Sat May 23 2026

Logo
IPL 2026:

રોક સકો તો રોકોઃ વૈભવને રવિવારે વાનખેડેમાં મુંબઈનો કોઈ બોલર ગેઇલનો સિક્સરનો વર્લ્ડ રેકૉર્ડ તોડતા રોકી શકશે ખરો?

2026-05-23 18:06:42
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ પંદર વર્ષનો વૈભવ સૂર્યવંશી આ વખતની આઇપીએલમાં સોળે કળાએ ખીલ્યો છે અને સીઝનમાં સૌથી વધુ રન બનાવનારાઓમાં કુલ 579 રન સાથે ભલે ચોથા નંબરે છે, પરંતુ આ વખતે સૌથી વધુ છગ્ગા ફટકારવામાં તે મોખરે છે અને બીજું કોઈ તેને ઓળંગી શકે કે કેમ એ વાત જરા બાજુ પર રાખીએ તો રવિવાર, 24મી મેનો દિવસ વૈભવના નામે લખાશે તો નવાઈ નહીં લાગે. વાત એમ છે કે વૈભવે આ વખતની સીઝનમાં કુલ 53 છગ્ગા ફટકાર્યા છે. એક આઇપીએલ સીઝનમાં સૌથી વધુ 59 સિક્સર ફટકારવાનો રેકૉર્ડ ક્રિસ ગેઇલ (બેંગ્લૂરુ)ના નામે છે અને વૈભવને તેનો એ વિક્રમ તોડવા રવિવારે વાનખેડેમાં તક મળવાની છે. વૈભવને ગેઇલનો 14 વર્ષ જૂનો વિક્રમ તોડવા સાત સિક્સરની જરૂર છે.

છઠ્ઠી સિક્સરથી રેકૉર્ડની બરાબરી અને સાતમો છગ્ગો...

રવિવારે (બપોરે 3.30 વાગ્યાથી) વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો છે અને એમાં વૈભવ (Vaibhav) જો છ છગ્ગા ફટકારશે તો ગેઇલ (Gayle)ની બરાબરીમાં થઈ જશે અને સાતમી સિક્સર મારશે એટલે રેકૉર્ડ (Record) વૈભવના નામે થઈ જશે.

બુમરાહ રોકશે વૈભવને?

ક્રિસ ગેઇલે 2012ની સાલની સીઝનમાં બેંગ્લૂરુ વતી રમતી વખતે કુલ 59 સિક્સર ફટકારી હતી. તેનો એ વિક્રમ 14 વર્ષ પછી પણ કોઈ તોડી નથી શક્યું. જોકે વૈભવને રવિવારે ગેઇલના એ રેકૉર્ડને ભૂતકાળ બનાવી નાખવાની તક છે. જોકે વૈભવે મુંબઈ ઇન્ડિયન્સના જસપ્રીત બુમરાહ, દીપક ચાહર, કૉર્બિન બૉશ્ચ, હાર્દિક પંડ્યા, એએમ ગઝનફર, રઘુ શર્મા, વિલ જૅક્સ કે બીજા કોઈ બોલરનો સમજદારી અને હિંમતથી સામનો કરવો પડશે. વૈભવ થોડા જ દિવસ પહેલાં બુમરાહ સામે પહેલા જ બૉલમાં સિક્સર ફટકારી હતી. બની શકે કે બુમરાહ તેને આઉટ કરીને ગેઇલના વિક્રમ સુધી પહોંચતો અટકાવી શકે.

...તો વૈભવને વધુ તક મળી શકે

બની શકે કે વૈભવ રવિવારે ફરી એક વખત લાંબી ઇનિંગ્સ રમશે, પરંતુ એમાં તે છ કે સાત છગ્ગા ફટકારી શકશે કેમ એ પણ એક સવાલ છે. બીજું, રાજસ્થાન આ મૅચ જીતશે તો જ પ્લે-ઑફમાં પહોંચી શકશે. એ જોતાં, વૈભવને ગેઇલનો રેકૉર્ડ બે્રક કરવા માટે શક્યતઃ રવિવારે છેલ્લો મોકો છે. જો રાજસ્થાન પ્લે-ઑફમાં જશે તો વૈભવને ગેઇલનો વિક્રમ તોડવા વધુ તક મળશે.

આ વખતની આઇપીએલમાં કોની કેટલી સિક્સર?

(1) વૈભવ સૂર્યવંશી (રાજસ્થાન): 53 છગ્ગા

(2) અભિષેક શર્મા (હૈદરાબાદ): 43 છગ્ગા

(3) રાયન રિકલ્ટન (મુંબઈ): 37 છગ્ગા

(4) મિચલ માર્શ (લખનઊ): 36 છગ્ગા

(5) પ્રિયાંશ આર્ય (પંજાબ): 32 છગ્ગા

આઇપીએલના ઇતિહાસમાં એક સીઝનમાં કોની હાઇએસ્ટ સિક્સર?

(1) ક્રિસ ગેઇલ (બેંગ્લૂરુ): 2012માં 59 છગ્ગા

(2) વૈભવ સૂર્યવંશી (રાજસ્થાન): 2026માં 53 છગ્ગા

(3) આન્દ્રે રસેલ (કોલકાતા): 2019માં 52 છગ્ગા

(4) ક્રિસ ગેઇલ (બેંગ્લૂરુ): 2013માં 51 છગ્ગા

(5) જૉસ બટલર (રાજસ્થાન): 2022માં 45 છગ્ગા