Sat May 23 2026

Logo

મોદી-રૂબિયોની દિલ્હીમાં યોજાઈ મહત્ત્વપૂર્ણ બેઠક, ક્વાડ મિટિંગ પહેલા હાઈલેવલ મિટિંગમાં અનેક મુદ્દા પર ચર્ચા

2026-05-23 18:28:47
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો ભારતની મુલાકાતે આવ્યા છે. દિલ્હીમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરીને એક મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરક્ષા, વ્યાપાર, ટેક્નોલોજી અને ઈન્ડો પેસિફિક સમુદ્રમાં સહયોગ પર મહત્ત્વની વાતચીત થઈ છે. ક્વાડ દેશના મંત્રીઓની મુલાકાત પહેલા આ બેઠક યોજાઈ રહી છે એટલે આ ભારત-અમેરિકાના સંબંધોની દ્રષ્ટિએ ઘણી મહત્ત્વની મુલાકાત મનાય રહી છે. આ સિવાય આનું રાજકીય અને રણનીતિક મૂલ્ય વધારે હોવાનું ચર્ચામાં છે. 

પહેલી હાઈલેવલ મિટિંગ
ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વડા પ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત બાદ આ પહેલી હાઈલેવલ મિટિંગ યોજાઈ છે, જેમાં અમેરિકી વિદેશમંત્રીએ નવી દિલ્હીમાં આવીને બેઠકમાં ભાગ લીધો હતો. વિદેશમંત્રી બન્યા બાદ માર્કો રૂબિયોની આ પહેલી ભારત મુલાકાત છે. રૂબિયો ભારતના મોટા શહેર જયપુર,આગરા, નવી દિલ્હી અને કૉલકાતાની મુલાકાત લેવાના છે. આનાથી ભારત-અમેરિકાના સંબંધને એક નવી દિશા મળી રહેશે.આ મુલાકાનો પ્રારંભ નવી દિલ્હીથી થયો છે. દ્વીપક્ષીય બેઠક બાદ તેઓ જયપુર અને આગરા માટે રવાના થશે.જયપુર તથા આગરામાં કેટલીક સંસ્થાઓ તથા પ્રતિનિધિઓ સાથે ખાસ મુલાકાત કરશે. 26 તારીખે ક્વાડ દેશની વિદેશમંત્રીઓની મહત્ત્વની બેઠકમાં ભાગ લેશે, જેમાં કેટલાય ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા થશે. 

વડા પ્રધાન મોદીએ મૂકી પોસ્ટ
અમેરિકાના વિદેશમંત્રી સાથેની મુલાકાતને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું હતું. જેમાં કેપ્શન લખ્યું હતું કે, ભારત-અમેરિકા દુનિયાનું ભલું કરવા આગળના સમયમાં પણ સાથે મળીને કામ કરતા રહેશે. નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ભારત-અમેરિકા સાથેના સંબંધને વધારે મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એક કલાક સુધી યથાવત રહેલી આ બેઠકમાં અન્ય પણ કેટલાક મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા થઈ છે. બન્ને દેશ વચ્ચે એક સહયોગને આગળ વધારવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ભારત અને અમેરિકા કેવી રીતે સાથે મળીને સુરક્ષાના આંતરમાળખાને મજબૂત કરી શકે, વ્યાપારિક ભાગીદારીને પ્રાથમિકતા આપીને નવી ગતિ આપી શકે.

ખાસ સેશન યોજાશે
રવિવારે બન્ને દેશ વચ્ચે એક દ્વીપક્ષીય વાર્તા પર એક સેશન યોજાશે. આ સાથે ક્વાડ દેશની બેઠકમાં ભારતની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. અમેરિકાના વિદેશમંત્રીએ વડા પ્રધાન મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધને એક નવી દિશા આપવાનો આ મોટો પ્રયાસ છે.આ બેઠકમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે મિડલ ઈસ્ટમાં સ્થિતિ સંવેદનશીલ થઈ રહી છે. ખાસ કરીને અમેરિકાના વલણ પર દરેક દેશની નજર છે ત્યારે રવિવારે ભારતમાં આ અંગે એવી બેઠક યોજાવવાની છે જેમાં અમેરિકાના વિદેશમંત્રી ખાસ ભાગ લેવાના છે.