ઇસ્લામાબાદઃ મધ્યપૂર્વના યુદ્ધના કારણે અત્યારે અનેક દેશોમાં ઈંધણના ભાવમાં સતત વધ-ઘટ થઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પાકિસ્તાનમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. ભારતમાં છેલ્લા 10 દિવસમાં ત્રણ વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પાડોશી દેશ પાકિસ્તામાં 6 પાકિસ્તાની રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 6 પાકિસ્તાની રૂપિયા અને હાઇ-સ્પીડ ડીઝલ (HSD)ના ભાવમાં આશરે 6.80 પાકિસ્તાની રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ભાવ ઘટ્યાં પરંતુ હજી કિંમત તો આસમાને જ છે
પાકિસ્તાનમાં આ નવા ભાવ આજે 23 મેથી લાગુ કરી દેવામાં આવ્યાં છે. જો કે, મહત્વની વાત એ છે કે, આટલા રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો તેમ છતાં પણ ત્યા પેટ્રોલનો ભાવ પ્રતિલીટરે 403.78 પાકિસ્તાની રૂપિયા અને ડીઝલમાં 402.78 પાકિસ્તાની રૂપિયા છે. જો કે, એક જ અઠવાડિયામાં આ બીજી વખત ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ ભાવ તો ઊંચા જ છે.
માર્ચ-એપ્રિલમાં થયો હતો રેકોર્ડબ્રેક ભાવ વધારો
મહત્વપૂર્ણ વાત એ છે કે, પાકિસ્તાનમાં ભલે અત્યારે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો પરંતુ માર્ચ-એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રેકોર્ડબ્રેક ભાવ વધારો કરવામાં આવ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિલીટરે 55 પાકિસ્તાની રૂપિયાનો ધારો કરવામાં આવ્યો હતો. અત્યારે જે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તે પણ માર્ચ એપ્રિલના ભાવ વધારેને અસર કરી શકે તેમ નથી. કારણ કે, હજી પણ પાકિસ્તાનીઓને પેટ્રોલ માટે પ્રતિલીટરે 403.78 પાકિસ્તાની રૂપિયા અને ડીઝલ માટે 402.78 પાકિસ્તાની રૂપિયા આપવા પડી રહ્યાં છે.