Thu Jun 18 2026

Logo

તાકાત હોય તો ભારત-યુએસ ટ્રેડ ડીલ રદ કરી બતાવો; રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીને પડકાર ફેંક્યો

2026-02-24 19:57:57
Author: Savan Zalaria
Article Image

ભોપાલ: ભારત અને યુએસ વચ્ચેની ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરવામાં આવી રહ્યા છે, બંને દેશો વચગાળાના વેપાર કરારનાં માળખા પર સંમત થયા છે. ભારત સરકાર યુએસ સાથેના વેપાર કરારને ઐતિહાસિક ગણાવી રહી છે, જ્યારે વિપક્ષ દ્વારા તેની સતત ટીકા કરવામાં આવી રહી છે,  લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ યુએસ સાથે વેપાર કરાર અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી નિશાન સાધ્યું છે. 

આજે મંગળવારે મધ્યપ્રદેશના ભોપાલમાં એક જાહેર રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ યુએસ સાથેના સંભવિત વેપાર કરાર અંગે ભારત સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ વેપાર કરાર રદ કરવાનો પડકાર ફેંક્યો.

‘મોદીને એપ્સટિનનો ડર છે’

રાહુલ ગાંધીએ કહ્યું, "હું નરેન્દ્ર મોદીને પડકાર ફેંકું છું કે તેઓ ભારત અને અમેરિકા કરારને રદ કરી બતાવે. ભાજપના કાર્યકર્તાઓને કહેવા ઈચ્છું છું કે તેઓ આ કરાર રદ નહીં કરે કારણ કે તેમના પર અમેરિકા અને ટ્રમ્પનું દબાણ છે, તેમને એપ્સટિન ડર અને અદાણીનો ફોજદારી કેસ પણ તેમના માથા પર લટકેલો છે, સાચી વાત એ છે કે તેમણે ભારત સાથે દગો કર્યો છે."

ભારતનો ડેટા યુએસને વેચી દીધો!

રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો કે ભારત સરકારે ભારતના ઈન્ટરનેટ યુઝર્સનો ડેટા યુએસને સોંપી દીધો છે.

રાહુલ ગાંધીએ કહ્યું, "21મી સદીમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ ડેટા છે, જેમની પાસે ડેટા છે તેમની જીત થશે. ભારતની વસ્તી સૌથી વધુ છે, જેના કારણે સૌથી વધુ ડેટા ઉત્પન્ન થાય છે, આ મામલે  ચીન બીજા નંબર પર છે. યુએસ ભારતના ડેટા વગર ચીન સાથે સ્પર્ધા કરી શકે એમ નથી. વેપાર કરારમાં વડાપ્રધાન મોદીએ ભારતનો બધો ડેટા યુએસને સોંપી દીધો છે.”

ભારતના ખેડૂતો બરબાદ થઇ જશે:

રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાને ખેડૂતોને બરબાદ કર્યા, ભારતનો ડેટા આપી દીધો અને કાપડ ઉદ્યોગને નુકશાન પહોંચાડ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે યુએસએ બાંગ્લાદેશને મદદ કરવાનું નક્કી કર્યું. બાંગ્લાદેશનાં કાપડ પર ટેરીફ શૂન્ય ટેરિફ કરવામાં આવ્યો છે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે કરાર મુજબ ભારત યુએસ પાસેથી કપાસ ખરીદશે, તો ભારતના કાપડ પર ટેરીફ શૂન્ય હશે. તેમણે કહ્યું, “આપણે અમેરિકા પાસેથી કપાસ કેમ ખરીદીએ, આપણે કપાસ ઉગાડીએ છીએ, આપણો આખો કપાસ ઉદ્યોગ પડી ભાંગશે.”