Sat May 23 2026

Logo

મિડલઈસ્ટના યુદ્ધથી અનેક રાષ્ટ્રના અર્થતંત્ર પર માઠી, 27 દેશે વર્લ્ડબેંક પાસે હાથ લંબાવ્યા

WASINTON DC   2026-05-23 16:13:22
Author: Mumbai Samachar Team
Article Image

વોશિંગટનઃ મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવગ્રસ્ત માહોલને કારણે દુનિયાભરના ક્રૂડ માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એશિયાના જ નહીં, દુનિયાભરના નાના-મોટા દેશની ચિંતા વધારી દીધી છે. વધી રહેલા ક્રૂડ ઓઈલના ભાવને કારણે પ્રજા પરેશાન છે તો બીજી તરફ નબળી પડી રહેલી સપ્લાય ચેઈન સિસ્ટમને કારણે જે તે રાષ્ટ્રનું વહીવટી તંત્ર મેનેજ કરવામાં પડ્યું છે.મિડલઈસ્ટની લડાઈએ અનેક દેશ પર અણધાર્યું પ્રેશર લાવી દીધું છે. કેન્યા જેવા દેશે તો આર્થિક મદદ માગવાનું શરૂ કર્યું છે. 

27 દેશે વર્લ્ડબેંકના દ્વાર ખખડાવ્યા

વર્લ્ડ બેંકના એક રિપોર્ટ અનુસાર ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ દુનિયાના 27 દેશે વર્લ્ડબેંક પાસે ઈમરજન્સી ફંડ માટે હાથ લંબાવ્યા છે. આ તમામ રાષ્ટ્રોએ એક એવી સિસ્ટમ લાગુ કરવા માટે માગ કરી છે કે, જેની મદદથી જરૂર પડ્યે ત્યારે તેઓ ઝડપથી વિશ્વબેંક પાસેથી ફંડ લઈ શકે.આ દેશના નામ અને એમના દ્વારા માગવામાં આવેલી રકમની કોઈ પ્રકારે જાણકારી જાહેર કરવામાં આવી નથી.

બીજી તરફ વર્લ્ડ બેંકે પણ આ વિષય પર કોઈ પ્રકારની સત્તાવાર વાત કહી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર તા.28 ફેબ્રુઆરીથી મિડલઈસ્ટમાં વધી રહેલી લડાઈ બાદ  ત્રણ દેશે એક નવી ક્રાઈસિસ સપોર્ટ સિસ્ટમને મંજૂરી આપી છે,જ્યારે બાકીના દેશ આ માટેની કેટલીક પ્રક્રિયાઓ પૂરી કરી રહ્યા છે. ઈરાન યુદ્ધની અસર સમગ્ર દુનિયાના દેશ પર પડી છે, ખાસ કરીને જે તે રાષ્ટ્રની અર્થવ્યવસ્થાના પાયા હચમચી ગયા છે. ક્રૂડ ઓઈલ અને ગેસની કિંમતમાં વધારો થવાને કારણે નાગિરકો હેરાન-પરેશાન થયા છે. 

ક્રાઈસિસ ફંડ સિસ્ટમનો ફાયદો કોને?

એનર્જી સેક્ટરમાં અસ્થિરતાના કારણે એકઆખી ચેઈનને માઠી અસર ઊભી થઈ છે. આ સિવાય મિડલ ઈસ્ટથી આવતી ખાદ્ય સામગ્રી પણ મોંઘી બની રહી છે. એવામાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે લોકોના ખિસ્સા પર ભારણ વધી રહ્યું છે. કેન્યા અને ઈરાક જેવા રાષ્ટ્રએ પુષ્ટિ કરી છે કે, તેમણે વિશ્વ બેંક પાસે આર્થિક મદદ માટે ખોળો ખોલ્યો હતો. ભારતમાં જ નહીં, કેન્યામાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે.

ઈરાન ક્રૂડ ઓઈલથી થતી કમાણીના સંદર્ભમાં ખોટ સહન કરી રહ્યો છે. આ 27 રાષ્ટ્ર એ 101 રાષ્ટ્રની યાદીમાં સામેલ છે જેને ક્રાઈસીસ ફંડ સિસ્ટમનો ફાયદો મળી શકે છે. જેમાં 54 દેશ રેપિડ રીસપોન્સ યોજનાનો એકભાગ છે. આ યોજના અંતર્ગત કોઈપણ દેશ મંજૂર થયેલા ફંડ પણ ન વપરાયેલા ફંડના 10 ટકા ફંડનો તાત્કાલિક ધોરણે ઉપયોગ કરી શકે છે. વર્લ્ડ બેંક અધ્યક્ષ અજય બંગાએ ગત મહિને કહ્યું હતું કે, જરૂર પડ્યે ત્યારે બેંક 20થી 25 અબજ ડૉલરની તાત્કાલિક ધોરણે મદદ કરી શકે છે. 

કેટલીક શરતો લાગુ પડે છે

જૂના પ્રોજેક્ટના કેટલાક બાકી વધેલા ફંડના પૈસા તથા અન્ય યોજનાના પૈસા એમ કુલ મળીને છ મહિનામાં આ મદદ 60 અબજ ડૉલર સુધી પહોંચી શકે છે.આગળ જતા આ રકમ 100 અબજ ડૉલર સુધી પણ જઈ શકે છે. ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના પ્રમુખ ક્રિસ્ટલીના જાર્જિવાએ કહ્યું હતું કે, 12 એવા દેશ છે તેમણે મોનિટરિંગ ફંડ પાસેથી પૈસા માગી શકે છે.

હાલના સમયે ઘણા ઓછા એવા દેશ છે જેમણે આ માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ વિષય પર નિષ્ણાંતો કહે છે કે, ઘણા દેશ મોનિટરિંગ ફંડના બદલે વર્લ્ડબેંક પાસેથી મદદ લેવાનું પસંદ કરી રહ્યા છે. આ પાછળનું કારણ એ છે કે, મોનિટરિંગ ફંડ ખર્ચમાં કાપ મૂકવા માટેના બીજા નિયમો કે શરતો લાગુ કરે છે.