્પર્શી જાય. માધાપર સ્થિત દિવ્યાંગ ક્ધયા કુંજ સંચાલક અંધજન મંડળની મુલાકાત દરમિયાન એવી જ એક વાત જાણવા મળી, ઉદ્યોગ શિક્ષિકા તરીકે કાર્યરત અને સાઈન લેન્ગવેજથી વિદ્યાર્થીઓને સરળતાથી તાલીમ આપતા સાલસ શિક્ષિકા એવા ગીતાબેન ભટ્ટ દ્વારા સંભળાવાયેલ એક દીકરીની પ્રેરક સફર.
કોલી પરિવારની કાન્તા કાનજીભાઈ. જન્મ 18 જૂન 2010ના રોજ. મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતા અને ગૃહિણી માતા માટે દીકરીનો જન્મ તો લક્ષ્મીનું આગમન જ હતો. દાદા-દાદી માટે તો કાન્તા વ્યાજથી પણ વધુ વહાલી, પરંતુ જ્યારે કાન્તા ચાર મહિનાની થઈ ત્યારે પરિવારને ધ્યાન આવ્યું કે મંદિરના ઘંટનો અવાજ હોય કે રમકડાંનો અવાજ દીકરીની કોઈ પ્રતિક્રિયા જ નહોતી.
તબીબી તપાસ પછી વાસ્તવિકતા જાણવામાં આવી કે કાન્તા સાંભળી શકતી નથી, એટલે તે બોલી પણ નહીં શકે. એ ક્ષણ પરિવાર માટે વીજળી સમી પડી. અનેક ડોક્ટરો પાસે તપાસ, નાના ઓપરેશન સુધીના પ્રયત્નો. આશાની ઘણી બારી ખખડાઈ, પણ ક્યાંયથી પ્રકાશ ન આવ્યો. એક તબક્કે ફરી એક ઓપરેશનની સલાહ મળી, પરંતુ તેમાં જીવનનું જોખમ હતું. અંતે પરિવારે એક મોટો નિર્ણય લીધો દીકરી દિવ્યાંગ રહે તો ભલે રહે, પણ એ અમારે માટે અનમોલ રત્ન છે. એનો જીવ જોખમમાં મુકીશું નહીં.
સમય આગળ વધ્યો. કાન્તા પાંચ વર્ષની થઈ અને હવે પ્રશ્ન હતો શિક્ષણનો. સંજોગો એવા બન્યા કે તેના પિતા ખેતરમાં કામ કરતા હતા ત્યાંના એક પટેલભાઈએ માધાપર ખાતે કાર્યરત દિવ્યાંગ દીકરીઓ માટેની સંસ્થા વિશે માહિતી આપી. આ રીતે પરિવારનો ક્ધયા કુંજ સાથે સંપર્ક થયો.
પાંચ વર્ષની મૂકબધિર દીકરીને હોસ્ટેલમાં મૂકવાનો નિર્ણય કોઈપણ માતા-પિતા માટે સરળ ન હોય, પરંતુ અહીંયા ભવિષ્યનો સવાલ હતો એટલે કઠોર હૈયે દાખલ કરવામાં આવી. શાળાનો પહેલો દિવસ શિક્ષકો માટે પણ પડકારભર્યો હતો. દીકરીને સાઇન લેન્ગવેજ આવડતી નહીં, નવા વાતાવરણનો ભય, અને સતત ઘરે જવાની લાગણી. કાન્તાની નજર શાળાના ગેટ પર અટકેલી રહેતી કે કદાચ માતા-પિતા પાછા લેવા આવે અને હું જતી રહું. એવું તો થયું નહિ પણ અહીંથી શરૂ થઈ એક નવી સફર પ્રેમ, લાગણી અને ધીરજથી ભરેલી શિક્ષકોની. ધીમે ધીમે કાન્તા નવા વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકી. અભ્યાસ તરફ રસ જાગ્યો અને સાથે-સાથે અભ્યાસેત્તર પ્રવૃત્તિઓમાં પણ તે આગળ વધવા લાગી. સ્પેશિયલ ખેલ મહાકુંભમાં રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નૃત્ય મૂકબધિર હોવા છતાં સંગીતના લય-તાલ સાથે પગલાં ભરે તેવું આત્મવિશ્વાસભર્યું વ્યક્તિત્વ વિકસવા લાગ્યું.
શિક્ષિકા ગીતાબેન ભટ્ટ કહે છે કે જ્યારે કાન્તાને ઉદ્યોગ શિક્ષણ આપવાનું શરૂ કર્યું ત્યારે તેને તેમાં જરા પણ રસ નહોતો. મને નથી ગમતું, મને નથી આવડતું કહીને તે દૂર રહેવાનો પ્રયત્ન કરતી, પરંતુ પ્રોત્સાહન, સમજણ અને સતત પ્રયત્નોથી ધીમે ધીમે તે આગળ વધી. આજે મડવર્ક, ભરતકામ, વેસ્ટમાંથી બેસ્ટ, ક્રાફ્ટ વર્ક, પેન્ટિંગ, રાખડી, ગૃહસુશોભનની વસ્તુઓ બનાવવામાં તે આત્મવિશ્વાસથી પોતાનું કૌશલ્ય બતાવે છે. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને ઉત્તમ પ્રદર્શન પણ કરે છે.
પરિવાર માટે સૌથી મોટો સંતોષ એ છે કે આજે તેમની દીકરી સામાન્ય દીકરીની જેમ જીવન જીવતી થઈ છે. એ દિવ્યાંગ છે એનો અમને અહેસાસ જ નથી રહેતો પરિવારના આ શબ્દો સંસ્થાની અને શિક્ષકોની મહેનતનો સૌથી મોટો પુરાવો છે.
વાસ્તવમાં આ પ્રસંગ માત્ર એક દીકરીનો નથી; આ છે સંવેદનાની સંસ્થા, સમર્પિત શિક્ષકો અને આશા ન છોડનાર પરિવારની સંયુક્ત યાત્રા. સંસ્થાએ પણ તાજેતરમાં પોતાની 49 વર્ષની સફળ સફર પૂર્ણ કરીને સુવર્ણ જયંતી વર્ષમાં પ્રવેશ કર્યો છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, સામાજિક ઉત્થાન અને સાંસ્કૃતિક સંવર્ધનના પાયાના સિદ્ધાંતો સાથે સંસ્થા સતત દિવ્યાંગ વ્યક્તિઓને સશક્ત બનાવવા પ્રયત્નશીલ રહી છે.
રમતગમત ક્ષેત્રે પણ સંસ્થાએ આંશિક દૃષ્ટિહીન ખેલાડીઓ માટે ભારતની પ્રથમ રાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિદ્યાર્થીઓ શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ સંસ્થાનું ગૌરવ વધારતા રહ્યા છે.
કાન્તાની સફર તો અનેક મારા તમારા જેવા માટે પ્રેરણા અર્પે છે કે દિવ્યાંગતા કોઈ અંત નથી, તે માત્ર એક અલગ શરૂઆત છે. યોગ્ય માર્ગદર્શન, પ્રેમ અને વિશ્વાસ મળે તો દરેક બાળક પોતાની ક્ષમતાના નવા આકાશ શોધી શકે છે.