Sun Sep 06 2026

Logo

RG કર દુષ્કર્મ કેસમાં બંગાળ સરકાર એક્શનમાં! સસ્પેન્ડેડ ડૉ. અવીક ડે વિરુદ્ધ વિભાગીય તપાસ શરૂ

2026-05-23 22:35:36
Author: Vimal Prajapati
RG કર દુષ્કર્મ કેસમાં બંગાળ સરકાર એક્શનમાં! સસ્પેન્ડેડ ડૉ. અવીક ડે વિરુદ્ધ વિભાગીય તપાસ શરૂ

કોલકાતા: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાની હૃદયદ્રાવક ઘટના બાદ પશ્ચિમ બંગાળ સરકારે વધુ એક મોટું કદમ ઉઠાવ્યું છે. રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મોટો નિર્ણય લેતા લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલા અને સસ્પેન્ડેડ ડૉક્ટર ડૉ. અવીક ડે વિરુદ્ધ ઔપચારિક વિભાગીય કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત, સર્વિસ ક્વોટા હેઠળ તેમના પોસ્ટગ્રેજ્યુએટ કોર્સમાં થયેલા એડમિશન અંગે પણ અલગથી ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે.

ડૉક્ટર ડૉ. અવીક ડે વિરુદ્ધ ઔપચારિક વિભાગીય કાર્યવાહી શરૂ

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, ડૉ. અવીક ડે વિરુદ્ધના આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ દ્વારા લીલી ઝંડી મળ્યા બાદ આ તપાસ શરૂ કરવામાં આવી છે. ડૉ. ડે સપ્ટેમ્બર ૨૦૨૪થી 'પશ્ચિમ બંગાળ સેવા નિયમ, 1971' હેઠળ ઓલરેડી સસ્પેન્ડ ચાલી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. અવીક ડે બર્દવાન મેડિકલ કોલેજના રેડિયોડાયગ્નોસિસ વિભાગમાં ભૂતપૂર્વ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર (RMO) રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ કોલકાતાની IPGME&R હોસ્પિટલમાં જનરલ સર્જરીના ઇન-સર્વિસ પીજી ટ્રેની તરીકે જોડાયેલા છે. ઓગસ્ટ 2024માં આરજી કર હોસ્પિટલમાં બનેલી જઘન્ય ઘટના બાદ સમગ્ર દેશમાં તબીબો અને જનતા દ્વારા ભારે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શનો થયા હતા. 

પીજી એડમિશન સ્કેમની પણ થશે તપાસ

આ આંદોલન દરમિયાન જુનિયર ડૉક્ટરોએ ડૉ. અવીક ડે વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. જુનિયર ડોક્ટરોએ ડૉ. અવિક દે પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. આ આરોપોમાં મેડિકલ કોલેજમાં ડરાવનારું વાતાવરણ ઊભું કરવું, ડૉક્ટરોની બદલીમાં દખલ કરવી, લગભગ બે વર્ષ સુધી વર્ગોમાં ગેરહાજર રહેવું, રિપોર્ટ સબમિટ કરવામાં નિષ્ફળ રહેવું અને દર્દીઓની સારવારમાં બેદરકારી દાખવવી શામેલ છે. આ તમામ મામલે અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.