Sat Sep 05 2026

Logo

તેલંગાણામાં કાળઝાળ ગરમી અને લૂના કારણે 16 લોકોના મોત, સરકારે 4-4 લાખની સહાય જાહેર કરી

2026-05-23 18:16:30
Author: Vimal Prajapati
તેલંગાણામાં કાળઝાળ ગરમી અને લૂના કારણે 16 લોકોના મોત, સરકારે 4-4 લાખની સહાય જાહેર કરી

હૈદરાબાદ: ભારતના અનેક રાજ્યોમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે.  અનેક જગ્યાએ તો ગરમીનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ ઉપર જઈ રહ્યો છે. આ દરમિયાન ગરમીના કારણે કેટલાક લોકોના મોત થયાં હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. તેલંગાણામાં પણ ભીષણ ગરમી પડી રહી છે. અહીં ભારે ગરમી અને લૂના કારણે અત્યાર સુધીમાં 16 લોકોએ જીવ ગુમાવ્યો છે. આવી સ્થિતિને ગંભીરતાથી લેતે રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

તેલંગાણા સરકારે હાઈ લેવલની બેઠક યોજી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મહેસૂલ પ્રધાન પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ અધિકારીઓ સાથે હાઈ લેવલની બેઠક કરી છે. આ બેઠકમાં હીટવેવના કારણે આવી રહેલી પરેશાનીના કારણે લોકોને કેવી રીતે રાહત આપી શકાય તેના પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. 16 લોકોના મોત અંગે પણ મહેસૂલ પ્રધાન પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી દ્વારાલ પુષ્ટિ કરવામાં આવી હતી. 

ક્યાં જિલ્લામાં કેટલા લોકોના મોત થયાં?

સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડાની વાત કરવામાં આવે તો, જયશંકર ભૂપાલપલ્લી જિલ્લામાં સૌથી વધારે 4 લોકોના મોત થયાં છે. આના સિવાય વારંગલ અર્બન, કરીમનગર અને નિઝામાબાદમાં 3-3 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે જોગુલમ્બા ગડવાલ, રંગા રેડ્ડી અને સૂર્યાપેટ જિલ્લામાં 1-1 વ્યક્તિનું મોત થયું છે. તેથી આ મૃતકોના પરિવારને સરકાર દ્વારા 4 -4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. 

તમામ જિલ્લા કલેક્ટરોને હાઇ એલર્ટ પર રહેવાનો નિર્દેશ

તેલંગાણા સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને હાઇ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા પણ ચેતવણી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થઈ શકે છે. 'નૌતાપા' - જે વર્ષના નવ સૌથી ગરમ દિવસોનો સમયગાળો છે - દેશભરમાં 25 મેથી શરૂ થવાનો છે અને 2 જૂન સુધી ચાલુ રહેશે. જેને ધ્યાનમાં રાખતા હવામાન વિભાગ દ્વારા વૃદ્ધો, બાળકો અને આરોગ્યની સ્થિતિ ધરાવતા લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે દરેકને પુષ્કળ પાણી પીવા, તડકામાં બહાર નીકળતી વખતે માથું ઢાંકવા અને બપોરના સમયે ખૂબ જ જરૂરી હોય તો જ બહાર નીકળવા વિનંતી કરવામાં આવી છે.