કેલિફોર્નિયાઃ અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સામે આવી છે. અહીંની એક એરોસ્પેસ ફેક્ટરીમાં અત્યંત જ્વલનશીલ અને ઝેરી કેમિકલનું લીકેજ શરૂ થતાં અફરાતફરી મચી ગઈ છે. કેમિકલ સ્ટોરેજ ટેન્ક ગમે ત્યારે ફાટી શકે છે અથવા તેમાં મોટો વિસ્ફોટ થઈ શકે છે તેવી સત્તાવાર ચેતવણી બાદ ઓરેન્જ કાઉન્ટી પ્રશાસને શુક્રવારે આશરે 40,000 સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે આદેશ આપ્યો છે. સાવચેતીના ભાગરૂપે પ્રભાવિત વિસ્તારોની તમામ શાળાઓ બંધ કરી દેવાઈ છે.
26,000 લીટર 'મિથાઈલ મેથેક્રિલેટ' ટેન્ક પર જોખમ
આ ગંભીર ઘટના ગાર્ડન ગ્રોવ શહેરમાં આવેલી 'જીકેએન એરોસ્પેસ' ફેક્ટરીમાં ઘટી છે, જે કોમર્શિયલ અને મિલિટરી પ્લેનના પાર્ટ્સ બનાવવાનું કામ કરે છે. ગુરુવારે ફેક્ટરીમાં રાખવામાં આવેલી એક વિશાળ કેમિકલ ટેન્ક અચાનક ઓવરહીટ થઈ ગઈ હતી અને તેમાંથી ઝેરી ગેસના વાદળો હવામાં ફેલાવા લાગ્યા હતા. આ ટેન્કમાં આશરે 22,700થી 26,500 લીટર 'મિથાઈલ મેથેક્રિલેટ' નામનું કેમિકલ ભરેલું છે, જે પ્લાસ્ટિક અને રેઝિન બનાવવા માટે વપરાય છે.
ગાર્ડન ગ્રોવના ફાયર ચીફ ક્રેગ કોવેએ પરિસ્થિતિની ગંભીરતા જણાવતા કહ્યું કે, ‘આ કોઈ સામાન્ય સાવચેતી નથી, આ ટેન્ક ફેલ થવાની જ છે અને તે ક્યારે તૂટશે તે અમે કહી શકતા નથી. અમારી પાસે માત્ર બે જ વિકલ્પો બચ્યા છે. કાં તો ટેન્ક લીક થઈને બધું કેમિકલ પાર્કિંગ લોટમાં વહી જશે, અથવા તેમાં 'થર્મલ રનઅવે' થવાના કારણે મોટો વિસ્ફોટ થશે. જેથી તંત્ર દ્વારા ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે.
એકસાથે 6 શહેરોમાં એલર્ટ જાહેર કરાયું
શરૂઆતમાં આ આદેશ માત્ર ગાર્ડન ગ્રોવ પૂરતો સીમિત હતો, પરંતુ રાતભરના પ્રયાસો છતાં જ્યારે ટેન્કના વાલ્વમાં ખરાબીને કારણે લીકેજ કાબૂમાં ન આવ્યું, ત્યારે શુક્રવારે ઓરેન્જ કાઉન્ટીના અન્ય ૫ શહેરોના અમુક વિસ્તારોને પણ ખાલી કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગાર્ડન ગ્રોવ (Garden Grove), સાયપ્રસ (Cypress), સ્ટેન્ટન (Stanton), અનાહેમ (Anaheim), બ્યુના પાર્ક (Buena Park) અને વેસ્ટમિન્સ્ટર (Westminster)શહેરોમાં સામેલ છે.