Sun May 24 2026

Logo

પંજાબ જીત્યું અને બચ્યુંઃ શ્રેયસની પ્રથમ સદી

2026-05-23 23:38:13
Author: Ajay Motiwala
Article Image

PTI


અર્જુન તેન્ડુલકરે પહેલી જ મૅચમાં યૉર્કરથી લીધી મહત્ત્વની વિકેટ

લખનઊઃ લખનઊ સુપર જાયન્ટ્સ (6/196)ને 2025ના રનર-અપ પંજાબ કિંગ્સે (18 ઓવરમાં 3/200) શનિવારે સાત વિકેટે હરાવીને પ્લે-ઑફ માટેની આશા જીવંત રાખી હતી અને એ માટે સૌથી મોટો જશ કૅપ્ટન શ્રેયસ ઐયર (101 અણનમ, 51 બૉલ, પાંચ સિક્સર, અગિયાર ફોર)ને ફાળે જાય છે. તેણે ખરા સમયે આઇપીએલ (IPL)માં પોતાની ડેબ્યૂ સેન્ચુરીથી પંજાબની આબરૂ સાચવી લીધી હતી.

પંજાબ (PUNJAB) સતત છ મૅચ હાર્યા બાદ હવે અણીના સમયે મૅચ જીત્યું છે અને ચોથા સ્થાને રહ્યું છે. રવિવારે રાજસ્થાન જો વાનખેડેમાં મુંબઈને હરાવશે તો પંજાબ ઉપરાંત કોલકાતા અને નજીવી આશા રાખીને બેઠેલી દિલ્હી સહિત બધી ટીમો ટૂર્નામેન્ટની બહાર થઈ જશે અને પ્લે-ઑફમાં બેંગ્લૂરુ, ગુજરાત, હૈદરાબાદ સાથે રાજસ્થાન જોડાઈ જશે.

પંજાબ વતી શ્રેયસ ઉપરાંત ઓપનર પ્રભસિમરન સિંહ (69 રન, 39 બૉલ, બે સિક્સર, સાત ફોર)નું પણ મહત્ત્વનું યોગદાન હતું. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે 140 રનની મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી. પ્રભસિમરનની મહત્ત્વની વિકેટ લેફ્ટ-આર્મ પેસ બોલર અર્જુન તેન્ડુલકરે (4-0-36-1) લીધી હતી. તે અર્જુનના યૉર્કરમાં એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો. અર્જુનને આ સીઝનમાં લખનઊ વતી શનિવારે ડેબ્યૂ કરવા મળ્યું અને એમાં તેણે પોતાની ત્રીજી ઓવરમાં પ્રભસિમરનની વિકેટ લીધી હતી.

PTI

ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુનને આ વખતની આઇપીએલમાં પહેલી જ વખત રમવા મળ્યું અને એમાં તેની પહેલી જ ઓવરમાં કૅચ છૂટ્યો હતો. લખનઊ વતી અર્જુનને ડેબ્યૂ કરવા તો મળ્યું, પણ તેની પ્રથમ ઓવરના ચોથા બૉલમાં રિષભ પંતે પંજાબના ઓપનર પ્રભસિમરનનો કૅચ છોડ્યો હતો. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્જુનની એ ઓવરમાં ફક્ત ચાર રન બન્યા હતા. જોકે તેની બીજી ઓવરમાં શ્રેયસ-પ્રભસિમરને ફટકાબાજી કરી હતી અને એ ઓવરમાં 15 રન બન્યા હતા. પંજાબની ત્રણમાંથી બે વિકેટ મોહમ્મદ શમીએ અને એક વિકેટ અર્જુને લીધી હતી.

એ પહેલાં, લખનઊએ 20 ઓવરમાં છ વિકેટે 196 રન બનાવ્યા અને પંજાબને જીતવા 197 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. 196 રનમાં ઓપનર જૉશ ઇંગ્લિસના 72 રન અને આયુષ બદોનીના 43 રન હતા. અબ્દુલ સમદ ત્રણ સિક્સર અને ત્રણ ફોરની મદદથી 20 બૉલમાં બનાવેલા 37 રને અણનમ રહ્યો હતો. લખનઊ વતી ડેબ્યૂ કરી રહેલો અર્જુન તેન્ડુલકર પાંચ બૉલમાં પાંચ રન બનાવીને અણનમ હતો. અર્શદીપની 20મી ઓવરમાં શરૂઆતમાં સમદે સ્ટ્રાઇક પોતાની પાસે રાખી મૂકવા બે બૉલમાં રન દોડવાને બદલે અર્જુનને પાછો મોકલી દીધો હતો. પછીથી સમદે અર્શદીપના ચોથા બૉલમાં સિક્સર, પાંચમા બૉલમાં ફોર અને બે વાઇડ બૉલના વિઘ્ન બાદ અંતિમ બૉલમાં ફોર ફટકારી હતી. અર્શદીપની એ ઓવરમાં કુલ 17 રન બન્યા હતા.

રવિવારે કઈ બે છેલ્લી મૅચ?

મુંબઈ વિરુદ્ધ રાજસ્થાન
વાનખેડેમાં, બપોરે 3.30

કોલકાતા વિરુદ્ધ દિલ્હી
ઈડનમાં, સાંજે 7.30