Sat May 23 2026

Logo

અમેરિકી હુમલાની આશંકા વચ્ચે એલર્ટ મોડ પર ઇરાન, બંધ કર્યો પોતાનો એરસ્પેસ

2026-05-23 13:38:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અમેરિકા દ્વારા નવેસરથી સૈન્ય હુમલા કરવામાં આવે તેવી વધી રહેલી આશંકાઓ વચ્ચે ઈરાને પોતાનો એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.

સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે અમેરિકા, ઈરાન પર સૈન્ય હુમલાના એક નવા તબક્કાની યોજના બનાવી રહ્યું છે. અહેવાલ મુજબ, જો આગામી 24 કલાકની અંદર કોઈ મોટી રાજદ્વારી સફળતા હાથ નહીં લાગે, તો રાષ્ટ્રપતિ મોટા પાયે નવા ઓપરેશનોને મંજૂરી આપવાનું મન બનાવી રહ્યા છે.

જો કે, નવા હુમલાઓને લઈને હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. વહીવટીતંત્ર દ્વારા તેહરાન વિરુદ્ધ નવા હુમલાઓ પર વિચારણા કરવામાં આવી રહી હોવાને કારણે અમેરિકી સેના અને ગુપ્તચર એજન્સીના ઘણા અધિકારીઓએ તેમની 'મેમોરિયલ ડે વિકેન્ડ'ની રજાઓ રદ કરી દીધી છે.

આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે શનિવારે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો, જેના કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ન્યૂ જર્સીમાં પોતાનો વીકએન્ડ વિતાવવાનો કાર્યક્રમ રદ કરીને તાત્કાલિક વોશિંગ્ટન પરત ફરવું પડ્યું હતું.

દીકરાના લગ્નમાં હાજર નહીં રહે ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે, ઈરાન સાથેના રાજદ્વારી તણાવને કારણે તેઓ સંભવતઃ તેમના દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના લગ્નમાં હાજર રહી શકશે નહીં. સરકાર અને વહીવટીતંત્ર સાથે જોડાયેલી પરિસ્થિતિઓનો હવાલો આપતા ટ્રમ્પે કહ્યું કે, તેમને લાગે છે કે તેમનું વોશિંગ્ટનમાં રહેવું વધુ જરૂરી છે.

ટ્રમ્પે આગળ લખ્યું કે, મને લાગે છે કે આ મહત્વપૂર્ણ સમયે મારું વોશિંગ્ટન ડી.સી.માં વ્હાઇટ હાઉસમાં હાજર રહેવું જરૂરી છે. ડોન અને બેટિનાને ખૂબ ખૂબ અભિનંદન.

અમેરિકા-ઈરાન સીઝફાયરની સ્થિતિ

એપ્રિલમાં ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલ અસ્થાયી યુદ્ધવિરામ અમેરિકા અને ઈરાન વચ્ચે ઘણી હદ સુધી કાયમ છે, જો કે કેટલાક અખાતી (ખાડી) દેશોમાં છૂટાછવાયા હુમલાના અહેવાલો સામે આવ્યા છે. પરોક્ષ માધ્યમો દ્વારા બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલુ છે, પરંતુ આ વાતચીતમાં સૌથી મોટો અવરોધ તેહરાનનું સંવર્ધિત યુરેનિયમ બનેલું છે.

ઘણા મીડિયા અહેવાલો અનુસાર, વ્હાઇટ હાઉસનું કડક વલણ છે કે ઈરાન પાસે ન તો પરમાણુ હથિયાર હોઈ શકે અને ન તો તે પોતાનું સંવર્ધિત યુરેનિયમ પોતાની પાસે રાખી શકે છે.